Abtak Media Google News
  • ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આઈ-20 કાર ડિવાઈડર તોડી પુલ નીચે ખાબકી

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક કરુણ ઘટના બનવા પામી છે. ધોરાજી ખાતે ભાદર-2 નદીના પુલ ઉપરથી કાર નદીમાં નીચે ખાબકતા એક જ પરિવારના ચાર લોકો મોતને ભેંટતા કરુણાંતિકા સર્જાઈ છે. તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીણાં ભાદર-2 નદીના પુલ પર સવારે સાડા સાત વાગ્યાં આસપાસ આ બનાવ બનવા પામ્યો હતો. અકસ્માતમાં ભોગ બનનાર દિનેશભાઇ ઠુંમ્મર (ઉ.વ.55) તેમના પત્ની લીલાવંતીબેન ઠુંમ્મર (ઉ.વ.52), પુત્રી હાર્દિકાબેન ઠુંમ્મર (ઉ.વ.22) અને સાઢુભાઈના પત્ની સંગીતાબેન કોયાણી (ઉ.વ.55) સાથે માંડાસણથી ધોરાજી તરફ આઈ-20 કાર લઈને જઈ રહ્યા હતા.

દરમિયાન ભાદર-2 નદીના પુલ પર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર તોડી સીધી નદીમાં ખાબકી હતી. જેના લીધે દિનેશભાઇ સહીત કારમાં સવાર ચારેય લોકોના કરુણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજતા ભારે અરેરાટી ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં ધોરાજી તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નદીમાંથી મૃતદેહ બહાર કાઢવા તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ ચારેય મૃતદેહને બહાર કાઢી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માતમાં મોતને ભેંટનાર પરીવાર મૂળ જેતપુરનો રહેવાસી હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. પુલ પરથી પસાર થતી વેળાએ કારનું ટાયર ફાટી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો તેવી પ્રાથમિક હકીકત પણ સામે આવી રહી છે. હાલ ધોરાજી હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.

મૃતકોની ઓળખ

  • દિનેશભાઈ ઠુંમ્મર (ઉ.વ.55)
  • લીલાવંતીબેન ઠુંમ્મર(ઉ.વ.52)
  • હાર્દિકાબેન ઠુંમ્મર (ઉ.વ.22)
  • સંગીતાબેન કોયાણી (ઉ.વ.55)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.