રાજ્યના ચાર નિગમોના ચેરમેનો યથાવત રહેશે

અબતક, રાજકોટ

તાજતેરમાં પ્રદેશ ભાજપે 10 નિગમોના ચેરમેનોના રાજીનામાં લીધા હતા. જેમાંથી 4 નિગમોના ચેરમેનને યથાવત રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. બળવંતસિંહ રાજપૂત, આઈ. કે. જાડેજા, મુળુભાઈ બેરા અને અસિત વોરાનું અધ્યક્ષ પદ ચાલુ રખાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દસેક મહિનાનો સમય બાકી છે ત્યારે ભાજપે કોરોનાકાળની ત્રીજી લહેરમાં ચૂંટણીલક્ષી તૈયારીઓને પૂરજોશમાં આગળ વધારવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે એની સાથોસાથ હવે ક્યાં કેવા પ્રકારના રાજકીય સમીકરણો થકી 182 બેઠક જીતવાના લક્ષ્યને પાર પાડી શકાય એમ છે તેના વ્યુહાત્મક વિશ્લેષણના આધારે લગભગ સાતેક હજાર કાર્યકરોને બોર્ડ-નિગમોમાં નિમણૂકો આપવાની તૈયારી શરૂ થઇ છે.

પ્રમુખ સી.આર. પાટીલે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, બિન અનામત નિગમના ચેરમેન બાબુભાઇ ઘોડાસરા અને બિન અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરા, વાઈસ ચેરમેન બિમલ ઉપાધ્યાય, વકફ બોર્ડના ચેરમેન સાજીદ હીરા, સંગીત કલા બોર્ડના પંકજ ભટ્ટ, મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન આંકોલિયાએ પોતાના રાજીનામાંના પત્રો આપી દીધા હતા.

બળવંતસિંહ રાજપૂત, આઈ. કે. જાડેજા, મુળુભાઈ બેરા અને અસિત વોરાનું અધ્યક્ષ પદ ચાલુ રખાશે

જોકે, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત અને કાર્યક્રમ અમલીકરણ સમિતિના સંયોજક આઇ.કે. જાડેજા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના મુળુ બેરા, ગુજરાત ગૌણ સેવાના આસિત વોરા અંગે હાલ કોઇ નિર્ણય લેવાયો નથી. તેઓને યથાવત રાખ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે. અહીં નોંધવુ જરૂરી છે કે, સરકારના પચાસેક બોર્ડ નિગમો પૈકી ઘણાં મહત્વના પદો પર ઓછામાં ઓછા પાંચથી સાત હજાર કાર્યકરોને નિમણૂક આપીને સાચવી શકાય એમ છે. હવે ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી છે એવા સમયે 182 બેઠક માટે એટલા જ ઉમેદવારને ટિકિટ આપી શકાય. બાકીના મહત્વના આગેવાન કાર્યકરોને આવા પદો પર નિયુક્ત કરીને સામાજિક સમીકરણોનો ઉપયોગ કરી શકાય એવી ગણતરીથી ગંજીપો નવેસરથી ચિપાશે.

છેલ્લા ત્રણ દશકથી રાજ્યમાં ભાજપનું એકધાર્યુ શાસન છે. આ શાસન દરમિયાન સરકારના તાબા હેઠળના 75થી વધુ બોર્ડ નિગમો પૈકી પચાસેક નિગમોમાં સમયાંતરે રાજકીય પદાધિકારીઓની નિમણૂકો થતી હતી. 2003થી 2014 સુધીના ગાળમાં આવી નિમણૂકો નહીવત થઇ હતી. 2014 પછી ફરીથી સામાજિક મહત્વના વર્ગો માટેના બોર્ડ નિગમોમાં નિમણૂકોની શરૂઆત થઇ હતી. 2017 વિધાનસભાની ચૂંટણી પૂર્વે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આઠ બોર્ડ નિગમોમાં નિમણૂકોની જાહેરાત કરી હતી.

રૂપાણીએ પૂરોગામી આનંદીબેન પટેલની નિમણૂકોમાં ત્રણ વર્ષની મુદત સાથે નવી નિમણૂકો કરી હતી, એ પૂરી થતાં નવી નિમણૂકો હાથ ધરાય એ પહેલાં જ કોરોનાકાળ શરૂ થયો હતો. જોકે, રૂપાણીએ વર્ષ 2018માં પોતાના વિશ્વાસુ ધનસુખ ભંડેરી સહિત પાંચ નિમણૂકો જાહેર કરી હતી. પરંતુ ત્યાર પછી નવી નિમણૂક પર બ્રેક વાગી ગઇ હતી. માત્ર ઓક્ટોબર 2021માં પંચાયત સેવા પસંદગીમાં અસિત વોરાની પુન: નિયુક્તિ થઇ હતી.