૬૫મા પુરસ્કાર સમારંભમાં રાજકોટ રેલવે ડિવિઝનને બે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત

બેસ્ટ ઈમ્પ્રુવમેન્ટ તથા સ્ક્રેપ નિકાલ માટે મળ્યા મહાપ્રબંધક દક્ષતાના શિલ્ડ

૨ અધિકારીઓ અને ૮ કર્મચારીઓને પણ મળ્યો જીએમ એવોર્ડ

રાજકોટ ડિવિઝનને વર્ષ ૨૦૧૯-૨૦ માટે પશ્ચિમ રેલવેમાં બેસ્ટ ઈમ્પ્રુવમેન્ટ તથા સ્ક્રેપ નિકાલ માટે ૬૫ મા રેલવે સપ્તાહ પુરસ્કાર સમારંભમાં પ્રતિષ્ઠિત મહાપ્રબંધક દક્ષતા શિલ્ડ પ્રાપ્ત કર્યો છે.વધુ માહિતી આપતાં સિનિયર ડીસીએમ  અભિનવ જેફે જણાવ્યું હતું કે, મુંબઈ સેન્ટ્રલ ખાતે આ એવોર્ડ સમારોહમાં પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (જીએમ)  આલોક કંસલ દ્વારા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર પરમેશ્વર ફુંકવાલને આ બંને શિલ્ડ  એનાયત કરાયા હતા. શિલ્ડ લઈને આજે રાજકોટ સ્ટેશને પહોંચ્યા ત્યારે ડીઆરએમ  ફુંકવાલનું એડીઆરએમ  ગોવિંદપ્રસાદ સૈની અને વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ ઢોલ નગારા સાથે જોરદાર સ્વાગત કર્યું હતું. ડીઆરએમ  ફુંકવાલે રાજકોટ વિભાગને મળેલ બંને પ્રતિષ્ઠિત શિલ્ડને અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને લગનશીલતાનું પરિણામ ગણાવ્યું હતું અને સૌને અભિનંદન પાઠવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે દ્વારા બેસ્ટ ઇમ્પ્રૂવમેન્ટ શીલ્ડ પ્રથમ વખત  શરૂ કરવામાં આવ્યો છે અને રાજકોટ ડિવિઝન તેનો પ્રથમ વિજેતા બન્યો છે. પશ્ચિમ રેલવેના અન્ય વિભાગોની સરખામણીએ પાછલા વર્ષની સરખામણીમાં  પ્રત્યેક ક્ષેત્રમાં થયેલા વધુ સારી સુધારણા માટે રાજકોટ ડિવિઝનને આ શિલ્ડ આપવામાં આવ્યો છે.રાજકોટ ડિવિઝન દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માં કુલ ૪૫૪૫.૨૧૫ મેટ્રિક ટન સ્ક્રેપ વેચીને ૧૦૦% એકઠા થયેલ સ્ક્રેપ નિકાલનું લક્ષ્ય પ્રાપ્ત થયું હતું. પશ્ચિમ રેલવેમાં પ્રથમ સમર્પિત ડિવિઝનલ સ્ક્રેપ યાર્ડની સ્થાપના મે-૨૦૧૯માં હાલના સ્ટોર્સ રાજકોટ ખાતેના હાલના ડેપોની બાજુમાં કરવામાં આવી છે.(સિનિયર ડિવિઝનલ મટિરીયલ મેનેજર)  અમીર યાદવના માર્ગદર્શન હેઠળ સ્ટોર વિભાગ દ્વારા કરવામાં આવેલ સતત પ્રયત્નોના પરિણામ રૂપે, રાજકોટ ડિવિઝનને ૧૦૦% સ્ટેશનને  સ્ક્રેપરહિત કરીને “ઝીરો સ્ક્રેપ મિશન” હાંસલ કર્યું હતું. જેના નિવારણ  માટે શીલ્ડ પ્રદાન કરવામાં આવે છે.

આ ઉપરાંત રાજકોટ ડિવિઝનના વિવિધ વિભાગના ૨ અધિકારીઓ અને ૮ કર્મચારીઓને વર્ષ ૨૦૧૯-૨૦માં તેમની યોગ્ય સેવા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વ્યક્તિગત ધોરણે  જી.એમ. એવોર્ડ આપવામાં આવેલ છે.જેની વિગત આ મુજબ છે. અપૂર્વ તિવારી (ડિવિઝનલ સિગ્નલ એન્ડ ટેલિકોમ એન્જિનિયર) રીની (ડિવિઝનલ પરિચાલન મેનેજર),  વિજયકુમાર ચાવડા (વરિષ્ઠ સિનિયર સેક્શન ઓફિસર-રાજકોટ),  અમિત જોષી (ઇસીઆરસી-રાજકોટ),  શૈલેષ ચૌહાણ (લોકો પાઇલોટ-હાપા),  રંજીતકુમાર પંડિત (ગેટ કીપર-લીલપુર) ),  અજિત જીવન (ગેટ કીપર-સુરેન્દ્રનગર),  મોહિત ભારડ (ફિટર-રાજકોટ),  ભરત એમ (પોઇંટ્સમેન-વાવણીયા) અને  જગદીશ એમ (માસ્ટર ક્રાફ્ટમેન-મોરબી).