Abtak Media Google News

વંદે ભારત ટ્રેન હવે ભારતીય રેલવેની ઓળખ બની ગઈ છે વંદે  ભારત ટ્રેન ’ભારતની મેક ઇન ઇન્ડિયા  પહેલને પ્રદર્શિત  કરે છે.. વંદે ભારત ટ્રેન હવે મોટા ભાગના વિસ્તારોમાં  દોડવા લાગી છે. અત્યંત આકર્ષક અને આધુનિક વંદે ભારત ટ્રેન અત્યાર સુધી માત્ર સિટિંગની સગવડ ધરાવતી હતી, પરંતુ હવે તેમાં સ્લીપર કોચ પણ આવશે. આગામી થોડા સપ્તાહમાં જ સ્લીપરની સુવિધા સાથે વંદે ભારત શરૂ થઈ જશે. સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી આ ટ્રેન તેની હાઈ સ્પીડ અને સેફ્ટી માટે જાણીતી છે.

રેલવેના સૂત્રોએ જણાવ્યું કે સ્લીપર કોચ સાથે વંદે ભારતનો એક પ્રોટોટાઈપ તૈયાર થઈ ગયો છે. બેંગલુરુ સ્થિત બીઈએમએલ ફેક્ટરી ખાતે આ કોચ તૈયાર થશે. એક વખત ડિઝાઈનને મંજૂરી મળી જાય ત્યાર પછી તેનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.

સ્લીપર કોચ શરૂ થતાં 1200 થી 1500 કિમી સુધી ટ્રેનને દોડાવી શકાશે

વંદે ભારતના સ્લીપર વર્ઝન માટે રેલવેએ ટેન્ડર બહાર પાડ્યા હતા હતા અને બીઈએમએલને 675 કરોડ રૂપિયાનું ટેન્ડર મળ્યું છે. તેના ભાગરૂપે રેલવેને 10 વંદે ભારત સ્લીપર ટ્રેન પૂરી પાડવામાં આવશે. 20 ઓક્ટોબર સુધીમાં આખી ટ્રેનનું સ્લીપર મોડેલ તૈયાર થઈ જશે તેમ માનવામાં આવે છે.

અત્યાર સુધી વંદેભારત ટ્રેનમાં માત્ર બેસવાની સુવિધા આવતી હતી. તેના કારણે આ ટ્રેન મોટા ભાગે 450થી 750 કિમી સુધી જ દોડાવવામાં આવતી હતી. દિલ્હી અને વારાણસી વચ્ચે દોડતી વંદે ભારત સૌથી લાંબો રૂટ ધરાવે છે. તાજેતરમાં ગુજરાતમાં જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરથી મુંબઈ વચ્ચે આ ટ્રેન પહેલેથી દોડે છે. હવે સ્લીપર ટ્રેન શરૂ થશે તો 1200થી 1500 કિમી સુધી પણ વંદેભારત ટ્રેન દોડાવી શકાશે.નવી સ્લીપર વંદે ભારતમાં 11 એસી- થ્રી ટિયર કોચ હશે જ્યારે ચાર અઈ ટુ ટિયર કોચ હશે. ચાલુ નાણાકીય વર્ષમાં જ આ નવા પ્રકારની ટ્રેન દોડવા લાગે તેવી શક્યતા છે. સેક્ધડ એસી તરીકે ઓળખવામાં આવતા અઈ ટુ-ટિયર કોચમાં પેસેન્જરોને લક્ઝરી અનુભવ થશે.

આ કોચનું રૂફ લાઈટિંગ, પેનલ, એસ્થેટિક વગેરે ટોપ ક્વોલિટીનું હશે જેથી લાંબા અંતર સુધી કોઈ થાક નહી લાગે.

વંદે ભારત ટ્રેનના કોચ બનાવવાનું કામ જેને સોંપાયું છે તે બીઈએમએલ તેની બેંગલુરુ સ્થિત કંપનીમાં ટ્રેનનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત ચેન્નાઈ ખાતે પણ આઈસીએફ કોચ બનાવવામાં આવશે. સંયુક્ત સાહસમાં કુલ 80 રેક તૈયાર કરવામાં આવશે. આઈસીએફ દ્વારા કોચ તૈયાર કરવા માટે જગ્યા અને મશીનરીની ફાળવણી કરી દેવામાં આવી છે. અહીં ઓટોમેટિક વ્હિલ લાઈન મશીન, પેઈન્ટ બૂથ, ક્રેન અને શેડ ઈન્સ્ટોલ કરવાનું કામ ચાલુ છે. રેલવે મંત્રાલયે ઘણા સમય અગાઉ કહી દીધું હતું કે વંદે ભારતને લાંબા અંતર પર દોડાવવાની યોજના છે અને તે માટે કંપનીઓને સજ્જ કરવામાં આવી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ વંદે ભારત ટ્રેન માં હવે સ્લીપર કોચ શરૂ થશે તેની વિગત અને ફોટો  ટ્વીટ કરી શેર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.