Abtak Media Google News

માર્કેટીંગ યાર્ડમાં શ્રમિકોને ૧૫૦૦થી વધુ માસ્કનું વિતરણ કરતા સેલસ હોસ્પિટલના ડો.ભીમાણી: ટ્રાફિક પીઆઈ એસ.એન.ગડુનો સહકાર મળ્યો

માતાએ કહ્યું ગિફટ જ આપવી હોય તો ગરીબોની સેવા કર

કપરા સમયમાં ઠેર-ઠેરથી સેવાકાર્યો થઈ રહ્યાં છે. ત્યારે મધર્સ-ડેની ગિફટ સ્વરૂપે માતાએ ગરીબોની સહાય કરવાનું કહેતા તબીબ પુત્રએ ૧૫૦૦ માસ્ક બનાવી જરૂરીયાતમંદોને વિતરણ કરવાનો સેવાયજ્ઞ પૂર્ણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સેલસ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો.સચિન ભીમાણી અને તેમના સહયોગી હરેન્દ્રસિંહ જાડેજા (નર્સિગ સ્ટાફ) તેમજ હરેશ મકવાણા બીલીંગ-હેડ દ્વારા આજરોજ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેતમજૂરોને ૧૫૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોટનના ૧૫૦૦ માસ્ક ડો.સચિન ભીમાણીના માતૃશ્રી રમાબેન ભીમાણીએ તૈયાર કર્યા હતા. છ દિવસના સમયગાળામાં ૧૫૦૦ જેટલા માસ્ક રમાબેને તૈયાર કર્યા હતા અને આજરોજ તેનું વિતરણ કર્યું હતું. રાત્રીના સમયે કાપડનું કટીંગ અને દિવસે સીલાય કરી ૧૫૦૦ માસ્ક તૈયાર કર્યા હતા. માતાએ ગિફટના સ્થાને ગરીબોની સેવાનો સંકલ્પ માંગતા તબીબ પુત્રએ હોંશે હોંશે આ માસ્કનું વિતરણ કરવાનો નિર્ધાર કર્યો હતો. આજરોજ ટ્રાફિક પીઆઈ એસ.એન.ગડુના હસ્તે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સંકલ્પ સાંભળીને ટ્રાફિક પીઆઈ પણ ખુશ થઈ ગયા હતા.

Vlcsnap 2020 05 16 13H52M50S123

નોંધનીય છે કે, ડો.સચિન ભીમાણી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આસી. પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યાં છે. આજરોજ ગરીબોને આપવામાં આવેલા માસ્ક રી-યુઝેબલ છે. અત્યાર સુધી ગરીબો મોઢે રૂમાલ બાંધી કામ ચલાવતા હતા. ત્યારે હવે રી-યુઝેબલ માસ્કના કારણે તેમને અનુકુળતા રહેશે તેવી અપેક્ષા આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન ડો.સચિન ભીમાણીએ વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.