Abtak Media Google News

દરેક નાગરિકને સરકારનો શાંતિપૂર્ણ વિરોધ કરવાનો હક્ક હોવાનું પૂર્વ ન્યાયાધીશ દિપક ગુપ્તાનું નિવેદન

ટુલકીટના માધ્યમથી આંદોલનકારીઓના સમર્થનમાં વિશ્ર્વભરમાંથી ટેકો મેળવવાનો પ્રયાસ થયો હતો. ટુલકીટમાં કેટલીક બાબતો ગેરમાર્ગે દોરે તેવી પણ હતી. ગ્રેટા થનબર્ગ અને રિહાના જેવા વૈશ્ર્વિક ચહેરાઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસ દ્વારા ટુલકીટથી મામલો ભડકાવવાનો પ્રયાસ થયો છે તેવી વાત આગળ ધરી ધરપકડો કરવાનો દૌર શરૂ થયો હતો. પ્રારંભીક તબક્કે દિશા રવિ નામની 21 વર્ષીય પર્યાવરણ કાર્યકરની ધરપકડ થયા બાદ દિલ્હી પોલીસે નિકીતા જેકોબ, મુંબઈના એક વકીલ તેમજ શાંતનુમુલુક નામના એક એન્જીનીયરની ધરપકડ કરવા તખતો ઘડ્યો હતો.

Advertisement

આ બાબતે આરોપીઓ બોમ્બે હાઈકોર્ટમાં ગયા છે અને ધરપકડ ન થાય તે માટેની અરજી કરી છે. દિશા રવિની ધરપકડથી મામલો ગરમાયો છે. પોલીસે ઉતાવળે ધરપકડનો નિર્ણય લઈને તેને તાત્કાલીક કસ્ટડીમાં ધકેલી દીધી છે. આ ઉપરાંત તેના પર રાજદ્રોહનો કેસ ચલાવવા માટે પણ કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળે છે. આવી સ્થિતિમાં દેશમાંથી બૌદ્ધિક વર્ગ દ્વારા પોલીસે લીધેલા નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ દિપક ગુપ્તાએ દિશા રવિના કેસમાં કહ્યું છે કે, ટુલકીટ મામલો દેશદ્રોહી ગતિવિધિ નથી.

તેમણે કહ્યું છે કે, દેશના દરેક નાગરિક પાસે સરકારના પગલાનો વિરોધ કરવાનો અધિકાર છે. આ વિરોધ શાંતિપૂર્ણ હોવો જોઈએ. તાજેતરમાં એક ટીવી કાર્યક્રમ દરમિયાન ચાલી રહેલા ડિશ્કશન દરમિયાન તેમણે આ વાત કહી હતી. ગત તા.14 ફેબ્રુઆરીના રોજ દિલ્હી મેજીસ્ટ્રેટ દ્વારા રવિને પાંચ દિવસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. તેની ધરપકડ ટુલકીટ બાબતે બેંગ્લોરમાંથી થઈ હતી. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ કાર્યકર થનબર્ગ દ્વારા શેયર કરાયેલી ટુલકીટ સંબંધે મામલો સળગ્યો હતો. ત્યારબાદ દેશદ્રોહ સહિતના ગુનામાં ધરપકડોનો દૌર શરૂ થયો હતો. આવી સ્થિતિમાં રવિની ધરપકડ દેશના ફ્રીડમ ઓફ સ્પીચ ઉપર હુમલો છે તેવી દલીલ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ટુલકીટ ગુગલ ડોક્યુમેન્ટ દ્વારા બનાવવામાં આવી હતી અને તેમાં કેટલીક બાબતો એડીટ પણ કરવામાં આવી હતી. આવી ટુલકીટના કારણે ગત 26મી જાન્યુઆરીએ થયેલી હિંસા કારણભૂત છે અને જવાબદારો સામે પગલા લેવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.