Abtak Media Google News

અમદાવાદ મહાપાલિકાની ૧૯૨ બેઠકો, સુરતની ૧૨૦ બેઠકો, વડોદરાની ૭૬ બેઠકો, રાજકોટની ૭૨ બેઠકો, જામનગરની ૬૪ બેઠક અને ભાવનગરની ૫૨ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં: કાલે સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન, મંગળવારે મત ગણતરી

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાના ૧૪૪ વોર્ડની ૫૭૬ બેઠકો માટે આવતીકાલે સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાશે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાના અલગ અલગ બે વોર્ડ માટે પેટા ચૂંટણી હાથ ધરવામાં આવશે. લોકશાહીના મહાપર્વને ઉજવવાના અવસરમાં કરોડો મતદારો પોતાના પવિત્ર અને કિંમતી મતાધિકારનો ઉપયોગ કરશે. કાલે સવારે ૭ વાગ્યાથી લઈ સાંજના ૬ વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે અને મંગળવારે સવારથી એકી સાથે મત ગણતરી હાથ ધરાશે. દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત ૨૩મી જાન્યુઆરીના રોજ છ મહાનગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે પ્રચાર-પડઘમ શાંત થઈ ગયા છે. હવે અંતિમ કલાકોમાં રાજકીય પક્ષો તથા ચૂંટણી લડતા ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ગુપ્ત બેઠકોનો દૌર શરૂ કર્યો છે. રાજ્યની કુલ છ મહાનગરપાલિકાઓના ૧૪૪ વોર્ડ માટેની ૫૭૬ બેઠકો માટે કાલે વહેલી સવારે ૭ થી સાંજના ૬ સુધી મતદાન હાથ ધરાશે. કોરોનાના કારણે આ વખતે મતદાનની અવધીમાં ૨ કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આજે બપોરથી ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફે મતદાન મથકોનો હવાલો સંભાળી લીધો હતો.

02 5

અમદાવાદ મહાનગરપાલિકાના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો પર ભાજપના ૧૯૧, કોંગ્રેસના ૧૮૮, આમ આદમી પાર્ટીના ૧૪૬ અને અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ ૨૩૮ ઉમેદવાર સહિત કુલ ૭૭૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે સુરત મહાનગરપાલિકાના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે ભાજપના ૧૨૦, કોંગ્રેસના ૧૧૭, આમ આદમી પાર્ટીના ૧૧૩ અને અન્ય ૧૫૨ સહિત કુલ ૪૮૪ ઉમેદવારો મેદાનમાં છે. વડોદરા મહાનગરપાલિકાની ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે ભાજપના ૭૬, કોંગ્રેસના ૭૬, આપના ૪૧ અને અન્યના ૮૬ વહિત કુલ ૨૭૯ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ભાજપના ૭૨, કોંગ્રેસના ૭૦, આપના ૭૨ અને અન્ય ૭૯ ઉમેદવારો સહિત કુલ ૨૯૩ ઉમેદવારો મેદાનમાં છે. જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ભાજપના ૬૪, કોંગ્રેસના ૬૨, આપના ૪૮, અન્ય ૬૨ સહિત કુલ ૨૩૬ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકાની ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે ભાજપના ૫૨, કોંગ્રેસના ૫૧, આપના ૩૯, અન્ય ૬૯ સહિત કુલ ૨૧૧ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની કુલ ૬ મહાનગરપાલિકાની ૧૪૪ વોર્ડની ૫૭૬ બેઠકો પૈકી એકમાત્ર ભાજપે તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપના ૫૭૫ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે અમદાવાદની એક બેઠક અગાઉ ભાજપને મળી ચૂકી છે. જ્યારે કોંગ્રેસ ૫૬૪ બેઠકો પર અને આમ આદમી પાર્ટી ૪૬૯ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે.

અત્રે ઉલ્લાખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં યોજાયેલી રાજ્યની છ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી. જો કે, છ મહાપાલિકામાં ભાજપ સત્તા જાળવી રાખવા સફળ રહ્યું હતું પરંતુ તેને બેઠકોની દ્રષ્ટિએ ભારે નુકશાની વેઠવી પડી હતી. ૫૭૬ બેઠકોમાંથી ભાજપને માત્ર ૩૪૩ બેઠકો જ મળી હતી. ગઢ ગણાતા રાજકોટમાં ભાજપ માંડ-માંડ છેલ્લી ઘડીએ જીત્યું હતું. આ વખતે સટ્ટા બજારના સર્વે અનુસાર મહાપાલિકામાં ભાજપ ફરી બહુમતિ સાથે સત્તારૂઢ થઈ રહ્યું છે.

મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે પ્રચાર-પ્રસાર બંધ કરી દેવાનો નિયમ હોય ગઈકાલે સાંજે ૬ વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે. અંતિમ કલાકોમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે હવે બંધ બારણે ગુપ્ત મીટીંગોનો દૌર શરૂ થઈ જવા પામ્યો છે. હાલ કોરોનાના કારણે કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનની અવધી બે કલાક વધારવામાં આવી છે. સામાન્ય રીતે મતદાનનો સમય સવારે ૮ થી લઈ સાંજે ૫ વાગ્યાનો રહે છે પરંતુ કોરોનાના કારણે મતદાનનો પ્રારંભ સવારે ૭ શરૂ થઈ જશે અને સાંજના ૬ સુધી ચાલશે. કોરોના સંક્રમિત વ્યક્તિ અંતિમ ૧ કલાકમાં મતદાન કરી શકશે. જો કે તેને મતદાન માટે અગાઉ જ રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને પીપીઈ કીટ પહેરી મતદાન કરવાનું રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુદ કોરોનાથી સંક્રમિત હોય તેઓ કાલે મતદાન કરવા માટે રાજકોટ આવી શકશે નહીં. કાલે મતદાન પૂર્ણ થયા બાદ મંગળવારે સવારે ૮ વાગ્યાથી તમામ મહાપાલિકાઓની એકી સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં પરિણામ આવી જાય તેવી સંભાવના જણાય રહી છે. આજે ચૂંટણી સ્ટાફ દ્વારા મતદાન મથકોનો હવાલો સંભાળી લેવામાં આવ્યો છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.