Abtak Media Google News

સાંબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, નર્મદા, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો: ત્રણ દિવસ માવઠાની આગાહી: સુરેન્દ્રનગરમાં સવારે છાંટા પડ્યા

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દરમિયાન આજે સવારથી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જગતાતમાં ચિંતાની લાગણી ફેલાઇ જવા પામી છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

Advertisement

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં ટ્રફ ઉદ્ભવતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે અરવલ્લી જિલ્લાના માળપુર સહિતના વિસ્તારો, અંબાજી, સાંબરકાંઠા, નર્મદા, દાહોદ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ પંથકમાં પણ માવઠાની આગાહી આપવામાં આવી છે.

આજે સવારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. ઉનાળાના આરંભે માવઠાના કારણે ઘઉં, ચણા, રાયડો, તુવેર, કેરી, જીરૂં, ધાણા સહિતના પાકને નુકશાની થવાની ભીતી ઉભી થવા પામી છે. જગતાતના ચહેરાઓ પર ચિંતાની લકીર ખેંચાય જવા પામી છે. આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હોય સૌરાષ્ટ્રના અનેક માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને જણસી ન લાવવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત અમૂક યાર્ડ દ્વારા ખેડૂતો તથા વેપારીઓને વરસાદમાં જણસી પલળી ન થાય તે માટે પાકને ઢાંકીને લાવવા અને વેપારીઓને ઉતારા માટેની વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે.

આજે છોટા ઉદેપુર, ગીર સોમનાથ અને કચ્છમાં માવઠાની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. સોમવારે સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ગઇકાલે સાંજે રાજકોટમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આકાશમાં વાદળો છવાયા હતા. મુંજકા વિસ્તારમાં સામાન્ય છાંટા પણ પડ્યા હતાં. માવઠાની આગાહી વચ્ચે શુક્રવારે તાપમાનનો પારો પણ ઉંચકાયો હતો. ભૂજનું તાપમાન 39 ડિગ્રીએ પહોંચી ગયું હતું. કેશોદમાં પણ તાપમાન 39 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે રાજકોટમાં શુક્રવાર 38.8 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરમાં તેમજ તેના જિલ્લાને તાલુકા મથક હોય આજે અચાનક જ હવામાનમાં પલટો થતા વાદળછાયુ વાતાવરણ રહ્યું છે અને આજે સવારના સામાન્ય છાંટાઓ પણ પડ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથકોમાં ખેડૂતોમાં ચિંતા ની લાગણી પ્રસરી જવા પામી હતી તેમજ વાતાવરણમાં પડતો આવતા પક્ષીઓ પણ આમતે મુળવા લાગ્યા હતા જ્યારે વાતાવરણ પણ ફરી ઠંડક ભર્યું બની ગયું છે અને હાલમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં પડેલા જીરું વરિયાળી ઘઉં રાયડો અજમા જેવા પાક ઉપર ખતરો હોવાના કારણે તેમના પણ મન ઉપર ચિંતા ના વાદળો છવાઈ જવા પામ્યા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર જિલ્લા અને તેના તાલુકામાં તો કોઈ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.