Abtak Media Google News
  • ઈમ્પોર્ટેડ હેન્ડબેગના કન્ટેઈનરને ક્લિયરન્સ આપવાની અવેજમાં 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી લીધા

કચ્છના મુન્દ્રામા એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. કસ્ટમ સુપ્રિટેન્ડન્ટને લાંચ લેતા ઝડપી લીધા છે. કચ્છમાં કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ એક લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. એસીબીની ટ્રેપમાં કુલ 3 વ્યક્તિઓ પકડાયા છે. હાલ તો આ સમગ્ર લાંચ કેસને લઈ કચ્છ પંથકમાં ચકચાર મચી ગઈ છે. એસીબીની ટીમે આ લાંચ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

મુંદ્રામાં ઈમ્પોર્ટેડ હેન્ડબેગના કન્ટેઈનરને ક્લિયરન્સ આપવાની અવેજમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતાં વર્ગ બે કક્ષાના બે કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ અને વચેટિયાને એસીબીએ દબોચી લીધાં છે.

કચ્છના એક બીઝનેસમેને વિદેશથી આયાત કરેલી હેન્ડબેગના કન્ટેઈનરને હરામના રૂપિયા ખાવાના હેતુથી બંને ભ્રષ્ટ સુપરિન્ટેન્ડેન્ટે અટકાવી દીધું હતું. તે ક્લિયર કરાવવા પેટે વચેટિયા રમેશ ગોપાલ ગઢવીએ સાહેબોનું મોઢું મીઠું કરાવવું પડશે તેમ કહી તેમના વતી લાંચ માંગેલી. પ્રામાણિક વેપારીએ સીધો ભુજ એસીબીનો સંપર્ક કરેલો. એસીબી પીઆઈ એલ.એસ.ચૌધરીએ ત્વરિત મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શનમાં મુંદ્રા પોર્ટ ખાતે ટ્રેપનું આયોજન કર્યું હતું. ફરિયાદી વેપારી એક લાખ રોકડાં લઈને વચેટિયા રમેશ ગઢવી સાથે કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ શૈલેષ મનસુખભાઈ ગંગદેવને મળ્યો હતો.

ગંગદેવે લાંચ સંદર્ભે પ્રીવેન્ટીવ બ્રાન્ચના અન્ય સાથી કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ આલોકકુમાર લક્ષ્મીકાન્ત દુબે સાથે ફોન પર વાતચીત કરી હતી. દુબેએ લાંચ માટે સંમતિ આપ્યાં બાદ શૈલેષ અને ગઢવીએ એક લાખ રૂપિયા સ્વિકાર્યાં હતાં.

નાણાં સ્વિકારતાં જ એસીબીના અધિકારીઓએ પ્રગટ થઈ બેઉને સ્થળ પર રંગેહાથ દબોચી લીધાં હતાં. પાછળથી આલોક દુબેને પણ ધરબોચી લીધો હતો.

કચ્છમાં કંડલા અને મુંદરા પોર્ટ ખાતે કાર્યરત કસ્ટમ વિભાગ સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ગયો હોવાના દાખલા અવારનવાર બહાર આવતાં રહ્યાં છે. બોર્ડર રેન્જ આઈજીની ટીમે ગત વર્ષે બે અલગ અલગ કિસ્સામાં મુંદરા બંદર પર દાણચોરી કરીને ભારતમાં ઘૂસાડાતી સોપારીના સુવ્યવસ્થિત કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે જ બંદરો પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્ઝ ભારતભરમાં પહોંચી રહ્યું છે.

એસીબીએ શૈલેષભાઇ મનસુખભાઇ ગંગદેવ- સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ વર્ગ-2, મુન્દ્રા, આલોકકુમાર શ્રીલક્ષમીકાંન્ત દુબે- સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ (પ્રિવેન્ટીવ વિભાગ) મુન્દ્રા વર્ગ-2, રમેશભાઇ ગોપાલભાઇ ગઢવીની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.