Abtak Media Google News

હાલાર પંથકમાં ત્રીજા દિવસે બળાત્કારની વધુ એક ફરિયાદ

વરવાળાના શખ્સે જ આચર્યું દુષ્કર્મ: આઘાતમાં સગીરાના પિતાએ કર્યો આપઘાત

જામનગરમાં સામુહિત દુષ્કર્મની ઘટનાના ત્રીજા જ દિવસે વધુ એક બળાત્કારની ફરિયાદ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. વરવાળા ગામની સગીરા સાથે બાજુના ગામમાં રહેતા સખ્સે આઠ માસ પૂર્વે બે વખત બળાત્કાર ગુજાર્યાની જાણ થતા સપ્તાહ પૂર્વે જ સગીરાના પિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર પર બેવડુ દુખ આવી પડ્યું છે. આ બનાવને લઈને સમગ્ર જીલ્લામાં શોક સાથે ચકચાર મચી ગઈ છે. જામનગરમાં એક સગીરા પર ચાર નરાધમોએ ગુજારેલ સામુહિક દુષ્કર્મને પગલે જીલ્લો રાજ્યભરમાં બદનામ થયો છે ત્યારે જીલ્લામાં વધુ એક બળાત્કારની ઘટના સાથે સગીરાના પિતાએ આપઘાત કાર્યનો બનાવ સામે આવ્યો છે.

જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતી એક સગીરા કે જે હાલ પુખ્ત વયની થઈ છે, પરંતુ તા. ૨૨/૯/૨૦૨૦ પૂર્વેના આઠ માસ પહેલા તેણીને છરીની અણીએ ધમકી આપી બાજુના જ વિલાસપુર ગામમાં રહેતો અશ્વિન ભીમશીભાઇ વાઢિયા નામના શખ્સે બે વખત સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગેની કોઈને જાણ કરશે તો તેના ભાઈ તથા પિતા ને મારી નાખશે, તેવી ધમકી આપી હતી. જેને લઈને ડરી ગયેલ સગીરા અવાચક થઇ ગઈ હતી. પરંતુ તાજેતરમાં જ ગત ૨૨ મી તારીખે સગીરાના પિતાને દુષ્કર્મ અંગેની જાણ થતા જ તેઓને જોરદાર આઘાત લાગ્યો હતો. પુત્રી સાથે થયેલ દુષ્કર્મને લઈને ગુમસુમ રહેતા તેણીના પિતાએ  ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ સારવાર માટે ઉપલેટા અને ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સપ્તાહ પૂર્વે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાને પગલે સગીરામાંથી પુખ્ત બની ગયેલ યુવતીએ જામજોધપુર પોલીસ મથકમાં આરોપી અશ્વિન ભીમશીભાઇ વાઢીયા સામે આઇપીસી કલમ ૩૭૬ (૨), એન.૫૦૬-૨, અને પોક્સો એક્ટ ની કલમ ૪,૬ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે સગીરાનો કબજો સંભાળી જી.જી.હોસ્પિટલમાં મેડીકલ પરીક્ષણ કરાવવાની તજવીજ શરુ કરી છે. આ બનાવને પગેલ નાના એવા વરવાળા ગામમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ છે. પોતાના પર પોલીસ ફરિયાદ થયાની જાણ થતા જ આરોપી અશ્વિન હાલ ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.