Abtak Media Google News

ગાંધીનગર નજીક આવેલા દેહગામના લીહોડા ગામે કેફી પીણું પીતા બે યુવકના મોત અને સાત જેટલાને ઝેરી અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લઠ્ઠાકાંડની આશંકા સાથે ગાંધીનગર રેન્જ આઇજી અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ લીહોડા દોડી ગયા છે. અસરગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે લીહોડામાં 108 ઇમરજન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પોલીસે કેફી પીણાના વેચાણ થતા સ્થળે દરોડો પાડવાનું શરુ કર્યુ છે.

ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્ર યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સહિતના સ્ટાફ લીહડા દોડી ગયા: એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખી: દેશી દારૂના અડ્ડા પર પોલીસના દરોડા

તાજેતરમાં જ બોટાદમાં ઝેરી કેમિકલનો નશો કરવાથી 35 જેટલા શ્રમજીવીઓના મોત અને નડીયાદના બિરોદરામાં આર્યુવેદિક સિરપ પીવાના કારણે 6 વ્યક્તિના મોત નીપજ્યાની ઘટનાથી સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે ગાંધીગનગર નજીકના લીહોડા ગામે કેફી પીણું પીવાના કારણે બે વ્યક્તિના મોતની ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઇ છે.લીહોડા ગામના વિક્રમસિંહ રંગતસિંહ ઝાલા નામના 35 વર્ષના યુવાન અને પાનાના મુવાડા ગામના કાંતિ ઉમેદસિંહ ઝાલા 42 વર્ષના નામના યુવકનું બંને મૃતકનું ગાંધીનગર હોસ્પિટલમાં  પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે બળવંતસિંહ ઝાલા (ઉ.વ.40), રાજુસિંહ ઝાલા (ઉ.વ.40), કાલાજી મોતીજી ઠાકોર (ઉ.વ.42),  ચેહરજી ગગાજી ઝાલા (ઉ.વ.70), મગરસિહ ઝાલા (ઉ.વ.42), વિનોદ ઠાકોર (ઉ.વ.45) અને વિક્રમ પ્રતાપસિંહ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તમામે નશો કરવા માટે કયાંથી કેફી પીણું મેળવ્યું હતું તેના નમુના લઇ એફએસએલની મદદ લઇ તપાસ હાથધરી છે.

લઠ્ઠાકાંડની આશંકા સાથે સમગ્ર ઘટનાની પોલીસે ગંભીરતા સાતે તપાસનો ધમધમાટ શરુ કરી કેફી પીણાના વેચાણ સ્થળે પોલીસે ઠેર ઠેર દરોડા પાડવાનું શરુ કયુ4 છે. કેફી પીણામાં ઇથાઇલ છે કે મિથાઇલની હાજરી છે તે અંગેનો ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા અભિપ્રાય મેળવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસસુત્રો જણાવી રહ્યા છે. બંને મૃતકે નશો કરવા માટે વધુ પડતું કેફી પીણું પીવાના કારણે મોત થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી સહિતના પોલીસ સ્ટાફ લીહોડા ગામે દોડી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.