Abtak Media Google News

એક મચ્છર સાલા… યાર્ડને હેરાન કરે છે !

સત્તાધીશોના રાજકારણથી વેપારી, ખેડૂતો અને મજૂરોથી ભારોભાર હાલાકી: નાના યાર્ડ મજબૂત બની રહ્યા છે જયારે રાજકારણના પાપે રાજકોટ માર્કેટીંગ યાર્ડ પાછળ ધકેલાઇ રહ્યું છે

મચ્છરોના ત્રાસ મામલે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં શરૂ થયેલી બબાલ હવે જાણે યાર્ડના સત્તાધીશો અને ભાજપના એક ચોકકસ મહત્વકાંક્ષી જૂથ વચ્ચે પ્રતિષ્ઠાનોજંગ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. યાર્ડના નિમ્નકક્ષાના રાજકારણના પાપે અબજો રૂપીયાનો વેપાર ભરખાય રહ્યો છે.

સૌરાષ્ટ્રના નાના યાર્ડો સતત મજબુત બની રહ્યા છે તો રાજકોટ યાર્ડ સતત પાછળ ધકેલાય રહ્યું છે. પોતાનું નવજનપ વધારવાની નિમ્ન કક્ષાની રાજનીતિમાં રચ્યા પચ્યા રહેતા રાજકારણીઓનાં પાપે વેપારીઓ ખેડુતો મજૂરો હાલાકી ભોગવી રહ્યા છે છતા કહેવાતા ખેડુત નેતાઓનાં પેટનું પાણી પણ હલતુ નથી આજે યાર્ડમાં હડતાલનો નવમો દિવસ છે ત્યારે મચ્છરો મારવામાં પણ નિષ્ફળ યાર્ડના સત્તાધીશો વેપારીઓ સામે ડોળા કાઢી રહ્યા છે

Vlcsnap 2020 02 26 14H42M11S98

મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયેલા વેપારીઓએ વાસ્તવમાં યાર્ડમાં મચ્છરોનો ત્રાસ દૂર કરવા કોઈ કાર્યવાહી કરવાની માંગણી સાથે રજૂઆત કરી હતી. પરંતુ પોતાનું અંગત હિત સતોષવા માટે કેટલાક મહત્વાકાંક્ષી અને કહેવાતા નેતાઓએ આ માંગણીને આંદોલનનું સ્વરૂપ આપી દીધું ચકકાજામ થયું, વેપારીઓપર લાઠીઓ વિંજાય, પોલીસ પર પથ્થરમારો થયો.

અનેક સામે પોલીસ કેસ નોંધાયા આ સમગ્ર ઘટનાને અમૂક નેતાઓએ પોતાના માટે યાર્ડની ખુરશી નજીક પહોચવા માટેનું પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું હોય તેમ માની લીધું પરિણામ એ આવ્યું કે છેલ્લા નવ દિવસથી માર્કેટીંગ યાર્ડ બંધ છે. રાજકોટને એશિયાનું નંબર વન યાર્ડ બનાવવાના ખ્વાબ પર સતાધીશોએ પાણી ફેરવી દીધું. યાર્ડનો વિકાસ થવાની વાતતો બાજુમાં રહી હવે રાજકોટ યાર્ડ સતત નબળુ પડી રહ્યું છે.

Vlcsnap 2020 02 26 14H42M22S197

નવ દિવસની હડતાલ અને નિમ્નકક્ષાના રાજકારણે અબજો રૂપીયાના વેપારને ભરખી લીધો છે. ગોંડ, જસદણ, વિંછીયા સહિતના તાલુકા કક્ષાના યાર્ડ રાજકોટ યાર્ડથી વધુ મજબુત બની રહ્યા છે. અને સૌરાષ્ટ્રના પાટનગર સમૂ રાજકોટનું યાર્ડ સતત નબળુ પડી રહ્યું છે.

સતાધીશો પોતાની ખુરશી બચાવવા માટે રાજકારણ રમી રહ્યા છે. તેઓ વેપારીઓ, ખેડુતો કે મજૂરોની રતીભાર પણ ખેવના કરતા નથી પરિણામે વેપાર સતત તુટી રહ્યો છે.

Admin 1

ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. અને દિવાળી બાદ જયારે સિઝન શરૂ થાય ત્યારે વેપારી-મજૂરોએ મચ્છરોનો ત્રાસ સહન કરવો પડે છે.

