Abtak Media Google News

સ્મોલ અને મિડકેપમાં મહદઅંશે લેવાલી: નિફટી-ફીફટી પણ ૧૧૨ પોઈન્ટ ઉછળી

મહામારીના કારણે વૈશ્વિક અને સ્થાનિક ઉદ્યોગોને નકારાત્મક અસર થઈ હોવાના કારણે ભારતીય શેરબજારમાં લાંબા સમયથી મંદીનો માહોલ છે. દરમિયાન કેટલાક ટ્રેડીંગ દિવસોમાં સેન્સેકસ ૨૦૦૦ પોઈન્ટ સુધી ઉછળ્યો હોવાનું સામે આવ્યું છે. સેન્સેકસમાં વારંવાર આવતા ચઢાવ-ઉતારના કારણે રોકાણકારો મુંઝાયા છે. ટેકનીકલ પરિપેક્ષમાં રોકાણકારોના ધ્યેય સીદ્ધ થતાં નથી. હાલ માર્કેટમાં વધુ પ્રમાણની વોલેટાલીટીના કારણે રોકાણકારોને દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. દરમિયાન આજે ફરીથી સેન્સેકસે પડખુ ફેરવ્યું હોય તેમ ૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. વિગતો મુજબ સેન્સેકસમાં આજે મીડકેપ અને સ્મોલકેપમાં લેવાલી જોવા મળી હતી. તેજીના તિખારાના પગલે ટાટા મોટર્સ, હિરો મોટો કોપ, મારૂતિ સુઝુકી, ઝી જેવા શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા. અલબત ૫૦૦ પોઈન્ટનો ઉછાળો હોવા છતાં ટેકનીકલ દ્રષ્ટિએ નબળા રહેલા બીપીસીએલ, આઈસીઆઈસીઆઈ, ડોકટર રેડી અને એચ્યુઅલ જેવી કંપનીઓના શેરમાં ૦.૯૧ થી ૨.૫૭ ટકાના ગાબડા જોવા મળ્યા હતા. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૫૦ પોઈન્ટ ઉછળીને ૩૧૯૯૩ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. નિફટી-ફીફટીમાં પણ ૧૦૬ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. નિફટી-ફીફટી ૯૩૫૯ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. અલબત આજે બજાર ગ્રીન ઝોનમાં હોવા છતાં બેંક નિફટીમાં વેચવાલી હોય તેવું જણાય છે.

હાલ મીડકેપના આઈઆરસીટીસી (૫ ટકા), ઈડલવાઈસ (૪.૯૭ ટકા), ફ્યુચર રિટેલ (૪.૯૭ ટકા), ટીવીએસ મોટર્સ (૪.૯૩ ટકા), વોડાફોન-આઈડીયા (.૪૭૬ ટકા), આઈજીએલ (૪.૬૨ ટકા) સહિતના શેરમાં તેજીનો તિખારો જોવા મળ્યો છે. મીડકેપમાં ઓટોમેટીવ, ફાર્માસ્યુટીકલ અને મેન્યુફેકચર સેકટર તેજીમાં છે. બીજી તરફ સેન્સેકસમાં ટોચના હિરો મોટોકોપ, મારૂતિ સુઝુકી, બજાજ ઓટોમાં તેજી જોવા મળતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે. અહીં નોંધનીય છે કે, ભારતીય શેરબજારમાં લાંબા સમયથી મોટા પ્રમાણમાં વોલેટાલીટી જોવા મળતા રોકાણકારો મુંઝાયા હતા. એક સાથે મસમોટા ગાબડાનો અનુભવ છેલ્લા ૩ મહિનામાં રોકાણકારોએ કર્યો છે ત્યારે હવે કોઈ કંપનીમાં રોકાણ કરતા પહેલા રોકાણકારો છાશ પણ ફૂંકી ફૂંકી પીતા હોય તેવો ઘાટ ઘડાયો છે. હાલ અનેક શેર ટેકનીકલ દ્રષ્ટિએ મજબૂત છે પરંતુ વૈશ્ર્વિકસ્તરે મહામારીએ આપેલા મરણતોલ ફટકાના કારણે આ શેરમાં વેચવાલી વધુ જોવા મળે છે, લેવાલી જોવા મળતી નથી. અલબત આગામી સમયમાં ફરીથી શેરબજાર સ્ટેબલ થઈ ૫૦ હજારના આંક નજીક પહોંચી તેવી અપેક્ષા સેવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.