Abtak Media Google News

ઓવરબ્રિજનું ક્ધસ્ટ્રકશન કામ પૂર્ણ નહી  થાય ત્યાં સુધી જાહેરનામું અમલમાં રહેશે

ટ્રાફિકની  સમસ્યા હલ કરવા માટે હાઈવે  ઓથોરિટી દ્વારા માધાપર  ચોકડી ખાતે  ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. હવે માધાપર  સર્કલ ખાતે વચ્ચેના સ્લેબ ભરવાની કામગીરી  હાથ ધરવાની હોય માધાપર ચોકડીથી  બેડી ચોકડી તરફ  બંને બાજુ  તમામ વાહનની  અવર જવર પર પ્રતિબંધ ફરમાવી  દેવામાં આવ્યો છે.  રાજકોટ શહેર ખાતે માધાપર ઓવરબ્રીજનું નિર્માણ થઇ રહેલ છે ત્યારે,  માધાપર ચોકડી ઓવરબ્રીજ વચ્ચેના સ્લેબની કામગીરી ચાલુ કરવાની હોય, જેથી આ સ્લેબના સેન્ટ્રીંગ માટે સમગ્ર ચોકમાં ટ્રાફિક મુવમેન્ટ બંધ કરવામાં આવી છે.

આ બ્રીજની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી માધાપર ચોકડી 150-ફુટ રીંગરોડથી બેડી ચોકડી તરફ બન્ને બાજુના તમામ વાહનો માટે પોલીસ કમિશનર  રાજુ ભાર્ગવે પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડી   ડાયવર્ઝન કરવામાં આવ્યા છે. અયોધ્યા ચોક 150 ફુટ રીંગરોડથી બેડી ચોકડી જવા માંગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઇ જામનગર રોડ દ્વારીકાધીશ પેટ્રોલ પંપથી યુ-ટર્ન લઇ બેડી ચોકડી તરફ જઈ શકશે.

બેડી ચોકડીથી અયોધ્યા ચોક 150-ફુટ રીંગરોડ (ફકત શહેર) તરફ જવા માંગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઇ જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી સામેના ડિવાઈડર થી યુ-ટર્ન લઇ અયોધ્યા ચોક 150 ફુટ રીંગરોડ તરફ જઈ શકશે. બેડી ચોકડી તરફથી જામનગર પડધરી ધ્રોલ તરફ જવા માંગતા તમામ હેવી વાહનો બેડી ચોકડી મોરબી રોડ મીતાણા ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકશે અને મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ હેવી વાહનો આવી શકશે નહીં.

બેડી ચોકડી તરફથી જામનગર/પડધરી/ધ્રોલ તરફ જવા માંગતા તમામ ટૂ-ફોર વ્હિકલ નાના વાહનો મૌસુર ભગત ચોકથી ઇશ્વરીયા રોડ માધાપર ગામથી જામનગર રોડ તરફ જઇ શકશે તેમજ રાજકોટ શહેર તરફ જવા માંગતા તમામ ટૂ -ફોર વ્હિકલ નાના વાહનો મૌસુર ભગત ચોકથી સંતોષીનગર, રેલનગર અંડરબ્રીજથી શહેર તરફ જઈ શકશે. આ જાહેરનામું પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહનો તથા અન્ય સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાની અમલવારી   માધાપર ચોકડી ઓવરબ્રીજના કંસ્ટ્રક્શનનું કામકાજ ચાલુ રહે ત્યાં સુધી અમલી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.