Abtak Media Google News

છેલ્લા ૧૫ વર્ષમાં મોટા ખેડૂતોની સંખ્યામાં ૨૪ ટકાનો ધરખમ ઘટાડો

વિકાસની ડંફાસો વચ્ચે રાજયમાં ખેડૂતોની બેહાલી વધી રહી છે. દેવાના ડુંગર હેઠળ દબાયેલા ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ પણ ચિંતાજનક છે. આંકડા મુજબ વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૬ દરમિયાન ખેતીની વધુ જમીનો ધરાવતા મોટા ખેડૂતોની સંખ્યામાં ૨૪ ટકાનો ઘટાડો થયો છે. મધ્યમ ખેડૂતોનું પ્રમાણ પણ સરેરાશ ૧૦ ટકા ઘટી ગયું છે. બીજી તરફ બે હેકટરથી ઓછી જમીનો ધરાવતા હોય તેવા માર્જીનર અને નાના ખેડૂતોનું પ્રમાણ વધીને અનુક્રમે ૪૦ અને ૧૩ ટકા થયું છે.

Advertisement

આ આંકડા કેન્દ્રીય કૃષિ મંત્રાલયને વાર્ષિક રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર હાલ ગુજરાતમાં ૪૨.૮૮ લાખ ખેડૂતો છે. જેમાં ૧૧.૫૫ ટકા ખેડૂતો મોટા અને મધ્યમ કક્ષાના છે. બે હેકટરથી વધુ જમીનો આ ખેડૂતો પાસે છે.

વર્ષ ૨૦૦૧ની ગણતરી મુજબ તે સમયે મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યા ૧૬ ટકા હતી.મોટા ખેડૂતોની વ્યાખ્યામાં ૫ હેકટરની વધુની જમીન હોય તેવો આવે છે. જયારે મધ્યમ ખેડૂતોની વ્યાખ્યામાં ૨ થી ૫ હેકટરની વચ્ચે જમીન હોય તેવો આવે છે. જયારે ૨ હેકટરથી ઓછી જમીન હોય તેઓને માર્જીનર અથવા નાના ખેડૂતો ગણવામાં આવે છે. એક રીતે ખેડૂતોની સંખ્યા ૧૫ ટકા વધી છે. પરંતુ જમીનના મોટા ટૂકડાનું પ્રમાણ ઘટયું છે. જેના પાછળ સંયુકત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબની પ્રણાલી હોવાનું પણ અનુમાન છે.

ઘણા કિસ્સામાં ખેડૂત પરિવારમાં પુત્ર-પુત્રીના લગ્ન થયા બાદ ગામ છોડવાનું પ્રમાણ વધ્યું હોવાના કારણે પણ મોટી જમીનો ટૂકડાઓમાં ફેરવાઈ ગઈ છે. ખેતી કરવામાં યુવાનોનો ઓછો રસ પણ મોટી જમીનોના ટુકડાઓ થવા પાછળ જવાબદાર છે. આ ઉપરાંત ખેતીની જમીનોનો ઉદ્યોગીક હેતુ તેમજ ડેવલોપમેન્ટ પ્રોજેકટ ઉપરાંત ખેડૂત પરિવારોનું શહેર તરફ પ્રયાણ, જમીનોના વધતા ભાવ સહિતના કારણો પણ ખેતીની બેહાલી પાછળ જવાબદાર ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.