Abtak Media Google News

બે દિવસ સૂર્યનારાયણે સામાન્ય રાહત આપ્યા બાદ આજથી ફરી રાજકોટમાં ગરમીનું જોર વધ્યુ છે. પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઇ ગઇ હોય તેવી આકરા તાપ સાથે બફારાનો પણ અનુભવ થઇ રહ્યો છે. આકાશમાં પણ આછા વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. બપોરના સમયે ધૂપ-છાંવ જેવું વાતાવરણ પણ છવાયુ જતું હોય છે.

Advertisement

ગઇકાલે રાજકોટનું મહત્તમ તાપમાન 41.3 સેંલ્સીયસ રહેવા પામ્યુ હતું. દરમિયાન આજે સવારથી ગરમીનું જોર થોડી વધી ગયું છે. આજે બપોરે 2:30 કલાકે શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પહોંચી ગયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 22 ટકા અને પવનની સરેરાશ ઝડપ 12 કિલોમીટર પ્રતિકલાક રહેવા પામી હતી. આકરા તાપ સાથે ભેજનું પ્રમાણ વધવાના કારણે ઉકળાટનો પણ અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી જાણે પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઇ ગઇ હોય તેમ સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં બપોર બાદ કમૌસમી વરસાદ વરસી રહ્યો છે.

ગઇકાલે ભાવનગરના સિંહોરમાં હળવા ઝાંપટા પડ્યા હતા. બપોરે રાજકોટમાં 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા આકરી લૂ લાગતી હતી. અંગ દઝાડતી ગરમીના કારણે બપોરના સમયે રાજમાર્ગો સુમસામ થઇ જાય છે.

છેલ્લા બે માસથી આકાશમાંથી રિતસર અગ્નિવર્ષા થઇ રહી છે. આ વર્ષે ઉનાળાની સિઝન લાંબી અને આકરી રહેવા પામી છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાતાવરણના વરતારા પરથી એવું લાગી રહ્યુ છે કે આ વર્ષે ચોમાસાની સીઝન પણ ટનાટન રહેશે અને સારો એવો વરસાદ પડશે. હાલ રાજ્યમાં હીટવેવની કોઇ આગાહી આપવામાં આવી નથી છતાં અનેક શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને લગોલગ પહોંચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.