હાલ સિઝન ચાલી રહી છે ત્યારે યાર્ડ છેલ્લા નવ દિવસથી બંધ હોવાના કારણે કરોડોનો વેપાર નવહીથ ગયો છે. વાસ્તવમાં યાર્ડની ખુરશી પર બેઠેલા સત્તાધીશોએ આ સમસ્યા નિરાકરણ માટે વિવેક બુધ્ધીથી નિર્ણય લેવો જોઈએ તેના બદલે તેઓ હવે વેપારીઓ સામે ડોળા કાઢી રહ્યા છે.

Vlcsnap 2020 02 26 14H42M45S182

યાર્ડના ૬૦૦થી વધુ વેપારીઓને એવી સ્પષ્ટ તાકીદ કરીદેવામાં આવી છે કે તેઓ જો ત્રણ દિવસમાં દુકાનો શરૂ કરવા માંગતા ન હોય તો લાયસન્સ જમા કરાવી દે આતો ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટે જેવો તાપ સર્જાયો છે. સત્તાધીશોને વેપારી-ખેડુતોની ચિંતા નથી તેઓને માત્રને માત્ર પોતાની લીટી લાંબી કરવામાંજ રસ છે.

ભારતીય કિશાન સંઘ દ્વારા પણ ઝડપથી યાર્ડ શરૂ થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે ખેડુતો વેપારીના પ્રશ્ર્નની યાદી પણ સતાધીશોને આપવામાં આવી છે.

જેમાં યાર્ડ મચ્છરોનાં ત્રાસથી નવ દિવસથી બંધ છે. જે ઝડપથી શરૂ થાય તે માટે પ્રયાસો કરવા જોઈએ આ વર્ષ ઘઉંનું વાવેતર વધુ પ્રમાણમાં થયું છે.

જો ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ નહી કરાય તો ખેડુતોનો માલ પાણીના ભાવે વેચાશે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન કલ્પસર યોજનાનો ઝડપથી અમલવારી કરાવવાની માંગણી કરી છે.

Vlcsnap 2020 02 26 14H44M54S183

હવે વેપારીઓ પણ યાર્ડના ગંધારા રાજકારણથી તોબા પોકારી ગયા છે. સિઝનમાં એક પણ દિવસ વેપાર બંધ રહે તે પાલવે તેમ નથી છતા માત્રને માત્ર રાજકારણીઓની વર્ચસ્વ જમાવવાની લડાઈના પાપે યાર્ડ છેલ્લા નવ દિવસથી બંધ છે.

એક સમયે મજબૂત ગણાતુ રાજકોટ માર્કેટીંગ યાર્ડ સત્તાધીશોના પાપે હવે નબળુ પડી રહ્યું છે.

યાર્ડના વેપારીઓ હવે સમાધાનના મૂડમાં : સૂત્ર

મામલામાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હાલ યાર્ડ ના વેપારીઓ સમાધાન ના મૂડમાં આવી ગયા છે. તેઓ હાલ વેપારીઓ અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરી શકે તેવા પ્રતિનિધિ ની ખોજમાં છે. સૂત્રો ના જણાવ્યા અનુસાર હાલ વેપારીઓ યાર્ડ ના સતાધીશો ને બાયપાસ કરી મુખ્યમંત્રી સાથે બેઠક યોજવાની તૈયારીઓ કરી રહ્યા છે જેના માટે તેઓ મધ્યસ્થી કરી શકે તેવા પ્રતિનિધિ ની શોધખોળ કરી રહ્યા છે અને વહેલી તકે મામલો થાળે પડે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં ક્યાંક સતાધીશો દ્વારા લેવાયેલા આકરા પગલાં પણ જવાબદાર છે. આવતીકાલ સુધીમાં ગાંધીનગર ખાતે વેપારીઓ મુખ્યમંત્રી સાથે બેઠક કરી સમાધાન નો રસ્તો અપનાવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ હરહંમેશ માટે સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડ તરીકે યથાવત રહેશે: ડી.કે.સખીયા

