ડોકટરોની ‘પસંદગી’એે જ ડોકટરોની ‘અછત’ ઉભી કરી !!

ગુજરાતમાં ખાટલે મોટી ખોટ

સેવાના નામે મેવાની વૃત્તિ વધી, જે મેડીકલ ફિલ્ડમાં વધુ ગ્રાહકી તે તરફનું આકર્ષણ એક સમયે ભારે અસંતુલન સર્જે તેવી ભીતિ

સેવાના નામેં મેવામાં ટોપ ઉપર શિક્ષણ ક્ષેત્ર આવે છે. પણ હવે તો ડોકટરને પણ એવું કહી શકાય કે યુ ટુ… કારણ કે હવે તબીબી વ્યવસાયમાં પણ ગ્રાહકી અને પૈસા તરફનું આકર્ષણ વધ્યું છે. જે મેડિકલ ફિલ્ડમાં વધુ ખનખનિયા મળે છે તે ફિલ્ડ તરફ આકર્ષણ વધુ છે. જેથી જ રાજ્યમાં નિષ્ણાંત તબીબોની ૫૪ ટકા ઘટ વર્તાય રહી છે. આવનારા સમયમાં આ ઘટ ભારે અસંતુલન સર્જે તેવી ભીતિ સેવાઇ રહી છે.

સત્તાવાર રીતે જાહેર થયું છે કે ગુજરાતમાં એરયાલીસ્ટ ડોકટરો જરૂરીયાત કરતા અર્ધી સંખ્યામાં પણ નથી ૫૪ ટકા ઓછા છે. નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર તથા નેશનલ હેલ્થ મિશનના આંકડાઓના આધારે સુમન રિસોર્સ ફોર હેલ્થ દ્વારા જારી કરાયેલા રીપોર્ટમાં એવા ખુલાસો થયો છે કે ગુજરાતમાં ગત માર્ચથી નિષ્ણાત તબીબોની ૫૪ ટકા જગ્યા ખાલી છે. કોરોનાના પગપેસારા વખતે જ તેની અસર દેખાવા લાગી હતી કારણ કે સરકારે મેડીકલ વિદ્યાર્થીઓને કોરોના સારવારની જવાબદારી સોંપવી પડી હતી.રીપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે ગુજરાતમાં સરકારે જરૂરીયાત કરતાં ઘણી ઓછી તબીબી પોસ્ટ મંજુર કરેલી છે એટલું જ નહીં સરકારે તેમાં ભરતી પણ કરી નથી. ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ના વર્ષોના તમામ હોસ્પીટલો-આરોગ્ય કેન્દ્રોના ડેટાના આધારે આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.આરોગ્ય માર્ગદર્શિકા હેઠળ જુદી-જુદી છ શ્રેણી છે તેમાં સ્ટાફ નર્સ, લેબ ટેકનીશીયન, મેડીકલ ઓફિસર્સ, સ્પેશ્યાલીસ્ટ તથા ડેન્ટીસ્ટનો સમાવેશ થાય છે. આઘાતજનક બાબત એ છે કે ૬માંથી ત્રણ કેટેગરીમાં જરૂરીયાત મુજબનું મહેકમ પણ સરકારે મંજુર કર્યું નથી.નર્સની કુલ જરૂરીયાત સામે માત્ર ૭૨ ટકાની પોસ્ટ મંજુર થયેલી છે. નર્સ મીડવાઇફમાં આ ટકાવારી માત્ર ૫૩ ટકા છે. નિષ્ણાંત તબીબોની જરૂરીયાત સામે માત્ર ૨૮ ટકા જ પોસ્ટ મંજુર કરાયેલી છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર ગુજરાતમાં નિષ્ણાંત તબીબોની ૫૪ ટકા ખાલી છે. કુલ જરૂરીયાતના માત્ર ૨૮ ટકા પોસ્ટ જ મંજુર થયેલી છે અને તેમાં ૫૪ ટકા ખાલી છે તેના પર જ ગુજરાતમાં આરોગ્ય પરિસ્થિતિનો ચિતાર આવી જાય છે. રાજ્ય સરકાર કાયમી તબીબોની વર્ષોથી ભરતી કરતી ન હોવાથી આ હાલત છે. ડેન્ટીસ્ટોની ખાલી જગ્યાનું પ્રમાણ પણ ૨૭ ટકા છે. નિષ્ણાંત તબીબોની અછત દુર કરવા માટે ૧૧ માસની કરાર આધારિત ભરતીની પણ જોગવાઇ કરવામાં આવી છે.

આમ આંકડાઓ જોઈએ તો રાજ્યમાં MBBS/મેડિકલ ઓફિસરમાં ૨૮ ટકા, અગખમાં ૨૭ ટકા, ડેન્ટિસ્ટમાં ૨૭ ટકા અને લેબ ટેક્નિશિયનમાં ૨૪ ટકા અછત છે. આ અછત સામે જો કોઈ એક્શન પ્લાન કે આયોજન નહિ કરવામાં આવે તો આવનાર ભવિષ્યમાં ભારે અસંતુલ જોવા મળશે.

તબીબોમાં વિદેશ જવાની પણ હોડ!

