Abtak Media Google News

રાજકોટમાં હાર્દિક પટેલની મહાક્રાંતિ સભા: અમને કોંગ્રેસના એજન્ટ કહેવડાવામાં વાંધો નથી

વિધાનસભા ચૂંટણી નજીક આવતા પ્રચાર પ્રસારનું જોર વધતુ જાય છે. ભાજપ વિકાસના મુદે લોકો પાસે વોટ માંગી રહ્યો છે. જયારે કોંગ્રેસ વિકાસ ગાંડો થયો તેમ કહી વિરોધ કરે છે. ત્યારે રાજયમાં હજુ વિકાસનો જન્મ જ ન થયો હોવાનું ગઈકાલે રાજકોટ ખાતેની મહાક્રાંતિ સભામાં હાર્દિકે કહ્યું હતુ.

હાર્દિક પટેલે સભા સંબોધતા કહ્યું હતુ કે મેં જયારથી અનામત આંદોલનની શરૂઆત કરી ત્યારથી મને એવું લાગતું હતુ કે આંદોલન રાજકોટમાં નબળુ છે પરંતુ આજે આટલી મોટી સંખ્યામાં આવલે લોકોને જોઈને એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં પણ અનામત આંદોલન ખૂબજ મજબુત છે. હું લોકોને હવે કહી શકીશ સિંહને જોવા માટે ગીરમાં રૂપીયા બગાડવાની કાંઈ જરૂર નથી જો તા.૨૯ નવેમ્બરના રોજ રાજકોટના નાના મૌવા સર્કલ પર આવ્યા હોત તો તમને બબ્બર સિંહો જોવા મળત. હાર્દિક લોકોને સંબોધન કરતા હતુ કે ગામડાઓમાંથી, તાલુકાઓમાંથી, શહેરોમાંથી આવેલા તમામ સમાજ અને ૧૮ વર્ણના લોકોને હાર્દિક પટેલ જયશ્રી કૃષ્ણ, જય સરદાર, જય માતાજી, જય ભીમ કહીને આપનું સ્વાગત ક‚ છું. મારો સમય અહી આવવાનો સાંજના ૫ વાગ્યાનો નકકી કરાયો હતો. પરંતુ સાંજના ૭ વાગી ગયા અને તમે લોકો મારી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મને કોઈએ અહીંયાનો ફોટો મોકલ્યો તો મને ધીરજ ન રહી અને એમ થયું કે હવે તો જલ્દીથી જલ્દી જવું પડશે. નહિ તો સિંહનો ચહેરો નહિ જોવા મળે.

તમારી આવડી મોટી હાજરીને જોઈને હવે હું કહી શકીશ કે ૨૫ ઓગષ્ટ, જીએમડીસી ગ્રાઉન્ડ પછી કોઈ દિવસ યાદ રહેશે તો એ ૨૯ નવેમ્બર, રાજકોટની તારીખ છે. અમે કોઈ માટે બસની વ્યવસ્થા નથી કરી, જમવાની વ્યવસ્થા નથી કરી છતાં પણ તમે લોકો આવડી મોટી સંખ્યામાં હાજર રહ્યા તો હું ગર્વથી કહી શકુ કે રાજકોટ અમરી તાકાતને બમણી કરી છે. ઘણા બધા લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા કે આ સભાનું આયોજન ન થાય, મંજૂરી ન મળે પણ એમને નથી ખબર કે અમને મંજૂરી ન મળે તો સભા ન થાય તેવું નથી.

હાર્દિક પટેલે ભાજપ સરકાર પર મીઠો કટાક્ષ કરતા કહ્યુંં હતુ કે અહીયા જે ખેડુતો આવ્યા છે. તેમને હું પેલા અભિનંદન આપવા માંગું છું કે તમને કપાસનો ભાવ ૧૫૦૦ રૂ. મળી ગયો, તમને ૧૦૦ ટકા પાક વિમો મળી ગયો. અને તેનાથી તમે સધ્ધર થઈ ગયા તમારો છોકરો કોલેજમાંથી નિકળે અને તરત જ તેને રોજગાર મળી ગયો તમને બધાને એવું હશે કે હાર્દિક પટેલ એટલે કોંગ્રેસનો માણસ, હાર્દિક પટેલ એટલે ભાજપનો વિરોધી પરંતુ અમે શા માટે ભાજપનો વિરોધ કરીએ છીએ? અમે એટલે વિરોધ કરીએ છીએ કે આખા ગુજરાતમાં અમે ૧ કરોડ ૨૦ લાખની સંખ્યામાં છીએ. અમે તમને નોટ અને વોટ બંને આપ્યા છે.

તમને સરપંચથી લઈને પાર્લામેન્ટ સુધી પહોચાડયા છે. પરંતુ જયારે અમે અમારો અધિકાર માંગ્યો ત્યારે ૧૪ નિદોર્ષ યુવાનોને ગોળી મારી દેવાઈ, ૨૫ હજાર નિદોર્ષ યુવાનો પર કેસ ઠોકી દેવાયા, માતા બહેનાનું અપમાન કરાયું એટલે અમે ભાજપના વિરોધી છીએ. બીજો કોઈ વાંધો નથી પરંતુ જો આ વિરોધને લઈને અમને કોંગ્રેસનો એજન્ટ કહેવામાં આવતું હોય તો પણ કોઈ વાંધો નથી કેમકે અમે કોઈ આતંકવાદીઓને સહયોગ તો નથી જ આપતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.