Abtak Media Google News

રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરિફ ચૂંટાયા: ગુરૂવારે લેશે શપથ

વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલાના લલાટે રાજ્યસભાના સાંસદનું રાજતિલક થયું છે. ગુજરાતની રાજ્યસભાની ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા બિનહરિફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આગામી 20મી જુલાઇના રોજ તેઓ રાજ્યસભાના સાંસદ તરીકેના શપથ ગ્રહણ કરશે.

Advertisement

રાજ્યસભાની ચુંટણીમાં ભાજપે એસ.જયશંકરને રિપીટ કર્યા હતા. જ્યારે બે નવા ચહેરામાં વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલા અને રબારી સમાજના ભામાશા બાબુભાઇ દેસાઇને ટિકિટ આપવામાં આવી હતી. ભાજપના આ ત્રણેય ઉમેદવારો સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ કોઇ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હતા. દરમિયાન ગઇકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી પંચ દ્વારા ભાજપના ત્રણેય ઉમેદવારોને બિનહરિફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. આગામી ગુરૂવારે એસ.જયશંકર, કેશરીદેવસિંહ ઝાલા અને બાબુભાઇ દેસાઇ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે.

જો કે, કેશરીદેવસિંહ ઝાલા અને બાબુભાઇ દેસાઇ ચોમાસુ સત્રમાં બેસી શકશે નહી. કારણ કે વર્તમાન સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાની મુદ્ત આગામી 18મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહી છે. એસ.જયશંકર હાલ ચાલુ સાંસદ હોય તેઓ ચોમાસુ સત્રમાં હાજરી આપી શકશે. રાજ્યસભામાં સૌરાષ્ટ્રનું વજન વધ્યુ છે. ગુજરાતની રાજ્યસભાની 11 બેઠકો પૈકી પાંચ બેઠકો પર સૌરાષ્ટ્રના નેતા જવાબદારી નિભાવી રહ્યા છે.રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરિફ ચૂંટાવવા બદલ કેશરીદેવસિંહ ઝાલા પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

કોઇને નીચા પાડવા કે પછાડવાનો મારો કોઇ જ ઇરાદો નથી: કુંડારિયા

રાજ્યસભાના સાંસદ તરીકે વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલા બિનહરિફ વિજેતા બનતા વાંકાનેર ખાતે તેવોનું શાહી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ આપેલા ગાડા નીચે ચાલતા કુતરાના ઉદાહરણને લઇ ભાજપમાં બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ બહાર આવી ગયો છે અને કાર્યકરોમાં તરહ-તરહની ચર્ચા થઇ રહી છે. દરમિયાન આજે “અબતક” સાથેની ખાસ વાતચિત દરમિયાન

સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે કોઇને પછાડવા કે નીચા દેખાડવાનો મારો ક્યારેય હેતુ નથી કે મારો સ્વભાવ નથી. પક્ષને વફાદાર રહેનારા સનિષ્ઠ કાર્યકરોના કામને બિરદાવવા માટે મેં પહેલા બળદ અને પછી બળદ ગાડા નીચે ચાલતા શ્ર્વાનનું માત્ર ઓઠું આપ્યું હતું કે ગમે તેટલો વજન હોવા છતા નંદી ક્યારેય પાછો પડતો નથી. બીજી તરફ બળદ ગાડા નીચે ચાલતા શ્ર્વાનને એમ લાગે છે કે આખા બળદ ગાડાનો વજન મારા પર છે. આ કહેવતને ઉંધા અર્થમાં અમૂક નેતાઓ દ્વારા લેવામાં આવી રહ્યો છે.

મારો હેતુ માત્રને માત્ર કાર્યકરોની કાર્યનિષ્ઠાને બિરદાવવા માટેનો છે. અમૂક નેતાઓ મારા વિરૂધ્ધ જાહેરમાં બોલી રહ્યા છે છતા મેં ક્યારેય તેનો પ્રત્યુત્તર આપવાનો પ્રયાસ કર્યો નથી. મારા ભાલને ઉંધી રિતે રજૂ કરવામાં આવ્યું છે. મારો હેતુ કોઇને સંભળાવી દેવાનો કે નીચા દેખાડવાનો હતો જ નહીં અને ક્યારેય હશે પણ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.