Abtak Media Google News

અમદાવાદમાં રેડ એલર્ટ અપાયું: સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,જૂનાગઢ અને અમરેલીમાં હિટવેવ પ્રકોપ યથાવત રહેશે

ગુજરાતમાં આજે માથુ ફાડી નાંખે તેવો આકરો તાપ પડે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે. શુક્રવારે રાજયના 12 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આજે સીઝનનો સૌથી ગરમ દિવસ બની રહે તેવી શકયતા રહેલી છે. લોકોને કામ સિવાય બપોરનાં સમયે ઘરની બહાર ન નીકળ્યા પણ તાકીદ કરવામાં આવી છે.

Advertisement

રાજયમાં છેલ્લા બે માસથી અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એપ્રીલમાં તો સૂર્યનારાયણે આકાશમાંથી રિતસર અગન વરસાવવાનું શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. દરમિયાન શુક્રવારે અને શનિવારે એમ બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે અમદાવાદ 44.2 ડિગ્રી સેલ્શીયસ સાથે રાજયનું સૌથી ગરમ શહેર બની રહ્યું હતુ. દરમિયાન આજે અમદાવાદમાં પારો 45 ડિગ્રીને આંબી જાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

અમદાવાદ ઉપરાંત ગાંધીનગર અને ખેડા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને અમરેલી ઉપરાંત કચ્છમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે.

શુક્રવારે રાજયનાં 12 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતુ. અમદાવાદનું તાપમાન 44.2 ડિગ્રી, ડિસાનું તાપમાન 42.7 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 43.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41.5 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.8 ડિગ્રી, ભૂજનું તાપમાન 41.3 ડિગ્રી કંડલા પોર્ટ પરનું તાપમાન 40 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર તાપમાન 44 ડિગ્રી, અમરેલીનું તાપમાન 43.2 ડિગ્રી, રાજકોટનું તાપમાન 43.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 43.1 ડિગ્રી, કેશોદનું તાપમાન 41.1 ડિગ્રી અને જૂનાગઢનું તાપમાન 42.9 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.

હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી આપવામાં આવી હોય આજનો દિવસ સીઝનનો સૌથી ગરમ દિવસ બની રહે તેવી શકયતા વ્યક્ત કરવામાંઆવી છે.

હિટવેવની આગાહી વચ્ચે લોકોને બપોરનાં સમયે કામ વિના બહાર નીકળવાનું ટાળવા માટે તાકીદ કરવામાં આવી છે. બપોરનાં સમયે રાજમાર્ગો પર સન્નાટો છવાય જાય છે.સ્વયંભૂસંચાર બંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.