Vlcsnap 2020 02 26 14H43M15S209

આ તકે રાજકોટ યાર્ડ ના ચેરમેન ડી કે સખીયાએ અબતક સાથેની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે હાલ સુધી યાર્ડ ની હડતાળ નો સુખદ અંત આવે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ અમુક વેપારીઓ હડતાળ પાડી પોતાના રાજકીય રોટલા શેકવામાં મશરૂફ છે જેનો ભોગ અન્ય વેપારીઓ – ખેડૂતો અને મજૂરો બની રહ્યા છે. આ નીતિ ને હવે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહિ. હવે આકરા નિર્ણયો કરવા જ પડશે અને હવે અમે યાર્ડને બાન માં લેવા પ્રયત્નશીલ છીએ. જેના ભાગરૂપે હડતાળ નું સમર્થન કરતા દલાલ મંડળ ના પ્રમુખ અતુલ કમાણી, કિશોરભાઈ અને યાર્ડ ના ડિરેકટર વલ્લભભાઈ પાંચાણી ની પણ સંદિગ્ધ ભૂમિકા હોય ત્રણેય આગેવાનો ને નોટિસ ફટકારવામાં આવી છે.

ઉપરાંત વલ્લભભાઈ ને ડિરેકટર પદથી સસ્પેન્ડ કરવાનો પણ નિર્ણય કરાયો છે અને દલાલ મંડળ ની ઓફિસ પણ સીલ કરી દેવામાં આવી છે.

તેમણે વધુમાં આ પ્રકારની વારંવાર પડતી હડતાળો થી થતા નુકસાન મામલે જણાવતા કહ્યું હતું કે ૧૦૦% હડતાળ થી નુકસાન થાય જ છે પરંતુ હજુ પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્ર નું સૌથી મોટું યાર્ડ છે. આવક અને ટર્ન ઓવરની દ્રષ્ટિએ સૌથી મોટુ યાર્ડ રાજકોટ નું છે અને હરહંમેશ માટે રહેશે. યાર્ડ ને નુકસાન પહોંચાડવાનો જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તેમને કોઈ પણ સંજોગો માં છોડવામાં આવશે નહીં. તેમણે યાર્ડ ખાતે ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વિશે કહ્યું હતું કે આ સહકારી ક્ષેત્ર છે અહીં રાજકારણ ને કોઈ સ્થાન નથી અને જે લોકો રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડશે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે આવતીકાલ થી ડુંગળીની હરાજી જુના માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ લરી દેવામાં આવશે અને બેડી માર્કેટિંગ યાર્ડ ટૂંક સમયમાં ધમધમતું કરી દેવાશે.

અતુલ કમાણીનો કેસ પરત ખેંચવા મામલે યુ ટર્ન, હવે કેસ હળવો કરવા માંગ

Vlcsnap 2020 02 26 14H44M21S121

દલાલ મંડળ ની ઓફિસ સીલ કરાતા અતુલ કમાણી એ અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે દલાલ મંડળ ની ઓફિસ યાર્ડ ની પ્રિ માઇસીસ માં છે એટલે તેની સંપૂર્ણ માલિકી યાર્ડ ની છે તેઓ ગમે તે કરી શકે છે પરંતુ સીલ કરવાની બાબત ખૂબ દુ:ખદ છે. યાર્ડ માં સતાધીશો એ આ પગલું ન લેવું જોઈએ. હવે મામલામાં ફરીવાર વેપારી – એજન્ટો ની બેઠક બોલાવી આગામી રણનીતિ બનાવવામાં આવશે અને પગલાં લેવાશે.

તેમણે વધુમાં કેસ પરત લેવાના મામલે પોતાના જ નિવેદન થી પલટો મારતા કહ્યું હતું કે કાયદાકીય દ્રષ્ટિએ કેસ તો પરત ખેંચી ન શકાય પરંતુ જે વેપારીઓ પર કેસ થયા છે તેમાંથી અમુક તો કેસ લડી શકે તેના માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ નબળા છે એટલે કેસ હળવો કરી વેપારીઓ ને સમર્થન આપવામાં

આવે તેવી અમારી માંગણી છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે યાર્ડ ખાતે થતી હડતાળ થી નુકસાની તો સૌને થાય જ છે પરંતુ યોગ્ય પ્રશ્નો નું નિરાકરણ કરવું તે પણ જરૂરી છે અને નિરાકરણ ન થાય તો લડત ના મંડાણ પણ જરૂરી છે.

