Abtak Media Google News

શહેરીજનોને ઘર બહાર નીકળવુ પણ મુશ્કેલ બન્યુ હોવાની સાથે લોકોમાં ભારે રોષ

રાજકોટના ધોરાજી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રખડતાં ભટકતાં ઢોર અને શ્વાનના આતંકના બનાવમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે.જેમને કારણે શહેરીજનોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ ભર્યું બન્યું છે.

વાત કરીએ ધોરાજી શહેરની તો શહેરની શેરીઓ,ગલ્લીઓ અને રાજમાર્ગો ઉપર ઠેરઠેર રખડતાં ભટકતાં ઢોર જોવા મળી રહ્યાં છે.જેમને કારણે રાજમાર્ગો ઉપર જોવા મળતું રખડતાં આખલોઓનું યુધ્ધ શહેરીજનો માટે માથાનો દુ:ખાવો બનવા પામ્યું છે.શેરી ગલ્લીઓમાં વારંવાર જોવા મળતી આખલાની લડાઈમાં શહેરીજનોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના બનાવો પણ બન્યા છે.તો બીજી તરફ શહેરમાં રખડતાં શ્વાનોએ પણ એટલી જ માજા મૂકી છે.

ધોરાજી સરકારી હોસ્પિટલના આંકડા મુજબ જોઈએ તો શહેરમાં શહેરીજનોને શ્વાન કરડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલના ડોકટરના જણાવ્યા મુજબ ધોરાજી સરકારી હોસ્પિટલમાં નોંધાયેલ કેસ મુજબ એક વર્ષ કરતાં ઓછા સમયમાં કુલ ૧૭૫ જેટલા લોકોને શ્વાન કરડ્યા હોવાની ઘટના બની છે.ત્યારે આવા લોકોને ૭૦૦ જેટલાં હકડવા વિરોધની રસીના ઈન્જેક્શનો આપવામાં આવ્યા છે. આ બધી ઘટનાઓ જોતાં ધોરાજી શહેરમાં રખડતાં ભટકતાં ઢોર અને શ્વાન પકડવાની કામગીરીમાં સ્થાનિક નગરપાલિકા વામણી પુરવાર થવા પામી છે.જેમને કારણે શહેરીજનોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હોવાની સાથે લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.