Abtak Media Google News

પરિસ્થિતિને વહેલાસર કાબુમાં લેવા સુપ્રીમની તાકિદ

દેશની રાજધાનીની વસ્તી ગેસ ચેમ્બરમાં નર્કાગાર સ્થિતિમાં રહેતી હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવી આ પરિસ્થિતિ અંગે જલ્દીથી ઘટતું કરવા તાકીદ કરવામાં આવી છે. દિલ્હીમાં ૪૫ ટકા વધુ કચરો ઉકરડાનાં રૂપમાં એમને એમ જ રોડ ઉપર પડયો રહે છે. દિલ્હી દેખીતી રીતે ગેસ ચેમ્બર બની ગયું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે જવાબદારોનો ઉઘડો લેતા જણાવ્યું હતું કે, દિલ્હીવાસીઓ લાંબો સમય આ પરિસ્થિતિમાં નહીં રહી શકે. દિલ્હીની હાલત નર્કથી પણ વધારે ખરાબ થઈ ગઈ છે. લોકો અલગ-અલગ પરિસ્થિતિ અને પ્રદુષણને કારણે મરી રહ્યા છે. દિલ્હીનાં પ્રદુષણમાં માનાંકની તમામ હદો હવે વટાવી ચુકયા છે.

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અને વાયુની ગુણવત્તાને મુદ્દે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને પૂછયું કે દિલ્હીના લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા મજબૂર શા માટે કરવામાં આવી રહ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, લોકો આવી તકલીફો વેઠવા મજબૂર શા માટે રહે? બહેતર એ રહેશે કે ૧૫ બેગમાં એકસાથે વિસ્ફોટ કરીને તેમને એક જ વારમાં મારી નાખો. દિલ્હીમાં હજી પણ એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં બધા વ્યસ્ત છે તે વાતે અમે સ્તબ્ધ છીએ. કોર્ટે કહ્યું કે, લોકો આપણી મજાક ઉડાવી રહ્યા છે કે આપણે પરાળી બાળવાનું પણ બંધ નથી કરી શકતા. એકબીજા પર દોષારોપણ કરવાથી દિલ્હીવાસીઓનું ભલું નહીં થાય. પ્રદૂષણને ગંભીરતાથી લેવાને બદલે એક બીજા પર આરોપ મઢી રહ્યા છો. જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે દિલ્હીની સ્થિતિ નરક કરતાં પણ બદતર છે. ભારતમાં જીવન આટલું સસ્તું નથી. તમારે તેની કિંમત ચૂકવવી પડશે. તમને ખુરશી પર બેસવાનો અધિકાર નથી.

7537D2F3 2

દિલ્હીના મુખ્ય સચિવને કોર્ટે પૂછયું કે, તમે દરેક વ્યક્તિને કેટલા લાખ આપશો? તમારી દૃષ્ટિમાં કોઇકના જીવનનું મૂલ્ય કેટલું છે?  સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ પાસેથી દિલ્હીમાં ચાલી રહેલા કારખાનાને કારણે પર્યાવરણ પર પડતા દુષ્પ્રભાવ મુદ્દે અહેવાલ પણ માંગ્યો છે. દિલ્હીના મુખ્ય સચિવે કોર્ટને કહ્યું કે સત્તાના બે કેન્દ્ર હોવાથી દિલ્હી ગવર્નન્સની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

ત્યારે જસ્ટિસે કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારોને તેમના મતભેદો બાજુ પર મૂકીને શહેરના વિવિધ વિસ્તારમાં હવા સાફ કરનારા ટાવર ઊભા કરવાની યોજના ૧૦ દિવસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવા ફરમાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે હરિયાણાના મુખ્ય સચિવને કહ્યું કે પરાળી બાળવા પર નિયંત્રણ મુદ્દે પહેલાં સારું કામ થયું,પરંતુ ફરી પરાળી બાળવાનું પ્રમાણ વધી ગયું છે. અમે રાજ્યની તમામ સંસ્થાને જવાબદાર ઠેરવીશું. તમે લોકોને આ રીતે મરવા માટે તેમના હાલ પર ના છોડી શકો. દિલ્હીમાં શ્વાસ રૃંધાઇ રહ્યો છે.

તમે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ ગયા દિલ્હી-એનસીઆરના લોકોને મરવા અને કેન્સર સામે ઝઝૂમવા તેમના હાલ પર ના છોડી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.