Abtak Media Google News

છેલ્લા 16 વર્ષથી ક્ષમતા કરતા 37 ટકા જ કામ થઈ રહ્યું છે

રાજ્ય સરકાર અને ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા કચ્છ ખાતે 250 મેગાવોટનો પાવર પ્લાન્ટ અકરીમોટામાં ઉભો કર્યો છે. ત્યારે જે ક્ષમતાથી ઉર્જા ઊભી થવી જોઈએ તે થઈ શકી નથી જેના ભાગરૂપે સરકાર ક્ષમતા વધારવા 300 કરોડનું રોકાણ કરશે. હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ સમગ્ર પ્લાન્ટ ના 37% જ ઉર્જા ઊભી થઈ રહી છે ત્યારે આ ક્ષમતાને 75% થી લઈ 85 ટકા સુધી વધારવા માટે પાવર પ્લાન્ટ ને પુનઃ વિકસિત કરવામાં આવશે અને તેમાં અનેક બદલાવો પણ હાથ ધરાશે.

Advertisement

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંશીને જણાવ્યું હતું કે લખપત તાલુકામાં આવેલા અક્રીમોટા ઉર્જા સ્ટેશન ખાતે 250 મેગાવોટ પાવર જનરેશન કેપેસિટી વાળો પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે પરંતુ પ્લાન્ટ લોડ ફેક્ટર માત્ર 37% જ છે જેને વધારવો ખૂબ જ આવશ્યક છે. ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન આ અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી અને ભલામણ કરી હતી કે જે પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો અને જે બદલાવો થવા જોઈએ તે કરાય જેથી તેની ક્ષમતામાં વધારો થઈ શકે. .

અકરીમોટા પ્લાન્ટ મુખ્યત્વે લિગ્નાઇટ નો ઉપયોગ ઉર્જા પેદા કરવા કરી રહ્યો છે ત્યારે હાલ જે ક્ષમતા જોવા મળી છે તેમાં અધધ વધારો નોંધાશે જેને ધ્યાને લઈ સરકારે આ રોકાણ કરવા માટેની તૈયારી દાખવી છે. એટલું જ નહીં ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન વર્ષ 2023 24 થી 800 કરોડ રૂપિયા નું રોકાણ નવા છ લિગ્નાઇટ પ્રોજેક્ટ ઊભા કરવા માટે કરશે જેનાથી રાજ્યની અર્થવ્યવસ્થામાં ખૂબ મોટો વધારો પણ નોંધાશે અને હાલ જે પ્રોજેક્ટ ની વાત થઈ રહી છે તે પ્રોજેક્ટ આગામી એક વર્ષથી દોઢ વર્ષના સમયગાળામાં જ શરૂ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.