Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં એકપણ ફોલ્ટ લાઇન સક્રિય નહીં: વધુ વરસાદને કારણે પાતાળમાં પાણીનું સ્તર વધતા પ્રેસરને કારણે આંચકા અનુભવાઇ રહ્યા છે

એકબાજુ રાજ્યભરમાં મેઘરાજા તોફાની ઇનિંગ રમી રહ્યા છે ત્યારે બીજી બાજુ વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કરછ સહિત રાજ્યમાં ભૂકંપના પણ આંચકા અવારનવાર આવી રહ્યા છે. જો કે છેલ્લા અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં અનુભવાતા ભૂકંપના આંચકા લોકોએ ડરવાની જરૂર નથી કેમ કે સૌરાષ્ટ્રમાં એકપણ ફોલ્ટ લાઇન સક્રિય નથી. વધુ વરસાદને કારણે પાતાળમાં પાણીનું સ્તર વધતા પ્રેસરને કારણે આંચકા અનુભવાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં અનેક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે ત્યારે ગઈકાલે સવારે ભચાઉ-કરછથી ૧૪ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો ભૂકંપ ત્યારબાદ ૯:૨૧ કલાકે પણ કરછમાં બીજો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા ૨થી વધુ ની હતી. આ ઉપરાંત ૧૫ ઔગસ્ટના રોજ એટલે કે સ્વતંત્રતાના દિવસે સૌરાષ્ટ્ર-કરછમાં અલગ અલગ ૫ જગ્યાએ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ આંચકા લાલપુર, ઉપલેટા અને કરછના દૂધઇ અને ખાવડામાં અનુભવ થયો હતો.

ગઈકાલે રાતે ૧૦:૨૮ કલાકે જામનગરના લાલપુરમાં પણ આંચકા નોંધાયો હતો જેની તીવ્રતા ૩.૧ની હતી. જે લાલપુરથી ૨૧ કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આજે વહેલી સવારે કરછમાં ફરી પાછો ભૂકંપનો આંચકો આવ્યો હતો.

જોકે વારંવાર આવતા ભૂકંપનાં આંચકાનું રહસ્ય કંઈક અલગ જ સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર પંથકમાં તાલાલા અને જામનગર સહિતના ગામમાં ભારે વરસાદ પડ્યો છે જેને લીધે પાતાળમાં પાણીનું સ્તર વધ્યું છે જેના પ્રેસરને કારણે નાના નાના આંચકા આવતા હોય છે. આ પ્રેસર સક્રિય થતાં દબાણ ઉતપન્ન થાય છે જેને લઈ નાના આંચકા અનુભવાઈ છે. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં એક પણ નવી ફોલ્ટ લાઇન ઉભી થઇ નથી અને છેલ્લા અઠવાડિયાથી આવતા આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી. વધુ વરસાદને કારણે આવા ભૂકંપ નોંધાય છે. વર્ષ ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૧૮ અને ૨૦૧૯માં પણ ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ઘણા ખરા શહેરમાં આવી સ્થિતિ નિર્માણ પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.