Abtak Media Google News

સિંહના સંવર્ધન અને સુરક્ષાની બાબતે સરકાર કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, બીજી બાજુ વનવિભાગ સિંહોની સુરક્ષા માટે રાત દિવસ એક કરી ફરજ બજાવતા હોવાની વાતો વચ્ચે  આઠેક મહિના આસપાસમાં જૂનાગઢના દક્ષિણ રેન્જમાં એક સિંહબાળ ની હત્યા કરી તેના નખ કાઢી લઈ સિંહબાળને જમીનમાં દફનાવી દઈ, નખને વેચી નાખ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં વન વિભાગ સામે અનેક પ્રશ્નાર્થો અને આક્ષેપો ઉઠવા પામ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં એક સિંહણ એ પોતાના સિંહ બાળને ફાંસલામાંથી બચાવવા માટે એક શખ્સ ઉપર કરેલા હુમલાને વન વિભાગને જાણ થયા બાદ ઘવાયેલા શખ્સને શોધવા જતા કોથળામાંથી બિલાડું નીકળ્યો હોય તેમ શિકારી ટોળકી દ્વારા ગોઠવવામાં આવેલા ૧૫ જેટલા ફાંસલા મળી આવ્યા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને વન વિભાગે ૩૮ લોકોની ધરપકડ કરી હતી જે તમામ હાલમાં જેલ હવાલે છે.

જો કે બાદમાં વન વિભાગે આ અંગે ગુનો નોંધી સોનિયા ગુલાબ પરમાર (ઉ.વ. ૩૩) વિજય હીરા પરમાર (ઉ. વ. ૨૨) સુલેમાન ગોપી પરમાર (ઉ. વ. ૩૭) તથા સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામના લાલજી પરમાર (ઉ.વ. ૪૨) અને જીવણ સિંહ લાલજી પરમાર (ઉ. વ. ૨૨) ની આ ગુના સબબ ધરપકડ કરી, ગઈ કાલે જૂનાગઢની કોર્ટમાં સાત દિવસની રિમાન્ડની માંગ સાથે વન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આ પાંચેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે.

વન વિભાગને એક સિંહ બાળ ઓછું થયું તેની ૮ મહિના સુધી ખબર ના પડી??

આજથી આઠ માસ અગાઉ ડુંગરપુર નજીક એક સિંહ બાળની હત્યા કરી હોવાનું ખુદ આરોપીએ કબૂલ્યું છે, પરંતુ આઠ માસ સુધી વન વિસ્તારમાં એક સિંહ બાળ ઓછું થયું છે તેની જાણ વનવિભાગને કેમ ન થઈ ? તે પણ એક પ્રશ્નાર્થ ઊભો કરે છે. કારણ કે સરકાર સિંહના પેટ્રોલિંગ માટે લાખો રૂપિયાના ડીઝલના અને પેટ્રોલના ધુમાડા કરે છે. આ ઉપરાંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, સાથોસાથ નિયમિત ફરેણુ અને મોટર સાયકલ દ્વારા પેટ્રોલિંગ પણ  કરવામાં આવતું હોવાનું વન વિભાગનાં ચોપડે નોંધાઈ છે તેમજ દર પૂનમે સિંહોની ગણતરી થતી હોવાની વન વિભાગ વાતો કરી રહ્યું છે ત્યારે આઠ મહિના સુધી આ સિંહબાળ ઓછું થયું હોવાની વનવિભાગને જાણ કેમ ન થઇ તે પ્રશ્ન પણ સિંહ પ્રેમીઓમાં ઉઠવા પામ્યો છે.

જૂનાગઢ વનવિભાગના દાવાઓ પોકળ સાબિત થયા?

ગત તારીખ ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ વન વિભાગે આ ઘટના ઘટયા બાદ સબ સલામત હોવાનો પોકળ દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે આવા નાના ફાસલાથી કોઈ સિંહ બાળ કે સિંહની હત્યા ન થાય અને આવી કોઈ સિંહ હત્યા કરવામાં આવી નથી અને સબ સલામત છે. પરંતુ ગઈકાલે અદાલતમાં રિમાન્ડ માટે જે કારણ દર્શાવવામાં આવ્યું છે તેમાં ખુદ વન વિભાગે અન્ય રાજ્ય કે અન્ય જિલ્લાના શિકારીઓ પણ આ ઘટનામાં સામેલ હોવાની શંકા દર્શાવી કરવામાં આવી છે, અને હવે ઘોડા વછુટયા પછી તબેલાને તાળાં મારવા જેવી વાતો કરી આ ઘટનામાં અન્ય રાજ્યના કે શહેરના કેટલા આરોપીઓ છે તે અંગેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.