આજે વિશ્વ ચોકલેટ દિવસ: પ્રાચિનકાળથી પ્રેમનું પ્રતિક ‘ચોકલેટ’ આજના યુગમાં પણ સદાબહાર !!

લોકપ્રિય ખાદ્ય પદાર્થોની સાથે ચોકલેટ પણ સમય સાથે વિકસિત થઇને આજે મિલ્ક, વ્હાઇટ અને ડાર્ક ચોકલેટ સુધીની વિવિધ પ્રકારની શ્રેણી ઉપલબ્ધ છે જે દરેક મોં માં પાણી લાવી દે છે

નાનું બાળક રડતું હોય ત્યારે માત્ર ચોકલેટથી શાંત પડે છે. પ્રેમના પ્રતિક કે શુભ પ્રસંગોએ ચોકલેટનો મહિમા વિશેષ જોવા મળે છે. ખાદ્ય પદાર્થોમાં ચોકલેટ એકમાત્ર વસ્તું છે જે બાળથી મોટેરાને પ્રિય છે. માનવજાતની સૌથી પ્રાચિન વૈભવી વસ્તું ચોકલેટે આજે પણ તેની પ્રતિષ્ઠા જાળવી છે. આજના યુગમાં બદલતા વિશ્વ સાથે ચોકલેટ પણ સમય સાથે વિકસીત થઇને રંગ, રૂપ, આકારો સાથે આકર્ષક પેકીંગને કારણે યુવાવર્ગમાં ખૂબ જ જાણીતી બની ગઇ છે. આજે વિશ્ર્વ ચોકલેટ દિવસ છે. ચોકલેટ કોકોના વૃક્ષમાંથી તેના ફળમાંથી બનાવવામાં આવે છે, જે હજારો વર્ષ પહેલા પ્રથમ વખત ઉગાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. કોકો બીન્સનો સ્વાદ પ્રારંભે કડવો હોય છે. તેને ઝાડમાંથી મેળવ્યા બાદ વિવિધ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેમાં શેકવું, ગરમ કરવું જે પછી ટેસ્ટી-ટેસ્ટી ચોકલેટ બને છે. આજે મિલ્ક, વ્હાઇટ સાથે ડાર્ક ચોકલેટ સુધીની આવે છે. જે બાળથી મોટેરાના મોં મા પાણી લાવી દે છે.

ચોકલેટ ખાવાના ફાયદાઓમાં તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટલ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે જે તમારા કાર્ડિયોવેસ્કયુલર સ્વાસ્થ્ય માટે સારૂં છે. ચોકલેટને સ્વર્ગીય ફળ પણ કહેવાય છે, એ જે વૃક્ષમાંથી મેળવાય છે. તેનો પણ પ્રાચીન ઇતિહાસ છે. ગ્રીકમાં આ વૃક્ષને થિયોબ્રામા કોકો કહેવાય છે જેનું અંગ્રેજીમાં અનુવાદ ‘દેવો માટેનો ખોરાક’ કહેવાય છે. ચોકલેટ ખાવાથી તમારા શરીરમાં એંડોર્ફિન, ફિલ-ગુડ રસાયણોથી મુક્ત થાય છે. જે તમને આનંદિત કરે છે. 500 ગ્રામ ચોકલેટ બનાવવા 400 કોકો બિન્સની જરૂર પડે છે. એક કોકો પોડમાં 40 કોકો બિન્સ હોય છે.

ર009થી ઉજવાતા આ દિવસનું આજે ર1મી સદીમાં યુવા વર્ગમાં વધુ ક્રેઝ છે. 1550ની સાલમાં યુરોપમાં ચોકલેટ પ્રથમ વખત રજૂ થઇ હતી. 18મી સદી સુધી તેનો બહુ વિકાસ થયો ન હતો. આજનો દિવસ સમગ્ર માનવજાતની પ્રિય મિઠાઇની ઉજવણી કરવાનો દિવસ છે. પ્રેમ અને લાગણી વ્યક્ત કરવામાં ચોકલેટ જેવી બીજી કોઇ વસ્તું નથી. લોકોમાં તેના વિશે ઘણી લોકવાયકા પણ છે જેમ કે તેને ખાવાથી યાદશક્તિ વધે છે. દુનિયાના પ્રથમ નંબરના સ્વચ્છ દેશમાં દરેક વ્યક્તિ સાડા આઠ કિલો ચોકલેટ ખાઇ જાય છે. વેલેન્ટાઇન ડે ઉજવણી માં પણ આના એક દિવસની ઉજવણી થાય છે.

દસમાંથી નવ લોકોને ચોકલેટ પસંદ !!

ચોકલેટ સેરોટોનિન અને ડોયામાઇનનું સ્તર વધારે છે જે તમારા મુડમાં વધારો કરે છે. તમને મીઠાઇ ન ગમતી હોય તો પણ ‘ચોકલેટ’ ગમે છે. જે દશમાંથી નવ લોકોને પસંદ પડે છે. ચોકલેટનો કોકો છોડ ભારતીયો દ્વારા ઉગાડવામાં આવ્યો હતો. 300 થી 500 એડી સુધી તેના વૃક્ષને સંસ્કૃતિનો ભાગ ગણાતો હતો. 600થી એક હજાર એડીમાં કોકો દક્ષિણ અમેરિકામાં જોવા મળ્યું. 1ર00ની સાલમાં લોકો ચોકલેટ પીણું પીવા લાગ્યા હતા. 1500ની સાલમાં યુરોપમાં જાણીતી થઇ. ચોકલેટની પ્રથમ દુકાન 1657ની સાલમાં યુરોપમાં ખૂલી હતી. 1765ની સાલમાં પ્રથમ અમેરિકન ચોકલેટ કંપની શરૂ થઇ હતી. 1895થી ચોકલેટ દરેક લોકો માટે ખરીદી શકાય તેવી વસ્તુ બની ગઇ હતી, એ પહેલા શ્રીમંતો જ તેને ખાઇ શકતા હતા.