Abtak Media Google News

ઉનાથી દવા લઈને પરત ફરતી વેળાએ સર્જાઈ કરુણાંતિકા: બાળકી સહિત ચાર ઘાયલ

 

વંથલી નજીક ઓઝતના પૂલ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના એએસઆઈ પંકજભાઈ દિક્ષીતનુ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકી સહિત ચાર લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ પોલીસકર્મીને કાળ ભેટતા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલી નજીક ઓઝતનાં પૂલ પાસે ગઈ કાલે સાંજના સમયે જીજે 18 બીએન 3571 અને રાજકોટની જીજે 03 કેએચ 1267 નંબરની બંને કાર વચ્ચે સિંગલ પટ્ટીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે બંને કારના ભૂકડા બોલી ગયા હતા. બનાવની જાણ થતાં ત્યાંથી પસાર થઈ રહેલા જૂનાગઢ નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિકભાઈ મશરૂએ 108ની રાહ જોયા વગર રાજકોટના એ.એસ.આઇ. પંકજભાઈ હીરાલાલ દિક્ષીત, કરણ અને મંથન પાડલીયા જ્યારે સામેની કારમાં બાળકી અને મહિલા ઘવાતાં તમામને પોતાની પીસીઆર વેનમાં જ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ પ્રાથમિક સારવારમાં જ પંકજભાઈ દીક્ષિતે દમ તોડયો હતો. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ઘટનાની જાણ થતા વંથલી પોલીસ મથકના પીએસઆઈ એસ.એન.સોનારા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. તો બીજી તરફ સિંગલ પટ્ટીમાં સર્જાયેલા અકસ્માતના પગલે ટ્રાફિકજામ થઈ જતાં પોલીસે મહાજાહેમતે ટ્રાફિક કલિયર કરાવ્યો હતો.

પોલીસે ઘટનાની નોંધ કરી રાજકોટ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પંકજભાઈ દીક્ષિત હાલ સીએલ પર હતા અને ઉનાથી દવા લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં રાજકોટ પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.