Abtak Media Google News

ટોળાઓ દ્વારાથતી હિંસા હોય કે પછી સોશ્યલ મીડિયામાં અફવાઓ બાદ ટોળાશાહી આચરી હિંસક કૃત્ય કરાતા હોય કે પછી છાશવારે ધરણા પ્રદર્શન અને રેલીઓ હિંસક બનતા કંઈ કેટલાય નિર્દોષો ભોગ બનતા હોય સુપ્રીમ કોર્ટે ટોળાશાહીને નાવા આપેલા દિશા નિર્દેશ બાદ કેન્દ્ર સરકારે આઈપીસી ધારામાં ફેરફાર કરવા તૈયારી શરૂ કરી હોવાના સંકેતો મળી રહ્યાં છે.

સામાન્ય રીતે ભારતીય દંડ સહિતા મુદ્દે ટોળાઓ દ્વારા આચરવામાં આવતા કૃત્યોને હળવાશી લેવામાં આવે છે ત્યારે છેલ્લા થોડા સમયમાં ગૌરક્ષાના નામે ટોળા હિંસક બની લોકોના મોત નિપજાવી રહ્યાં છે. આ ઉપરાંત અન્ય કેટલાક ટોળાઓના કિસ્સામાં નિર્દોષ લોકો મોતને ભેટતા સુપ્રીમ કોર્ટ ટોળાશાહીને ગંભીર રીતે ગણી રહી છે અને આ મામલે કેન્દ્ર સરકારને કાયદો ઘડવા જણાવ્યું હતું. ન્યાયમુર્તિ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે ટોળાશાહી દ્વારા આચરવામાં આવતા કૃત્યોને કડકમાં કડક સજા થાય તે માટે કાયદો ઘડવા ભલામણ કરી છે.

વધુમાં ટોળાઓ દ્વારા થતી હિંસા મામલે સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ કેન્દ્ર સરકારે ભારતીય દંડ સહિતામાં સુધારો કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું ત્યારે આવનારા દિવસોમાં આઈપીસી અને સીઆરપીસી કાયદામાં ટોળાઓ વિરુધ્ધ કડક હાથે કામગીરી કરવા ઉપરાંત ટોળા દ્વારા આચરાતા કૃત્યો બાદ જવાબદારોને કડક સજા કરવા માટે પણ જોગવાઈઓ કરાશે તે સ્પષ્ટ છે.

નોંધનીય છે કે, દેશમાં ગૌરક્ષકો દ્વારા ગૌવંશને બચાવવાના નામે કેટલાય રાજયોમાં ટોળાશાહી ચલાવી કાયદો હાથમાં લઈ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાની અનેક ઘટનાઓ બની છે આ ઉપરાંત તાજા ભુતકાળમાં જ સોશ્યલ મીડિયામાં બાળકો ઉઠાવી જતી ગેંગના નામે અફવાઓ ફેલાવવામાં આવતા આ અફવાઓ બાદ પણ ટોળાઓએ હિંસક બની નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારતા સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર ટોળાઓને લઈ ખુબજ ગંભીર બની છે.

આ સંજોગોમાં હવે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય દંડ સહિતા અને સીઆરપીસીના માળખામાં ફેરફાર કરી હિંસા પર ઉતરી આવતા ટોળાને કાબુમાં લેવા નવો કાયદો ટૂંક સમયમાં જ લાવે તેવી શકયતા જોવાઈ રહી છે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.