Abtak Media Google News

શાકભાજીનાં ભાવમાં ૨૬.૧૦ ટકા જયારે ફળનાં ભાવમાં ૪.૮ ટકાનો તોતીંગ વધારો: ગરીબ-મધ્યમ વર્ગની હાલત કફોડી

ભારતમાં ગુજરાત સહિતનાં કેટલાક રાજયોમાં કમોસમી વરસાદનાં કારણે શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી ગયા છે ઉપરાંત ફુગાવામાં પણ ધરખમ વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે કફોડી સ્થિતિ ઉભી થઈ છે. રીટેલ ફુગાવો ૧૬ મહિનાની ટોચે પહોંચી ગયો છે. પરીણામે કેન્દ્ર સરકાર પર આર્થિક સ્થિતિ મુદ્દે દબાણ વઘ્યું છે. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (એનએસઓ) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ડેટા અનુસાર ક્ધઝયુમર પ્રાઈઝ ઈન્ડેકસમાં ઓકટોબર સુધીમાં રીટેલ ફુગાવો વધીને ૪.૬ ટકાએ પહોંચ્યો છે. છેલ્લા ૧૬ મહિનામાં સૌથી વધુ દર જોવા મળ્યો છે. ઉપરાંત ખાધાન્ન વસ્તુઓનાં ભાવમાં વધારાનાં કારણે પણ ઓકટોબર મહિનામાં ફુગાવો વઘ્યો હોવાની ધારણા છે. ફુગાવો વધવાનાં કારણે આરબીઆઈ દ્વારા આગામી મહિને થનારી નાણાકીય નીતિની સમીક્ષામાં વ્યાજદરનો ઘટાડો કરવામાં આવે તેવી ધારણા ખુબ જ ઓછી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

નોંધનીય છે કે, કન્ઝ્યૂમર પ્રાઈઝ ઈન્ડેકસ આધારીત રીટેલ ફુગાવો સપ્ટેમ્બર-૨૦૧૯માં ૩.૯૯ ટકા હતો અને જયારે ઓકટોબર ૨૦૧૮માં આ ફુગાવો ૩૮ ટકાનો હતો. અગાઉ જુન-૨૦૧૮માં રીટેલ ફુગાવો ૪.૯૨ ટકા નોંધવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે કમોસમી વરસાદનાં કારણે ફુગાવો વઘ્યો હોવાની શકયતાઓ પણ છે. કમોસમી વરસાદનાં કારણે કૃષિ ક્ષેત્રે નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. ભાવ વધારા પાછળ કમોસમી વરસાદી ઝાપટાને જવાબદાર ઠેરવાઈ રહ્યા છે. ખાધાન્ન વસ્તુઓનાં ભાવમાં ધરખમ વધારો થયો છે.

અનાજનાં ભાવમાં ૨.૧૬ ટકા જયારે માસાહારને લગતી વસ્તુઓમાં ૯.૯૫ ટકાનો વધારો નોંધાયો છે. દાળનાં ભાવમાં પણ ૧૧.૭૨ ટકાનો તોતીંગ વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સહિતનાં રાજયોમાં કમોસમી વરસાદનાં કારણે ખેતીને નુકસાન થયું છે. કેટલાક રાજયોમાં પુરની સ્થિતિ સર્જાવાનાં કારણે કૃષિ ક્ષેત્રે નુકસાન થયું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં સર પ્લસ વરસાદનાં કારણે ખરીફ પાકને ફટકો પડયો હોવાનું માનવામાં આવે છે જેની સાથોસાથ શાકભાજીનાં ભાવ પણ સમયાંતરે વઘ્યા છે. ૨૦૧૮ની સરખામણીએ આજની પરિસ્થિતિમાં શાકભાજીનાં ભાવ આસમાને પહોંચ્યા છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

ડુંગળી અને ટામેટાં સહિતના શાકભાજીના ભડકે બળતા ભાવને કારણે ઓક્ટોબર મહિનામાં રિટેલ ફુગાવો (મોંઘવારી) ૪.૬૨ ટકા પર પહોંચી ગયો હતો. સરકારના જણાવ્યા અનુસાર જૂન ૨૦૧૮ પછીના ૧૬ મહિનામાં પહેલીવાર રિટેલ મોંઘવારી ભારતીય રિઝર્વ બેન્કના ફુગાવાના મિડિયમ ટર્મ ટાર્ગેટ ૪ ટકાથી પણ ઉપર ચાલી ગઇ છે. સપ્ટેમ્બર મહિનામાં ક્ધઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) ૩.૯૯ ટકા નોંધાયો હતો. છૂટક કિંમતોને સ્થિર રાખવા માટે સરકારે માર્ચ ૨૦૨૧ સુધી મધ્યમ ગાળાનો ફુગાવાનો લક્ષ્યાંક ૪ ટકા રાખ્યો છે. શાકભાજી, દાળ, કઠોળ, માંસ અને માછલી જેવા ખાદ્યપદાર્થોની કિંમતોમાં ભારે વધારો થતાં ખાદ્યાન્ન ફુગાવામાં તોતિંગ વધારો નોંધાયો છે. રિટેલ મોંઘવારીની સૌથી વધુ અસર આસામ અને કેરળમાં જોવા મળી રહી છે. આ બંને રાજ્યોમાં રિટેલ ફુગાવો ૬ ટકાને પાર કરી ગયો છે. જ્યારે બિહાર અને છત્તીસગઢમાં આક્ટોબર મહિનામાં રિટેલ ફુગાવો બે ટકા કરતાં પણ ઓછો નોંધાયો છે.

ખાદ્યપદાર્થોની કિંમતો છેલ્લા ૩ વર્ષની ટોચે પહોંચતાં સપ્ટેમ્બર ૨૦૧૯માં રિટેલ ફુગાવો ૩.૯૯ ટકા પર પહોંચ્યો હતો જે જુલાઈ ૨૦૧૮ પછી સૌથી વધુ રહ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૯માં જથ્થાબંધ ફુગાવો ૧.૦૮ ટકાથી ઘટીને ૩૯ મહિનાની સૌથી નીચી સપાટી ૦.૩૩ ટકા પર પહોંચ્યો હતો. ડબલ્યુપીઆઈમાં ખાદ્યપદાર્થોને જેટલું મહત્ત્વ અપાય છે તેના કરતાં સીપીઆઈમાં વધુ અપાય છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં ખાદ્યપદાર્થોનું યોગદાન ૧૫ ટકા જ છે જ્યારે ક્ધઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં ૪૫ ટકા કરતાં વધુ છે. રિટેલ ફુગાવામાં તોતિંગ વધારાના કારણે ડિસેમ્બર મહિનામાં આર્થિક સમીક્ષા દરમિયાન રિઝર્વ બેન્ક માટે વ્યાજદરમાં વધુ ઘટાડો કરવો મુશ્કેલ બની રહેશે. ભારતીય રિઝર્વ બેન્ક ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રેપો રેટમાં ૧૩૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરી ચૂકી છે. હાલમાં રેપો રેટ ૫.૧૫ ટકા પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.