Abtak Media Google News

સાચી સેના કઈ?

શિંદેએ શિવસેનાની કાર્યકારિણીનું વિસર્જન કરીને પોતાની નવી કાર્યકારિણીની જાહેરાત કરી, તેમાં અધ્યક્ષ તરીકે ઉદ્ધવને જ સ્થાન અપાતા આશ્ચર્ય

મહારાષ્ટ્રના નવનિયુક્ત મુખ્યમંત્રી અને નવી શિવસેનાના સર્જક એવા એકનાથ શિંદેએ શિવસેનાની કાર્યકારિણીનું વિસર્જન કરીને પોતાની નવી કાર્યકારિણીની જાહેરાત કરી હતી.  ખાસ વાત એ છે કે શિંદેએ ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના અધ્યક્ષ બનાવ્યા છે. બીજી તરફ શિંદે જૂથ નવી રાષ્ટ્રીય કાર્યકારિણી દ્વારા પસાર કરાયેલા ઠરાવ અંગે આજે ચૂંટણી કમિશનને મળવા જવાનું છે.

સોમવારે એકનાથ શિંદેએ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં તેમના જૂથના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.  આ બેઠકમાં શિવસેનાના 14 સાંસદોએ પણ ઓનલાઈન હાજરી આપી હોવાના અહેવાલ છે.  એ જ બેઠકમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાની કાર્યકારી સમિતિને હટાવીને તેના સ્થાને તેમની નવી કાર્યકારિણીની રચના કરવાની જાહેરાત કરી હતી.  પોતાના સિવાય શિંદેએ શિવસેનાના હાંકી કાઢવામાં આવેલા નેતાઓ રામદાસ કદમ અને આનંદરાવ અડસુલને પાર્ટીના ’નેતા’ પદ પર પુન:સ્થાપિત કર્યા છે.  ઉદય સામંત, ગુલાબરાવ પાટીલ, શિવાજીરાવ અદલરાવ પાટીલ, વિજય નાહટા, શરદ પોંકશે, તાનાજી સાવંત અને યશવંત જાધવને નાયબ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  દીપક કેસરકરને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેને આંચકો આપતા શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી રામદાસ કદમે સોમવારે પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે.  ઠાકરેને લખેલા પત્રમાં કદમે તેમના પર સમય ન આપવા અને તેમને અને તેમના પુત્ર ધારાસભ્ય યોગેશ કદમનું વારંવાર અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.  એવું પણ લખવામાં આવ્યું છે કે જો આજે બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો આવું ન થાત.

આ પછી શિવસેનાના કેન્દ્રીય કાર્યાલયે પાર્ટીના સચિવ અને સાંસદ વિનાયક રાઉતના હસ્તાક્ષરવાળો પત્ર જારી કર્યો.  જેમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આદેશ પર પાર્ટીના બે નેતાઓ આનંદરાવ અડસુલ અને રામદાસ કદમને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર પાર્ટીમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી.  કદમના ધારાસભ્ય પુત્ર યોગેશ કદમ પહેલેથી જ શિંદે જૂથમાં સામેલ છે.

શિંદે જૂથના 12 સાંસદોએ અલગ ગ્રુપ બનાવ્યું

શિવસેનાના એક સાંસદે સોમવારે દાવો કર્યો હતો કે પાર્ટીના 19માંથી ઓછામાં ઓછા 12 સાંસદો લોકસભામાં એક અલગ જૂથ બનાવશે અને આ સંબંધમાં ઔપચારિક પત્ર સબમિટ કરવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળશે.  સાંસદે કહ્યું, ’અમે મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આયોજિત ઓનલાઈન મીટિંગમાં હાજરી આપી હતી.  અમે સાંસદ રાહુલ શેવાળેના નેતૃત્વમાં અલગ જૂથ બનાવવાનો નિર્ણય કર્યો છે.  તેઓ લોકસભામાં અમારા જૂથના નેતા હશે. બીજી તરફ સોમવારે રાત્રે ઉદ્ધવ જૂથના સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.  તેમણે લેખિતમાં વિનંતી કરી હતી કે અસલી શિવસેના ઉદ્ધવ ઠાકરેની છે, તેથી બળવાખોર સાંસદોની કોઈ વાત પર ધ્યાન ન આપવું જોઈએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.