Abtak Media Google News

નાગરીકોના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનને રોકવા સુઓ મોટો કાર્યવાહી કરવા વિનંતી કરાઈ

નિવૃત ન્યાયાધીશો અને વરિષ્ઠ વકીલોએ ચીફ જસ્ટિસ એન. વી. રમણાને પત્ર લખીને બુલડોઝરની કાર્યવાહી સામે ફરિયાદ કરી હતી. ભૂતપૂર્વ ન્યાયાધીશોએ તેમને વિનંતી કરી છે કે તેઓ વિરોધીઓ ઉપર પોલીસ કાર્યવાહી, તેમની કથિત ગેરકાયદે અટકાયત અને ઘરો પર બુલડોઝરનો ઉપયોગ કરવાની ઘટનાઓ પર સ્વત: સંજ્ઞાન લેવા વિનંતી કરી છે. ઉત્તર પ્રદેશના નાગરિકો સામે રાજ્ય સરકાર દ્વારા હિંસા અને દમનની તાજેતરની ઘટનાઓની નોંધ લેવા માટે આ પત્રની અરજી સુપ્રીમ કોર્ટને તાત્કાલિક અપીલ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, તેવું પત્રમાં કહેવામાં આવ્યું છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પયગંબર મોહમ્મદ પર ભાજપના કેટલાક ભૂતપૂર્વ પ્રવક્તાઓ દ્વારા તાજેતરમાં કરાયેલી ટિપ્પણીના કારણે દેશના ઘણા ભાગોમાં વિરોધ થયો છે. પત્રની અરજી પર સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશો- જસ્ટિસ બી.  સુદર્શન રેડ્ડી, જસ્ટિસ વી.ગોપાલા ગૌડા અને જસ્ટિસ ગાંગુલી, દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એ. પી.શાહ, મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ જજ કે. ચંદ્રુ અને કર્ણાટક હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ મોહમ્મદ અનવર સહિતના તેમજ આ ઉપરાંત શાંતિ ભૂષણ, ઈન્દિરા જેસિંગ, સી.યુ.  સિંહ, શ્રીરામ પંચુ, પ્રશાંત ભૂષણ અને આનંદ ગ્રોવર સહિત અન્ય લોકોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે.

એવું લાગે છે કે દેખાવકારોને સાંભળવા અને તેમને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની તક આપવાને બદલે ઉત્તર પ્રદેશ પ્રશાસને આ વ્યક્તિઓ સામે હિંસક કાર્યવાહીને મંજૂરી આપી છે, તેવું પત્રમાં કહેવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાને કથિત રીતે અધિકારીઓને દોષિતો સામે આવી કાર્યવાહી કરવા સત્તાવાર રીતે પ્રોત્સાહિત કર્યા છે જેથી એક ઉદાહરણ સ્થાપિત થાય અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ગુનો ન કરી શકે અથવા કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં.

પત્રમાં લખવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને એવો પણ નિર્દેશ આપ્યો છે કે ગેરકાયદેસર રીતે વિરોધ કરવા બદલ દોષિતો પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ, 1980 અને ઉત્તર પ્રદેશ ગુંડાઓ અને અસામાજિક પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1986 લાગુ કરવામાં આવશે. પત્રની અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ ટિપ્પણીઓએ પોલીસને દેખાવકારો સામે નિર્દયતાથી કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર રીતે ત્રાસ આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તે જ ક્રમમાં પોલીસે 300 થી વધુ લોકોની ધરપકડ કરી છે અને વિરોધ કરી રહેલા નાગરિકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, તેવું પત્રમાં કહેવામાં આવ્યું છે.  પોલીસ કસ્ટડીમાં યુવાનોને લાકડીઓ વડે માર મારવામાં આવે છે, વિરોધ કરનારાઓના ઘરોમાં કોઈપણ સૂચના કે કારણ વગર તોડફોડ કરવામાં આવી રહી છે અને લઘુમતી મુસ્લિમ સમુદાયના દેખાવકારોનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવી રહ્યો છે અને માર મારવામાં આવી રહ્યો છે તેવા વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે, જેણે દેશની અંતરાત્માને હચમચાવી દીધી છે.

શાસક વહીવટીતંત્ર દ્વારા આવા ક્રૂર દમન એ કાયદાના શાસનની અસ્વીકાર્ય નાબૂદી અને નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન છે. આ કૃત્ય બંધારણ અને સરકાર દ્વારા ખાતરી આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની મજાક છે. અરજીમાં ઉત્તર પ્રદેશમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાસ કરીને પોલીસ અને રાજ્ય સત્તાવાળાઓ દ્વારા અને નાગરિકોના મૂળભૂત અધિકારોના ક્રૂર દમનને રોકવા માટે સુઓ મોટો પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.