Abtak Media Google News

ભારત સરકારે ટાયર માટે નવો નિયમ બનાવવાની દરખાસ્ત અંગે તાજેતરમાં જ એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ નવા નિયમ મુજબ ભારતમાં વેચવામાં આવતા ટાયરોને રોલિંગ રેઝિસ્ટન્સ, ભીની પકડ(ભીના રસ્તામાં મજબૂત પકડ) અને રોલિંગ સાઉન્ડ સહિતના કેટલાક પરિમાણો પર ખરું ઉતરવું પડશે. યુરોપમાં આ નિયમ 2016થી લાગુ કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ ગ્રાહકો માટે વાહનની કામગીરી અને સલામતીમાં સુધારો કરવાનો છે. ટાયર ઉત્પાદકો અને કાર, બસો અને ભારે વાહનોના આયાતકારોએ આ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ સૂચનામાં પ્રસ્તાવ મૂક્યો છે કે, ‘ટાયર માટેના નવા નિયમો 2021 ઓક્ટોબરથી લાગુ કરવા જોઈએ, જે સંપૂર્ણ નવા બનતા ટાયરો પર ફરજિયાત રહેશે. દરમિયાન, હાલના ટાયર મોડેલને નવા નિયમોમાં સ્વીકારવા માટે ઓક્ટોબર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ નવા નિયમોમાં પ્રથમ પગલું કદાચ ટાયરને સ્ટાર રેટિંગ સાથે રાખવાનું હશે. તાજેતરમાં, CEATએ ભારતમાં સેક્યુરાડ્રાઈવ રેન્જ સાથે પોતાની ટાયર લેબલ સિસ્ટમ શરૂ કરી છે, જેમાં આ બધી માહિતી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

Tyres
ભારતમાં ઘણી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, જે ટાયરોનું ઉત્પાદન કરે છે. અને તેને વિશ્વના બજારોમાં નિકાસ કરે છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓને સલામતીના નિયમોનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી રહેશે નહીં. હાલમાં, દેશમાં વેચાયેલા ટાયરોને ‘ટાયર ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર’ હેઠળ બીઆઈએસ ગુણવત્તા સ્તર પ્રાપ્ત કરવું ફરજિયાત છે.

જો કે, હાલમાં ટાયર ખરીદતા પહેલા ગ્રાહકોને તેની ક્ષમતા વિશે કોઈ માહિતી આપવામાં આવતી નથી. બીઆઇએસ માર્કિંગમાં ટાયર માર્કેટની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી, જે આ નવા નિયમોમાં જોવા મળશે. જ્યારે નવા નિયમ અમલમાં આવશે, ત્યારે ભારતમાં વેચાયેલા ટાયર અમેરિકા, યુરોપ, જાપાન અને અન્ય વિકસિત દેશોમાં લાગુ કરેલા નિયમોની સાપેક્ષ પહોંચી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.