તબીબોમાં વિદેશ જવાની પણ ભારે હોડ છે. અહીંથી શિક્ષણ મેળવી અહીં જ સેવા કરવાનું પસંદ કરવાને બદલે તબીબો સારી લાઈફ સ્ટાઇલ અને ખનખનિયાના મોહમાં વિદેશ જવાના અભરખામાં આવી જાય છે. તબીબો વિદેશ જતા હોવાથી પણ અત્યારે તબીબોની ઘટ સર્જાય હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સરકારી તબીબો ઉપર કામનું ભારણ : રોજ ૫૪ દર્દીઓ તપાસવા પડે છે

તાજેતરમાં NHSRC દ્વારા પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ ’હ્યુમન રિસોર્સ ફોર હેલ્થ ઇન ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ સિસ્ટમ ઓફ ઇન્ડિયા સ્ટેટવાઇઝ રિપોર્ટ ૨૦૨૦’ મુજબ સામે આવેલા આંકડા કહે છે કે દેશમાં દર્દી અને ડોક્ટરની સંખ્યાની દ્રષ્ટીએ ગુજરાત સાતમું રાજ્ય છે જ્યાં સૌથી ઓછા ડોક્ટર સામે વધુ દર્દીઓ છે. જ્યારે સૌથી વધુ દૈનિક સરેરાશ કેરળમાં છે જ્યાં સરકારી હોસ્પિટલોમાં પ્રતિ ડોક્ટર દરરોજ ૮૯ દર્દીઓ ઓપીડીમાં આવે છે. આ રિપોર્ટ ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. અહેવાલમાં તબીબી ક્ષેત્રમાં ઉચ્ચ ખાલી જગ્યા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં નિષ્ણાતો માટે ૫૪ ટકા ખાલી જગ્યા (નિયમિત અને કરારી બંને પદોમાં), નર્સો માટે ૯ ટકા અને એએમ (સહાયક નર્સ મિડવાઇફ)માં ૨૭ ટકા નો સમાવેશ થાય છે. બીજી તરફ, મંજૂર થયેલી જગ્યાઓ સામે ગુજરાતમાં ડેન્ટિસ્ટ્રીમાં ૩ ટકા, લેબમાં ૧૩ ટકા અને એમબીબીએસ/ મેડિકલ ઓફિસર સ્તરે ૧૫ ટકા વધારાના કર્મચારીઓ હતા. નિષ્ણાતોમાં ૨૨ ટકા નિયમિત પણે ભરતી કરવામાં આવતા હતા અને ૬ ટકા કોન્ટ્રાક્ટ પર હતા, જ્યારે પ્રયોગશાળાઓમાં ૩૩ ટકા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર હતા. નર્સોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોમાં ૧૨ ટકા હતા.આશ્ચર્યની વાત એ છે કે એમબીબીએસ/એમઓની અછત શહેરી સ્તરે વધારે હતી. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ૬૪૧ મંજૂર પદો સામે શહેરી જાહેર અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (યુપીએચસી અને યુએચસી)માં માત્ર ૧૮૮ કે ૨૯ ટકા જ ભરાયા હતા.અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જિલ્લા આરોગ્ય સેવા પ્રણાલીમાં દર ૧૦,૦૦૦ની વસ્તી દીઠ પાંચ જાહેર આરોગ્ય સંભાળ પ્રદાતાઓ (તબીબી અધિકારીઓ, નિષ્ણાતો, સ્ટાફ નર્સો અને એએનએમ)ના મંજૂર ગુણોત્તર સામે ગુજરાતમાં ચાર છે.

મેરીટ વધારે હોય, કયાં ફિલ્ડમાં જવું જે-તે વ્યકિતનો પોતાનો નિર્ણય રહે છે: ડો.દેવેન્દ્ર પટેલ

આઈએમએના ગુજરાત પ્રમુખ ડો. દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે મેડિકલ ક્ષેત્રમાં મેરીટ વધારે આવ્યું હોય ત્યારે જે તે વ્યક્તિનો પોતાનો નિર્ણય રહે છે કે તેને કયા ફિલ્ડમાં જવું. વધુમાં તેઓએ ઉમેર્યું કે પહેલા કરતા મેડિકલની સીટોની સંખ્યા પણ વધી છે.જેથી ઘણી સીટો ખાલી રહે છે. ’અબતકે’ ભવિષ્યમાં સર્જાનારા અસંતુલન વિશે તેઓને કહ્યું જેના પ્રત્યુત્તરમાં તેઓએ કહ્યું કે જે વિદ્યાર્થીને જે ફિલ્ડમાં રસ હોય તે સ્વાભાવિક તેમાં જ જવાના છે. તેની ઉપર આપણે કઈ કરી શકીએ નહિ.

પહેલા કરતા મેડિકલના વિવિધ ફિલ્ડમાં સીટોની સંખ્યા પણ વધી: ડો.જય ધીરવાણી

આઈએમએના રાજકોટ પ્રમુખ ડો.જય ધીરવાણીએ જણાવ્યું કે, પહેલા કરતા મેડિકલનાં વિવિધ ફિલ્ડમાં સીટોની સંખ્યા વધી છે જેના કારણે અમુક ફિલ્ડમાં નિષ્ણાંત તબીબોની ઘટ જોવા મળી રહી છે. તેઓએ જણાવ્યું કે, બે દાયકા પૂર્વે એન્જિનિયરીંગની કોલેજો વધારે હતી અને તેનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો ત્યારે તબીબોની ખુબ ઘટ હતી પરંતુ હવે સ્થિતિ ઘણી સુધરી છે. મેડિકલ ક્ષેત્ર તરફ વિદ્યાર્થીઓનો ઝુકાવ વઘ્યો છે.

વધુમાં તેઓએ કહ્યું કે, સીટીમાં તબીબોનો રેશિયો ખુબ જ સારો છે જયારે રૂરલ એરિયામાં રેશિયો ઓછો છે જેનું એક કારણ એ પણ છે કે રૂરલ એરિયામાં પુરતુ ઈન્ફ્રાસ્ટ્રકચર ન હોવાથી તબીબો ત્યાં જવાનું પસંદ કરતા નથી.