Abtak Media Google News

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહી હતી.  10મી વાઇબ્રન્ટ સમિટમાં 41,299 એમઓયું થયા છે, જે કુલ કિંમત 26.33 લાખ કરોડ છે.

2022માં કોરોનાને કારણે મુલતવી રહેલી વાઇબ્રન્ટ સમિટમાં 18.87 લાખ કરોડનાં એમઓયુ મળી 98,540 પ્રોજેક્ટ માટે 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે થયા કરાર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એમઓયુનો કીર્તિમાન રચાયો છે. ગાંધીનગરમાં યોજાયેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26.33 લાખ કરોડ રૂપિયાનાં એમઓયુ થયાં છે, જ્યારે 2022માં કોરોનાને કારણે મુલતવી રહેલી વાઇબ્રન્ટ સમિટમાં 18.87 લાખ કરોડનાં એમઓયુ થયાં હતાં. આમ બન્ને મળીને કુલ 98,540 પ્રોજેક્ટ માટે 45 લાખ કરોડથી વધુ રોકાણ માટે એમઓયુ થતાં ગુજરાત સરકારે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. એમઓયુ સંદર્ભે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવી હતી.

જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ ગઈ કાલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન બાદ વિગતો જાહેર કરતાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાને પોતાના ટ્વીટ પરથી આંકડો આપ્યો છે. આ વખતે આપણે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. એ ટ્વીટ વાંચી સંભળાવું છું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં નવા કીર્તિમાન પાર કર્યા છે. 2022માં કોરોનાને કારણે મુલતવી રહેલી વાઇબન્ટ સમિટમાં 57,241 પ્રોજેક્ટમાં રૂપિયા 18.87 લાખ કરોડનાં રોકાણોનાં એમઓયુ કર્યાં હતાં અને વાઇબ્રન્ટ સમિટની આ દસમી સમિટમાં 41,299 પ્રોજેક્ટમાં 26.33 લાખ કરોડ રૂપિયાનાં રોકાણો માટેનાં એમઓયુ થયાં છે. આમ 98,540 પ્રોજ્કટ માટે 45 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ રોકાણ માટેનાં એમઓયુ કરીને આપણે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.’

તેમણે કહ્યું હતું કે ‘ત્રણ દિવસ દરમ્યાન વાઇબન્ટ ગુજરાત સમિટમાં 77 જુદી-જુદી ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં ભારત સરકારના 17 પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. 150 જુદા-જુદા સેમિનારનું આયોજન કર્યું હતું. 2800થી વધુ બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગનું આયોજન કર્યું હતું. 1400 બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટિંગ્સનું આયોજન થયું હતું. 13 રાજ્યોએ 6 સેમિનારનું આયોજન કર્યું હતું. 19 રાજ્યોમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.’

એમએસએમઇ રાજ્યનું બેકબોન : મુખ્યમંત્રી

વાઇબ્રન્ટ સમિટના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી વિઝનરી લીડર છે, નરેન્દ્ર મોદી બે કદમ આગળ વિચારનાર વિઝનરી છે. મહાત્મા મંદિર 3 દિવસ દેશ- વિદેશના મહેમાન માટે મહત્વનું બની રહ્યું છે. ગુજરાતને ગ્લોબલ સમિટ બનાવવાની શરૂઆત 2003માં થઈ, આજે 20 વર્ષ થયાં છે અને તેમાં ઉત્તરોતર વધારો થયો છે. એમએસએમઇ એ રાજ્યના ઈન્ડસ્ટ્રીની બેકબોન છે. 32 જિલ્લામાં વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ પણ યોજાઈ હતી. યુએઇના પ્રેસિડેન્ટની હાજરી હતી, તેમના એમઓયુંએ સબંધ વધાર્યો છે. ગુજરાત ગેટ વે ટુ ધ ફ્યુચર થયું છે, 50 ટકા એમઓયું ગ્રીન ગ્રોથના થયા છે, કેટલાક અગ્રણીઓએ ગુજરાતને પોતાનું ઘર કહ્યું છે.

વિકસિત ભારતનો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે : અમિત શાહ

વિકસિત ભારતનો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે. ગુજરાતઓ વેપાર માટે મશહૂર છે, પણ ગુજરાતના મંચ પરથી મનોજ સિંહા જમ્મુ-કાશ્મીર માટે મૂડીરોકાણ લઈ ગયા છે. ગુજરાતીઓને મારી ઉત્તરમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં મૂડીરોકાણ કરવાની વિનંતી છે. આપણે ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરી શકીએ છીએ, કેમ કે આપણા દેશનું હવામાન એ પ્રકારનું છે, જે 2040 સુધીમાં 40 મિલિયન ડોલર પહોંચવાનો અંદાજ છે, એમ વાઇબ્રન્ટ ગુજરાતના સમાપન પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. આ પ્રસંગે શાહે જણાવ્યું હતું કે હવે અમૃતકાળના સંકલ્પને પૂર્ણ કરવાની તક છે. ગુજરાત એ દેશનું મૂડીરોકાણ માટેનું સૌપ્રથમ સ્થળ છે. પીએમ મોદીએ દેશને નવી દિશા આપી છે. તેમણે જણાવ્યું હતું કે અમૃત કાર્ડની સૌથી પહેલી વાઇબ્રન્ટ ગુજરાતના સમારોહમાં ભાગીદાર થવા માટે સૌભાગ્યની વાત ગણાવી હતી. તેમણે કહ્યું કે હું પહેલી વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ હતો અને 10મીમાં પણ ઉપસ્થિત છું. આ 20 વર્ષમાં ગુજરાતના માધ્યમથી દેશના વિકાસનો પાયો નખાયો છે. વાઇબ્રન્ટ ગુજરાતના લક્ષને મોદીજીએ દિશા આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.