Abtak Media Google News

બુટલેગરનો સાગરીત દારૂ સાથે ઝડપાઈ જતાં ફરી એક વખત દારૂમાં પોલીસ ચોપડે ચડતા સોરઠીયા વાડી ગાર્ડનમાં વખ ઘોળ્યું

દારૂના ગુનામાં વોન્ટેડ બુટલેગર પાસે જામીન પર છૂટવાના ખર્ચ ન હોવાથી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. બુટલેગરનો સાગરીત દારૂ સાથે ઝડપાઈ જતાં ફરી એક વખત દારૂમાં પોલીસ ચોપડે ચડી જતા સોરઠીયા વાડી પાસે પવન પુત્ર ચોક ગાર્ડનમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોરઠીયા વાડી પાસે આવેલા પવન પુત્ર ચોક ગાર્ડનમાં કોઈ યુવાને દવા પી લીધા હોવાનુ એક રીક્ષા ચાલકને ધ્યાનમાં આવતા તેને યુવકના મોબાઈલમાંથી તેના મિત્રને ફોન કરી ગાર્ડન બોલાવ્યો હતો.

જેથી ઝેર પી જનાર દેવપરામાં રહેતો વિપુલ લખમણ મકવાણા (ઉ.વ.30) હોવાનુ જાણવા મળ્યુ હતું. વિપુલ મકવાણા ગઇ કાલ રાતથી જ ઘરેથી નીકળી ગયો હતો અને ગાર્ડનમાં ઝેર પી લેતા તેને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેથી યુવાનના મિત્રએ જણાવ્યું હતું કે વિપુલ અગાઉ ભક્તિનગર પોલીસ મથકમાં દારૂના ગુનામાં ઝડપાયો હતો.

ત્યાર બાદ તે જામીન પર છૂટી ગયો હતો. પરંતુ વિપુલે તેના સાગરીત સાથે ફરી દારૂ મંગાવ્યો હતો. પરંતુ સાગરીત પણ ફરી દારૂ સાથે ઝડપાતા વિપૂલની સામે પ્રોહિબિસનનો ગુનો નોંધાયો હતો. જેથી તેની પાસે હવે જામીન પર છૂટવાના પણ પૈસા ન હોવાથી ગાર્ડનમાં જઈ વખ ઘોળ્યું છે. આ ઘટના અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.