Abtak Media Google News

જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગની સ્થાપના કરી વ્રજભકતોની ભકિતને સેવાના માધ્યમથી ઘર ઘરમાં જીવંત કરી છે. શ્રી વલ્લાચાર્ય મહાપ્રભુજીના ૧૭મા વંશજ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહોદયની અધ્યક્ષતામાં રાજકોટમાં રૈયા રોડ ખાતે શ્રીનાથજીની ભવ્ય હવેલી વ્રજધામનું નિર્માણ કરવામાં આવશે.

લગભગ ૩૦૦૦ વાર જેટલી વિશાળ જગ્યામાં રાજકોટની વૈષ્ણવ સંપ્રદાયની આ સૌથી વિશાળ હવેલી બનશે. તેમાં બાલપાઠશાળા, યુવા કેન્દ્ર, પુસ્તકાલય, કિર્તન પ્રશિક્ષણ કેન્દ્ર, સેવા સહાયતા કેન્દ્ર વગેરે અનેકવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવશે.

આ વ્રજધામ હવેલીના પ્રણેતા વૈષ્ણવ સમાજના યુવા પ્રેરણામૂર્તિ આચાર્ય દ્વારકેશલાલજી મહોદય મહાપ્રભુજીના ૧૭માં વંશજ છે. સંસ્કૃત વિષયમાં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યા બાદ શ્રીમદ ગીતા, શ્રીમદ ભાગવત, ઉપનિષદ તથા જયોતિષ શાસ્ત્રોનો ઉંડો અભ્યાસ કર્યો છે. સમગ્ર વૈષ્ણવ સમાજને સંગઠિત કરવા આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘની સ્થાપના કરી છે. જેની ભારત ઉપરાંત વિશ્ર્વના અનેક દેશોમાં શાખાઓ સ્થાપવામાં આવી છે.

સમગ્ર આફ્રિકાખંડની સૌપ્રથમ હવેલી શ્રી વલ્લભધામ નૈરોબીની સ્થાપના કરવાનો શ્રેય તેઓને ફાળે જાય છે. યુ.કે.ની સર્વપ્રથમ હવેલી વ્રજધામ તેમજ ઓસ્ટ્રેલિયાની સર્વપ્રથમ હવેલી નાથદ્વારાની સ્થાપના, અમેરીકા ખાતે પુષ્ટિમાર્ગનું સર્વપ્રથમ અલૌકિક સંકુલ કૃષ્ણધામની સ્થાપનાનો પ્રારંભ કરવામાં આવેલ છે જેના દ્વારા સમગ્ર અમેરિકાના વૈષ્ણવોનું વિશાળ સંગઠન ઉભુ કરવામાં આવશે એવું પુષ્ટિમાર્ગનું વિશિષ્ટ પ્રકારનું પ્રશિક્ષણ કેન્દ્ર આ સ્થાન બનશે. તેઓ દ્વારા વિદ્યાર્થી દતક યોજના વિશાળ પાયા પર ચલાવવામાં આવે છે. પુષ્ટિદર્શન દ્વિમાસિક પ્રકાશિત કરવામાં આવે છે.

આ વ્રજધામ હવેલીના નિર્માણની સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને વધાઈ આપવા માટે તા.૩૦ને રવિવારના રોજ રાત્રે ૮ થી ૧૧:૩૦ વાગ્યા સુધી શીતલ પાર્ક, બી.આર.ટી.એસ બસ સ્ટોપ પાસે, રામાપીરની ચોકડીથી આગળ, પારીજાત પાર્ટી પ્લોટની બાજુમાં, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ દિવ્ય ભજન સંઘ્યા દિપકભાઈ જોશી વૃંદ દ્વારા એવં વૈષ્ણવજન તો તેણે રે કહીએ એ વિષય પર દ્વારકેશલાલજી મહોદયના વચનામૃતનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષમાં વ્રજધામ હવેલીના નિકટ વૈષ્ણવો કાયમ માટે નિવાસ કરી શકે તે માટે વ્રજધામ એપાર્ટમેન્ટનું નિર્માણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.