Abtak Media Google News
  • રાજકોટ ક્રાઇમબ્રાંચ અને માળીયા પોલીસે સંયુક્ત રીતે તપાસ કરતા કારસ્તાન ઝડપાયું : 5 કાર જપ્ત કરાઈ

કાર ભાડેથી મેળવી પરત નહીં આપી છેતરપિંડી આચરનારી ઠગ બેલડી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના હાથવેંતમાં આવતા બેલડીએ એક કે બે નહીં પણ 20 જેટલી કાર ભાડેથી મેળવી પચાવી પાડ્યાનું સામે આવ્યું છે.

Advertisement

આ ઠગ બેલડી છેલ્લા એકાદ વર્ષથી આ મોડસ ઓપરેન્ડીથી કાર મેળવી પચાવી પાડતા હતા તેવું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

શહેરમાં કાર ભાડે લઇ ગયા બાદ પરત નહિ કરવાના તેમજ અન્યને વેચી દેવાના સમયાંતરે બનાવો પ્રકાશમાં આવતા રહે

છે. ત્યારે ગુરુવારે રાજકોટના તાલુકા પોલીસ મથકમાં મવડી ગામના હાર્ડવેરના ધંધાર્થીએ કોઠારિયાના આકાશ ઉર્ફે અક્કી પટેલ અને જામનગરના બિલાલશા હશનશા શાહમદાર નામના શખ્સોને દોઢ મહિના પૂર્વે ભાડે આપેલી રૂ.20 લાખના કિંમતની કાર આજ દિવસ સુધી પરત નહિ કરતા ફરિયાદ નોંધાવી હતી.

ભાડે કાર લઇ ગયા બાદ ભાડું કે વાહન પરત નહિ કરી વિશ્વાસઘાતના વધી રહેલા બનાવને પગલે તપાસમાં ક્રાઇમ બ્રાંચની ટીમે ઝંપલાવ્યું હતુ

પોલીસ તપાસ દરમિયાન આકાશ ઉર્ફે અક્કી અને બિલાલશાએ આ રીતે અનેક લોકોની મોંઘી મોટરકારો ભાડે લેવાના બહાને છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તપાસ શરૂ કરતા મોરબી પંથકમાંથી બેલડીએ કળા કરી મેળવેલી પાંચ કારને કબજે કરવામાં સફળતા મળી હતી. પોલીસની તપાસ જેમ જેમ આગળ વધતા ઢગ બેલડીએ અંદાજિત પાંચેક કરોડના કિંમતની મોટરકારો ભાડે મેળવ્યા બાદ ઠગાઇ કર્યાની વિગતો જાણવા મળી હતી. ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગોંડલિયાએ પણ આ બનાવને સમર્થન આપ્યું છે અને હજુ છેતરપિંડીથી મેળવેલી અનેક મોટરકારો મળવાની સંભાવના છે.

ક્રાઇમ બ્રાંચે બે અલગ અલગ ટીમો બનાવી મોટરકાર કબજે કરવા તેમજ આરોપી બેલડીને સકંજામાં લેવા દોડધામ શરૂ કરી છે.

ઠગ બેલડી સકંજામાં આવ્યા બાદ બંનેએ આચરેલા કૌભાંડો પ્રકાશમાં આવશે તેમજ તેમની સાથે અન્ય કોની કોની સંડોવણી છે તે બહાર આવશે તેમ પોલીસ સૂત્રે જણાવ્યું છે. હાલ ઠગ બેલડી પોલીસ મના હાથવેંતમાં હોય તેવું પણ જાણવા મળ્યું છે.

છેતરપિંડીથી મેળવેલી કાર બારોબાર વેંચી મારતા : આંકડો વધવાની શક્યતા

રાજકોટ અને જામનગરના શખ્સો ભાડેથી કાર મેળવીને બારોબાર વેંચી મારતા હતા. આ પ્રકારે આશરે 20થી વધુ પચાવી લીધાનું સામે આવ્યું છે. જો કે, આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં આંકડો વધે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, જો કોઈ વ્યક્તિ કાર પરત આપવા માટે વધુ દબાણ કરે તો તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવતી હતી.

ભાડે આપેલ કાર પરત લેવા ગયેલા રાજકોટના 13 શખ્સો સામે ફરિયાદ

રાજકોટમાં કાર ભાડે આપવાના ધંધાર્થી પોતાની કારમાં લગાવે જીપીએસ ટ્રેકરના આધારે આઇડેન્ટીફાઇ થયેલ પોતાની કાર પરત લેવા પોતાના મિત્રો સાથે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં આવ્યા હોય ત્યારે ત્યાં રહેતી મહિલા અને તેના પરિવાર સાથે રાજકોટથી આવેલ શખ્સોએ બોલાચાલી કરી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરા નજીક ગુલાબનગરમાં રહેતા સરીફાબેન ઉર્ફ મુમતાજબેન દાઉદભાઇ ઉમરભાઇ જામ(ઉ.વ.40)એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આનંદ ગણપતભાઇ દવે રહે રાજકોટ ખોડીયાર નગર, ભાવીક ભરવાડ, રવી ભરવાડ, અભય મકવાણા, ધવલ મકવાણા, ધર્મેશ બારોટ, ધવલભાઇ મુકેશભાઇ પ્રજાપતિ, રજત સાવલીયા, પાર્થ પટેલ, વિવેક ઉમરેઠીયા, ભરત ડાંગર, સમીર સલીમભાઇ શાહમદાર, સાહિલ બોદુભાઇ રહે બધા રાજકોટ વિરુદ્ધ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. વિગત મુજબ રાજકોટમાં ભાડે કાર આપવાના ધંધા સાથે સંકળાયેલ આનંદ ગણપતભાઈ દવેએ પોતાની કાર રાજકોટના અક્ષયભાઈ ઉર્ફે અક્કીને બે અલગ અલગ કાર ભાડે ચલાવવા આપી હોય તે કાર અક્કીએ પોતાના મિત્ર બિલાલ મારફત ભાડે આપેલ જે ગાડીઓનું નકકી કરેલ ભાડું તેઓ દ્વારા ગણપતભાઈને ચૂકતે ન કરતા ગણપતભાઈએ અક્કી અને બિલાલ પાસે પોતાની કાર પરત માંગતા તેઓ દ્વારા જણાવાયું હતું કે તે કાર મોરબી તથા માળીયા(મી) ખાતે છે. ત્યારે આ કાર લેવા જતાં 13 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.