Abtak Media Google News

પાસાના કેદીને  કોર્ટ મુદતે મિત્રને  મળવા માટે રૂ.6 હજાર સ્વીકારતા ઝડપાયા’તા

સુરત જેલમાંથી રાજકોટ અદાલતમાં મુદતે આવેલા કાચા કામના કેદીને મળવા દેવા માટે મિત્ર પાસેથી રૂપિયા 6000ની લાંચ લેવાના કેસમાં સ્પેશિયલ અદાલતે જાપ્તા તરીકે ફરજ બજાવતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલને તકસીરવાર ઠરાવી ત્રણ ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો છે. રાજકોટના આરોપી મહેન્દ્રસિંહ ઝાલાને મુદત તારીખે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરતા આરોપીના મિત્ર શ્રી અમિતભાઈ દવેએ મહેન્દ્રસિંહ ઝાલાને મળવા માટે જણાવેલ જે મિટીંગ કરાવી આપવા બદલ ત્રણેય કોન્સ્ટેબલોએ કરીવાદી પાસેથી રૂા. 10,000/- ની લાંચની માંગણી કરેલ જેમાંથી નિકક થયેલ લાંચની રકમ રૂા. 6,000 સ્વિકારતા પકડાઈ ગયેલ કોન્સ્ટેબલ બાબુભાઈ વસાવા અને તેના બન્ને સાથીદારોને લાંચ સ્વિકાર્યા બદલે રાજકોટની ખાસ અદાલતના જજ શ્રી બી. બી. જાદવ સાહેબે લાંચ લેવા બદલ તકસીરવાન ઠરાવી ત્રણે વર્ષની કેદની સજા અને દંડ ફરમાવેલ છે.

આ કેસની હકકીત મુજબ રાજકોટમાં પ્રોહિબિશનના ગુન્હામા પાસા હેઠળ સુરત જેલમાં રહેલા મહેન્દ્રસિંંહ ઝાલાને  રાજકોટ કોર્ટમાં મુદતે હાજર રાખવા માટે    જાપ્તામાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ મળવા માટે જણાવતા  કોર્ટ કમ્પાઉન્ડમાં   અમિત દવે પાસેથી  રૂા. 6000/- ની માંગણી કરતા જે ફરીયાદીએ કોન્સ્ટેબલ બાબુભાઈ વસાવાને આપતા ટ્રેપિંગ ઓફિસરે પંચોની હાજરીમાં ત્રણેય આરોપી કોન્સ્ટેબલ બાબુભાઈ વસાવા, કિશન દિવાનજી ગામિત અને અન્ય કાંતિભાઈ ચૌધરીને ઝડપી લીધા હતા.

આ અંગે ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ ચાર્જશીટ મૂકાતા રાજકોટ સ્પેશિયલ એસીબી અદાલતમાં ત્રણેય આરોપી કોન્સ્ટેબલો સામેનો કેસ ચાલતા તેઓના બચાવમાં તેવી તકરાર લેવામાં આવેલ હતી કે ફરિયાદીએ આરોપી કોન્સ્ટેબલ બાબુભાઈ વસાવાને મળી સીધા જ તેના હાથમાં રૂા. 6,000 પકડાવી દીધા હતા.

જ્યારે સરકાર તરફે જિલ્લા સરકાર વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે  આરોપીઓ દ્વારા હાલમાં લીધેલો બચાવ અગાઉ કોઈપણ અધિકારી સમક્ષ લેવાયો ન હતો, ફરિયાદ મુજબ રૂા. 3,000/- બાબુભાઇ વસાવાએ પોતાના માટે અને પંદરસો પંદરસો સાથી કોન્સ્ટેબલો કિશન દિવાનજી ગામીત અને અને કાંતિભાઈ ચૌધરી માટે માંગેલ હતા, જે અંગેની લાંચની ટ્રેપમાં નિષ્પક્ષ સાહેદ તરીકે પંચ વિનોદકુમાર પ્રતાપભાઈ મકવાણા હાજર હતા અને તેઓની હાજરીમાં કોન્સ્ટેબલ બાબુભાઈ વસાવાએ અગાઉની લાંચની માંગણીનો પુનરોચ્ચાર કરેલ હતો અને ત્યારબાદ ફરીયાદીએ  લાંચની રકમ આપેલ હતી. સરકાર તરફેની આ મુજબની દલીલો માન્ય રાખી ખાસ અદાલતના એડિશનલ સેશન્સ જ્જ બી.બી. જાદવે ત્રણેય કોન્સ્ટેબલને લાંચની રકમ માંગવા અને મેળવવા સબબ તકસીરવાર ઠરાવી ત્રણ -ત્રણ વર્ષની કેદની સજા અને દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.