Abtak Media Google News

સુદ્રઢ લોકતંત્ર માટે અનિવાર્ય રાજકીય પક્ષના અસ્તિત્વનો ઇતિહાસ ઇંગ્લેન્ડના પ્રથમ આંતર વિગ્રહ સાથે જોડાયો છે. રાજાના સમર્થક કેરોલિયા અને વિરોધ્ધી રાઉન્ડહેન્ડ્રોઝના અલગ-અલગ ચોકાઓએ સૌ પ્રથમવાર વિશ્ર્વને રાજકીય પક્ષોના ઉદ્ગમની નવી દિશા બતાવી. ત્યાર પછી તો લોકતંત્રને બદલે સરમુખ્તારશાહીઓએ પોતાની સત્તા માટે એક મત ધરાવતાં લોકોના પક્ષોનો ઉપયોગ પણ કર્યાનું ઇતિહાસમાં નોંધાયુ છે. પરંતુ જેમ-જેમ લોકતાંત્રિક વ્યવસ્થાનું વિકાસ થતો ગયો તેમ-તેમ રાજકીય પક્ષની વ્યવસ્થા પણ સુદ્રઢ બની. ભારત જેવા વિશ્ર્વના સૌથી મોટા લોકતંત્રમાં રાજકીય પક્ષોનું મહત્વ હોય તે સ્વભાવિક છે. હવે આપણી લોકશાહીએ સાત દાયકાની સફર બાદ પરિપક્વતા ધારણ કરી છે તેમ-તેમ રાજકીય પક્ષો પણ વધુને વધુ જવાબદાર બની રહ્યાં હોય તે સ્વભાવિક છે.

અલબત્ત ભારતમાં પ્રાદેશિક અને સ્થાનિક રાજકીય પક્ષોમાં વારંવાર એક સમાન જૂથવાદનું દૂષણ વકરવાની અને તેના સારા-માઠા પરિણામો ઉભા કરવાની એક આગવી પરંપરા ઉભી થઇ છે. સામાન્ય રીતે રાજકીય પક્ષ આંતરીક રીતે સભ્યોની એકમતીથી મજબૂત બનતા હોય છે અને આંતરીક એકતા જ પક્ષોની તાકાત ગણાય છે. અલબત્ત ભારતના રાજકારણમાં વિપક્ષના આંતરીક જૂથવાદ દરેક યુગમાં પ્રભાવી અને પ્રચ્છન શાસક, વિપક્ષ, ડાબેરી, જમેણી પક્ષો માટે ચિંતાનું વિષય રહે છે.

જૂથવાદથી દેશના કોઇ પક્ષ બાકાત રહ્યાં નથી. જ્યારે સામાન્ય સભ્ય કે નેતામાં ‘હુંપદ’ આઇએમ સમથિંક કે મહાત્વાકાંક્ષાનો અતિરેક થાય ત્યારે જૂથવાદનો જન્મ થાય છે અને વ્યક્તિ પક્ષમાં પોતાનું સામર્થ્ય બતાવવા માટે મિત્રોને એકજૂથ અને વિરોધીઓને અલગ તારવવાની ફિરાકમાં પક્ષમાં જૂથવાદ સર્જી દે છે. કોંગ્રેસમાં મોરારજી દેસાઇ, ઇન્દિરા ગાંધીના મતમતાંતર કોંગ્રેસમાંથી કોંગ્રેસ આઇની રચના બિહારમાં જેડીયુમાં લાલુ પ્રસાદ યાદવ પછી અખિલેશ યાદવની મહાત્વાકાંક્ષાએ ઉભા કરેલા જૂથવાદ કોંગ્રેસમાંથી તૃણમુલ કોંગ્રેસનો ઉદય, વી.પી. સિંઘએ જૂથવાદના મહાત્વાકાંક્ષાથી વડાપ્રધાન પદ સુધીની સફળતા મેળવી હતી.

પંજાબમાં અત્યારે કેપ્ટન અને નવજોતસિંઘ સિધ્ધુએ અલગ-અલગ ચોકા ઉભા કરીને કોંગ્રેસને વિસામણમાં મૂકી દીધી છે. સમાજવાદી પાર્ટીમાં અખિલેશના વ્યક્તિ વિશેષપણાએ ભાગલા પડાવી દીધા. આમ રાજકીય પક્ષોમાં જ્યારે વ્યક્તિ વિશેષનું પરિબળ પક્ષથી વધુ વજનદાર બને ત્યારે પક્ષ માટે જ જૂથવાદ ભાર વધારનારું બની જાય છે. ગુજરાત સહિત દેશમાં અત્યારે ભાજપની બોલબાલા છે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ભાજપના બે જૂથો વચ્ચે ઉભી થયેલી રાજકીય હરિફાઇ મોવડીઓ માટે ચિંતાનો વિષય બની ચુંકી છે.

લોકતંત્રમાં છેવાડના મતદારને સત્તાના કેન્દ્ર અને લોકતંત્રના રાજા ગણવામાં આવે છે. પરંતુ લોકતંત્રના આ રાજાઓને દિશાનિર્દેશ અને કોને રાજ આપવું, કોનો રાજયોગ લઇ લેવો એ રાજકીય પક્ષો નક્કી કરે છે. આમ લોકતંત્રની સાચી શક્તિ રાજકીય પક્ષોના હાથમાં રહેલી હોય છે પરંતુ સમયના અંતરે રાજકીય પક્ષોમાં જ્યારે સમાનતાના માહોલ અને પક્ષને સર્વોપરી ગણવાના અભિગમને હળવાશથી લેવામાં આવે અને શિસ્ત ન જળવાઇ ત્યારે પક્ષમાં વ્યક્તિ વિશેષનો ભાવ ઉભો થાય છે અને આ ભાવમાંથી જૂથવાદનો જન્મ થાય છે.

સાપ્રત, રાજકારણ અને   રાજકીય પક્ષો માટે હંમેશા પક્ષના આંતરીક જૂથવાદનું દૂષણ ચિંતાનો વિષય બની રહે છે. ક્યાંક અપવાદરૂપ કિસ્સામાં પક્ષના જૂથવાદને સમયસર પારખીને સંતોષ-અસંતોષનું અસંતુલન દૂર કરવામાં મોવડીઓ સફળ થઇ જાય તો પક્ષની બે આંતરિક શક્તિઓને એકરૂપ બનાવીને પક્ષ વધુ મજબૂત બને છે. જો વ્યક્તિ વિશેષમાંથી જન્મેલો જૂથવાદ બેકાબૂ થઇ જાય તો પક્ષના ભંગાણથી નવા પક્ષના ઉદયથી હરીફ ઉભા કરવાની કિંમત પણ ચૂકવવી પડે. પક્ષ જ્યારે સત્તામાં હોય ત્યારે આંતરીક સંતુલન જાળવવાની જવાબદારી સવિશેષ વધી જાય છે કેમ કે શાસક પક્ષ માટે માહ્યલાની બળવાખોર વૃતિ વધુ ઘાતક પૂરવાર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.