હરદેવસિંહએ મ્યાન માંથી કાઢી તલવાર હવે તો યુદ્ધ એ જ કલ્યાણ

Vlcsnap 2020 02 26 14H44M00S155

મામલામાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે આકરા નિર્ણયો લેવાનો સમય પાકી ગયો છે. ખેડૂત નું હિત જોવાનો સમય આવી ગયો છે અને તેને અંતર્ગત જ વહેલા માં વહેલી તકે યાર્ડ શરૂ કરી દેવામાં આવશે. યાર્ડ શરૂ કરવાના નિર્ણયમાં જે વિઘ્ન બનશે તેની હવે ખેર નથી. અમે અવાર નવાર બેઠક કરી શાંતિ આ એ સુખમય રીતે મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ અમુક લોકો ને શાંતિ પસંદ નથી જેના કારણે તેઓ હવનમાં હાડકા નાખી રહ્યા છે એટલે હવે યાર્ડ ના સતાધીશો આકરા પાણીએ આવ્યા છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે યાર્ડ ની સુરક્ષા થી માંડી વ્યવસ્થા સુધીની તમામ જવાબદારી સતાધીશો ની હોય છે અને તેના માટે જે કરવું પડે તે ચેરમેન ની આગેવાની માં કરાતું હોય છે અને હરદેવસિંહ ની જે છાપ સુરક્ષા કવચ તરીકે ઉપસી હતી તે ફરીવાર જોવા મળશે તે પણ સ્પષ્ટ છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જ્યારે બેડી માર્કેટિંગ યાર્ડ ની શરૂઆત કરવામાં આવી ત્યારે એશિયાનું સૌથી મોટું યાર્ડ બનાવવાની નેમ સતાધીશો દ્વારા લેવામાં આવી હતી અને તે લક્ષ્ય પરિપૂર્ણ થશે જ તેવી મને શ્રદ્ધા છે. સારા કાર્યમાં વિઘ્નો આવતા જ હોય છે પરંતુ વિઘ્નો સામે લડી લેતા પણ અમને આવડે જ છે એટલે હવે ટૂંક સમયમાં હડતાળ સમેટાઇ જશે તે નક્કી છે.

એશિયાનું સૌથી મોટું યાર્ડ બનાવવાની નેમ ફક્ત ચોપડે : કિશોર દોગા

Vlcsnap 2020 02 26 14H44M38S31

મામલામાં કિશોર દોગા ને પણ નોટિસ ફટકારવામાં આવી છે જે વિશે તેમણે અબતક સાથેની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે અગાઉ અમને સમાધાન માટે બોલાવાયા હતા, જે અંતર્ગત અમે પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ હવે પાછળ થી નોટીસ ફટકારવામાં આવી છે જે ખૂબ ઉશ્કેરણીસભર પગલું છે. યાર્ડ ના સત્તાધીશો નો એજન્ડા શુ છે તેનો ખ્યાલ પણ નથી આવતો. જો તેઓ એવું વિચારતા હોય કે અમને નોટિસ ફટકારવા થી યાર્ડ ની હડતાળ નો અંત આવશે અને વેપારીઓ ફરી ધંધો શરૂ થશે તો સત્તાધીશો યાર્ડ શરૂ કરાવી દે અમારે ધંધો નથી કરવો. પરંતુ આ હડતાળ નથી સ્વંયભુ બંધ છે જે કેસ પરત ખેંચાય નહીં ત્યાં સુધી યથાવત રહેશે. તેમણે વધુમાં યાર્ડ ને થતી નુકસાની વિશે જણાવતા કહ્યું હતું કે જ્યારે યાર્ડ ની શરૂઆત કરાઈ ત્યારે એશિયા નું નંબર ૧ યાર્ડ બનાવવાની નેમ લેવાઈ હતી પરંતુ તેવું કશું થયું નથી, યાર્ડ ખાતે ભ્રષ્ટાચાર આચરાયો હતો અને હાલ પણ ફક્ત વ્યક્તિગત હિત ને ધ્યાને રાખી નિર્ણયો લેવામાં આવે છે. જેના કારણે યાર્ડ ને ખૂબ મોટી ખોટ પડી રહી છે. રાજકોટ ની આસપાસ ના નાના – નાના યાર્ડ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે, ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેના કારણે તેઓ મજબૂત બની રહ્યા છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ નબળું પડી રહ્યું છે. આપણી આવકો હવે બીજે સ્થળાંતરિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.