Abtak Media Google News

અતિક અહેમદનું 44 વર્ષનું સામ્રાજ્ય 58 કલાકમાં ધ્વસ્ત

છેલ્લા 58 કલાકની અંદર અતીક, તેનો દીકરો અહેમદ અને ભાઈ અશરફ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. અસદ અને શૂટર મોહમ્મદ ગુલામને ગુરુવારે બપોરે 12 વાગ્યે પોલીસે ઝાંસીમાં એન્કાઉન્ટરમાં ઠાર મારી દીધો હતો. અતીકની પત્ની શાઈસ્તા ફરાર છે. જ્યારે સાળાના 2 દીકરા જેલમાં છે અને 2 સગીરવયના પુત્રો કિશોર ગૃહમાં છે.

માફિયા અતીક અહેમદ અને તેના પરિવાર તથા ગેંગ દ્વારા એકપછી એક આસપાસના જિલ્લામાં આતંક શરૂ કર્યો હતો. ઉમેશ પાલ હત્યાકાંડ સહિત જોવા જઈએ તો માત્ર અતીક અહેમદ વિરૂદ્ધ જ 43 વર્ષ દરમિયાન 100થી વધુ કેસ દાખલ થયા હતા. જેમાં અતીક વિરૂદ્ધ હત્યાના 14, ગેંગસ્ટરના 12, ગુંડા એક્ટના 4, આર્મ્સ એક્ટના 8 કેસ હતા.

અતીકનું નેટવર્ક સ્ટ્રોંગ હતુ, સાક્ષીઓનું તૂટવું અને રાજકીય સમર્થનના અભાવે લગભગ મોટાભાગના કેસોમાં તે નિર્દોષ છૂટી જતો હતો. તાજેતરમાં અતીક સામે કોર્ટમાં 50 ફોજદારી કેસ પેન્ડિંગ છે. જેમાંથી 6 હત્યા સાથે સંબંધિત છે.

માફિયામાંથી કેવી રીતે રાજકારણી બન્યો હતો અતિક?

અતીકે 1989, 91, 93માં નિર્દળીય અને 1996માં સપાની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. વર્ષ 2004માં સપાની ટિકિટ પર તે ફૂલપુરથી લોકસભા ચૂંટણી જીતી સંસદ સુધી પહોંચ્યો હતો. અતીકના ભાઈ અશરફ પર પણ 53 કેસ હતા. તે 2005માં ઈલાહાબાદ પશ્ચિમી બેઠક પર પેટાચૂંટણીમાં જીતી વિધાનસભા પહોંચ્યો હતો.

અતિકના અંતની ઉંધી ગણતરી કેવી રીતે શરૂ થઇ?

  • 24 ફેબ્રુઆરીઃ ઉમેશ પાલ અને 2 સુરક્ષાકર્મીઓની ધૂમનગંજમાં હત્યા. સીસીટીવી ફુટેજથી અતીકના પુત્ર અસદ, ગુડ્ડૂ મુસ્લિમ, ગુલામ, સાબિર, અરબાઝ, અરમાન અને વિજય ઉર્ફ ઉસ્માન ચૌધરીની ઓળખ કરાઈ.
  • 27 ફેબ્રુઆરીઃ અરબાઝ ઘર્ષણમાં મૃત્યુ પામ્યો, વકીલ સદાકતની ધરપકડ
  • 5 માર્ચઃ અરમાન, અસદ, ગુલામ, ગુડ્ડૂ મુસ્લિમ અને સાબિર પર અઢી-અઢી લાખનું ઈનામ, ત્યારપછી આને વધારી 5 લાખ કરી દેવાયું હતું.
  • 6 માર્ચઃ શૂટર ઉસ્માન ચૌધરી ઘર્ષણમાં ઢેર
  • 12 માર્ચઃ અતીકની પત્ની શાઈસ્તાની ભૂમિકા હોવાની અટકળો, 25 હજારનું ઈનામ જાહેર
  • 28 માર્ચઃ અતીક અને તેના વકીલને ઉમેશ પાલ અપહરણ કાંડમાં આજીવન કેદની સજા થઈ
  • 2 એપ્રિલઃ અતીકના સાળા અખલાકની ષડયંત્રમાં ધરપકડ
  • 8 એપ્રિલઃ શાઈસ્તા પર 50 હજારનું ઈનામ, અતીકની બહેન આઈશા નૂરી પણ આરોપી બની
  • 13 એપ્રિલઃ ઝાંસીમાં અતીકના દિકરા અસદ અને શૂટર ગુલામ પોલીસ ઘર્ષણમાં ઢેર
  • 15 એપ્રિલઃ સવારમાં અસદ અને ગુલામની દફનવિધિ થઈ અને રાત્રે અતીક અને અશરફની હત્યા થઈ.

અતિકની હત્યા કરનાર લવલેશની કુંડળી : 2019માં સોશિયલ મીડિયા પોસ્ટ મારફત આપ્યો હતો સંકેત

માફિયા ડોન અતીક અહેમદ  અને પોલીસ કસ્ટડીમાં અશરફની હત્યા કરનારાઓ વિશે ધીમે ધીમે માહિતી મળી રહી છે. શનિવારે સાંજે પ્રયાગરાજની એક હોસ્પિટલની બહાર ત્રણ હથિયારધારી યુવકોએ ગોળીબાર કરીને બંનેની હત્યા કરી નાખી હતી. ત્રણેયની ઓળખ લવલેશ (બાંદા), સની (હમીરપુર) અને અરુણ (કાસગંજ) તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે, મીડિયાકર્મી બનીને આવેલા હત્યારાઓ પોલીસ અને મીડિયાની હાજરીમાં જ અતિક અને તેના ભાઈને ગોળી મારી હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે.

ઘટનાને લઈને ઉત્તરપ્રદેશ જ નહીં, પરંતુ આખા દેશમાં ચકચાર મચી ગઈ છે. શૂટર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે. તેના પરિવારનું કહેવું છે કે તે લગભગ એક અઠવાડિયા પહેલા ઘરે આવ્યો હતો. લવલેશના પિતા યજ્ઞ તિવારી મીડિયા સાથે વાત કરતા પોતાના પુત્રથી ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમનો પુત્ર વ્યસની હતો અને તેમને પુત્ર સાથે કોઈપણ રીતે કોઈ સંબંધ નથી. પરંતુ લવલેશના માતા આશા તિવારી રડી રહ્યા હતા. તેમને વિશ્વાસ ન હતો કે ધાર્મિક સ્વભાવ ધરાવતો લવલેશ આવું કામ કરી શકે.

અતિ ઉલ્લેખનીય બાબત છે કે, ફેસબુકમાં એક ફીચર છે જે તમે ભવિષ્યમાં શું બનશો? તમારો સ્વભાવ કેવો હશે? સહીતની બાબતોનું પ્રિડિક્શન દર્શાવે છે જેમાં વર્ષ 2019માં લવલેશે પ્રિડિક્શન કરતાં એવુ સામે આવ્યું હતું કે, ‘માફિયા બોસ’ બનશે. જે પોસ્ટ લવલેશે શેર પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.