Abtak Media Google News

કોર્પોરેશનના ઉમેદવાર ૬ લાખ સુધી, જિલ્લા પંચાયતના ઉમેદવાર ૪ લાખ સુધી, તાલુકા પંચાયતના ઉમેદવાર ૨ લાખ સુધી અને નગરપાલિકાના ઉમેદવાર ૧.૫૦ લાખ અને ૨.૨૫ લાખ સુધીની મહત્તમ મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકશે

કુદકે અને ભુસકે વધી રહેલી મોંઘવારીની અસર ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચ પર પણ પડી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખી રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માટે મહત્તમ ચૂંટણી ખર્ચની મર્યાદાની લીમીટમાં ૩૫ થી લઈ ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે ચૂંટણીપંચના સચિવ મહેશ જોશી દ્વારા ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદાની લીમીટ જાહેર કરવામાં આવી છે.

Advertisement

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા દર વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો ચૂંટણીમાં કેટલી રકમ ખર્ચી શકશે તેની મર્યાદા જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધી કોર્પોરેશનની ચૂંટણી લડતો ઉમેદવાર મહત્તમ ૪ લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકતો હતો જેમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે કોર્પોરેશનની ચૂંટણી લડતો ઉમેદવાર વધુમાં વધુ ૬ લાખ સુધીનો ખર્ચ કરી શકશે.

Screenshot 3 1

આ ઉપરાંત ૯ થી વધુ વોર્ડવાળી નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવાર માટે અગાઉ ચૂંટણી ખર્ચની મર્યાદા ૧.૫૦ લાખ હતી જે વધારી ૨.૨૫ લાખ કરવામાં આવી છે. જ્યારે ૯ વોર્ડ સુધીના નગરપાલિકા માટે ચૂંટણી ખર્ચની મર્યાદા જે અગાઉ ૧ લાખ હતી તે રૂા.૧.૫૦ લાખ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા જે અગાઉ ૨.૫૦ લાખની હતી તે વધારી સીધી ૪ લાખ કરી દેવામાં આવી છે. જ્યારે તાલુકા પંચાયતના ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા જે ૧.૨૫ લાખ હતી તે વધારીને ૨ લાખ કરવામાં આવી છે. હવે કોર્પોરેશનની ચૂંટણી લડતો ઉમેદવાર ચોપડે ૪ લાખને બદલે ૬ લાખ સુધી ચૂંટણી ખર્ચ બતાવી શકશે.

ગઈકાલે સાંજે ચૂંટણીપંચના સચિવ મહેશ જોશી દ્વારા ખર્ચ મર્યાદા અને સ્ટાર પ્રચારકોના પ્રવાસ ખર્ચ અંગે માર્ગદર્શક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ખર્ચની મર્યાદામાં વધારો કરતા ઉમેદવારોને થોડી ઘણી રાહત મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.