Abtak Media Google News

રૂ.૩.૪૫ લાખની મતાની લૂંટમાં જાણભેદુની સંડોવણીની શંકા: કપાસના વેચાણની રોકડ રકમ અને ઘરેણાની લૂટ ચલાવી ફરાર

પડધરી તાલુકાના થોરીયાળી ગામે વાડીએ રહેતા વૃધ્ધ દંપત્તી પર ત્રણ અજાણ્યા શખ્સોએ લાકડીથી હુમલો કરી રોકડ અને સોનાના ઘરેણા મળી રૂા.૩.૪૫ લાખની મત્તાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટ મચી ગઇ છે. લૂંટમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે અને લૂંટારાઓને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના થોરીયાળી ગામની સીમમાં રહેતા વજીબેન અને તેમના પતિ નાનજીભાઇ શિંગાળા પોતાની વાડીએ રાત્રે સુતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા. ત્રણેય શખ્સોએ ધક્કો મારી ખોલી નાખ્યા બાદ વૃધ્ધ દંપત્તીને લાકડીથી માર મારી રૂા.૩.૪૫ લાખની લૂંટ ચલાવ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

વજીબેન અને તેમના પતિ નાનજીભાઇ પર ધોકાથી હુમલો કરતા બંને ઘવાયા હતા. વજીબેને કાનમાં પહેરેલા સોનાના બુટીયા ઝોટ મારી ખેચતા તેઓનો કાન લોહીલુહાણ થઇ હતો. વૃધ્ધ દંપત્તીને ધમકાવતા તેઓ ગભરાયા જતા ત્રણેય લૂંટારાઓએ નાનજીભાઇના ખિસ્સાનામાંથી પર્સ અને મોબાઇલ ની લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય શખ્સોએ દંપત્તીને ગોદડા ઓઢાડી સુવડાવી દીધા બાદ મકાનમાં વેર વિખેર કરી નાખ્યું હતું. તાજેતરમાં જ કપાસના વેચાણના રૂા.૩ લાખ રોકડા કબાટમાં રાખ્યા હતા તે લૂંટારાના હાથમાં આવી જતા કુલ રૂા.૩.૪૫ લાખની લૂંટ ચલાવી ધમકી દઇ ભાગી ગયા હતા.

વહેલી સવારે પુત્ર ગાય દોવા માટે વાડીએ આવ્યો ત્યારે તેને લૂંટની ઘટનાની જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લૂંટમાં સંડોવાયેલા ત્રણેય શખ્સો જાણભેદુ હોવાની શંકા સાથે પોલીસે નાકાબંધી કરાવી તપાસ હાથધરી છે. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા જુદી જુદી ટીમ બનાવી મોબાઇલ લોકેશન સહિતના મુદે પી.એસ.આઇ. વી.એમ.લગારીયા સહિતના સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પરપ્રાંતીય શ્રમિકો લૂંટ ચલાવતા હોવાની શંકા

વર્ષ દરમિયાન કરેલી ખેતીની ઉપજની રકમ ખેડુત મેળવે ત્યારે જ ગ્રામ્ય વિસ્તારમાં લૂંટના બનાવો વધી જતા હોય છે. સીમ ચોરીની ઘટના રોજીંદી બની ગઇ છે. તેમ છતાં નાની મોટી ચોરીના બનાવની ખેડુતો પોલીસમાં ફરિયાદ નોંધાવતા નથી ત્યારે વર્ષ આખાની ઉપજ લૂંટી જતા ખેડુત માટે વર્ષ પુરૂ કરવું કપરૂ બની જતું હોય છે. આવી ચોરી અને લૂંટની ઘટનામાં પરપ્રાંતિય મજુરો દ્વારા દિવસ દરમિયાન રેકી કરી લૂંટ ચલાવતા હોવાનું જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.