એજન્સીનો દુરૂપયોગ તો મારા ઉપર થયો ’તો : શાહ

આજ હમારી, કલ તુમારી બારી હૈ!!

યુપીએ સરકાર દરમિયાન તત્કાલીન સીએમ

નરેન્દ્ર મોદીને નકલી એન્કાઉન્ટરમાં ફસાવવા માટે સીબીઆઈએ મારા પર ઘણું દબાણ કર્યું હતું : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઘટસ્ફોટ

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તત્કાલીન સરકાર દ્વારા તેમને ફસાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા તેવુ વડાપ્રધાને જણાવ્યા બાદ આ વાતને આગળ વધારતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દાવો કર્યો કે યુપીએ સરકાર દરમિયાન નરેન્દ્ર મોદીને નકલી એન્કાઉન્ટરમાં ફસાવવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તેમના પર ઘણું દબાણ કરવામાં આવ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)ના શાસન દરમિયાન સીબીઆઈએ ગુજરાતમાં નકલી એન્કાઉન્ટરનો કેસ નોંધ્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફસાવવા માટે ઘણા પ્રયાસ અને દબાણ વધાર્યા હતા.

તેણે કહ્યું, મને નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. તેઓ મારા પર મોદીનું નામ લેવા માટે દબાણ કરતા હતા અને હું તેમ કરું તો મને મુક્ત કરી દેશે તેવું કહેતા હતા. તપાસ એજન્સીઓએ પૂછેલા 90 ટકાથી વધુ પ્રશ્નોમાં મોદીનું નામ પૂછવામાં આવ્યું હતું. પરંતુ મેં તેમ કરવાની ના પાડી અને પછી મને જેલમાં મોકલી દેવામાં આવ્યો. આવી ઘટનાઓ છતાં ભારતીય જનતા પાર્ટી તરફથી ક્યારેય કોઈ હંગામો થયો નથી. ભાજપે ક્યારેય આવો મુદ્દો બનાવ્યો નથી. અમે પરફોર્મન્સ માટે ક્યારેય કાળા કુર્તા, ધોતી અને પાઘડી પહેરી નથી.

તેમણે કહ્યું કે ત્યારે સોનિયા ગાંધી કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા અને મનમોહન સિંહ વડાપ્રધાન હતા. તેમના સમયમાં ઘણા નિર્દોષ પોલીસ અધિકારીઓ પણ ફસાયા હતા.

તેણે એમ પણ કહ્યું કે મને મુંબઈની અદાલતે નિર્દોષ જાહેર કર્યો છે. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે રાજકીય કારણોસર ખોટા કેસ કરવામાં આવ્યા હતા, પરંતુ અમે ક્યારેય વિરોધનો આશરો લીધો નથી.

રાહુલ ગાંધીએ હોબાળો કરવાને બદલે હાઇકોર્ટમાં જવું જોઈએ

સુરત કોર્ટે 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે તેઓ એકલા એવા વ્યક્તિ નથી કે જેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને પછી લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યુ હોય. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કોર્ટના નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં જવાની સલાહ આપતા અમિત શાહે કહ્યું કે, હાઈકોર્ટમાં જવાને બદલે રાહુલ ગાંધી અને તેમની પાર્ટી સતત હોબાળો મચાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ બધા માટે વડાપ્રધાનને દોષ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને દોષી ઠેરવવાને બદલે રાહુલે દોષિત ઠરાવના વિરોધમાં ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ.