Abtak Media Google News
  • મોરચંદ, છાયા, રતનપર, ગુંદી, કોળિયાક, બાડી, પડવા સહિતના પંથકમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત:ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સની અસરના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદની સંભાવના છે. વળી, આ માવઠા બાદ ઠંડીના નવા રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 1 અને 2 માર્ચના રોજ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લાના ઘોઘા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે.

વહેલી સવારે ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં મોરચંદ, છાયા, રતનપર, ગુંદી, કોળિયાક, બાડી, પડવા સહિતના પંથકમાં કમોસમી વરસાદ આવ્યો છે. તો અચાનક વરસાદ વરસી પડતા અનેક પ્રકારના ખેત પાકોને વ્યાપક નુકસાન થઈ શકે છે. વરસાદ વરસતા ખેડૂતો ને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે એટલે કે 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ 2 માર્ચના રોજ પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીરસોમનાઝમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં થશે. જેના પરિણામે 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. કમોસમી વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ 3થી 6 માર્ચ દરમિયાન ઠંડીનો નવો રાઉન્ડ અનુભવાશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

કાલે આ વિસ્તારમાં માવઠાની સંભાવના

2 માર્ચના રોજ પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીરસોમનાઝમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.