Abtak Media Google News

પૂ. હિરાબાઈ મહાસતીજીની 91મી જન્મ જયંતિ તથા 72મી દિક્ષા જયંતી અવસરે

રાજકોટ સહિત સમગ્ર રાજયમાં પુ. હિરાબાઈ મહાસતીજીની 91મી જન્મજયંતિ અને 72મા દિક્ષા જયંતી અવસરે વિવિધ કાર્યક્રમો સાથે ભાવભેર ઉજવણી થઈ રહી છે.

Advertisement

શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ  દ્વારા ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત  તપજપ આરાધનાનો ધર્મમય માહોલ રચાશે

ગોંડલ સંપ્રદાયના પૂ. ડુંગર દરબારનાં સાહિત્ય પ્રેમી પૂ.દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ, પૂ.ધીજમુનિ મ.સા., ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.  બોટાદ સંપ્રદાયનાં પૂ.જયેશમુનિ મહારાજ સાહેબ આદિ પૂ. ગુરુદેવો તથા બૃહદ રાજકોટમાં બિરાજીત વિશાળ સતિવૃંદની નિશ્રામાં આગામી તા.13,14,15 જાન્યુઆરી 2023નાં રોજ ગોંડલ સંપ્રદાયનાં તીર્થ સ્વરૂપા, સુદીર્ધ દીક્ષા પર્યાયધારી વડેરા સાશનચંદ્રીકા ગુરુણી મૈયા બા.બ્ર.પૂ. હિરાબાઈ મહાસતીજીની 91મી જન્મ જયંતિ, 72મી દિક્ષા જયંતી   સરદારનગર સંઘનાં 50માં સુવર્ણ જયંતિ વર્ષે તપ-ત્યાગ, ધર્મધ્યાન, માનવતા, જીવદયા આદિના અનેક સત્કાર્યો સાથે ત્રિદિવસીય મહોત્સવ આયોજીત કરેલ છે.

તા.13-1-2023ને શુક્રવારનાં રોજ સવારે 9.30 કલાકે સરદારનગર ઉપાશ્રય ખાતે વ્યાખ્યાન તથા ત્રિરંગી સામાયિક, ત્યારબાદ બપોરે 11.30 કલાકે બૃહદ રાજકોટના જૈન ભાવિકો માટે આયંબિલ તપનું આયોજન રાખેલ છે, ઉપરાંત રાજકોટની સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરીઆતમંદ 500 પરિવારોને રાશનકીટ વિતરણ કરવામાં આવેલ છે. આ સામૂહિક આયંબિલ તપ તથા સ્લમ વિસ્તારની રાશનકિટનાં અનુમોદક દાતા માતુશ્રી ગિરજાબેન જમનાદાસભાઈ દામાણી પરિવારએ લાભ લીધેલ છે.

તા.14-1-2023ને શનિવારનાં રોજ સવારે 5.30 કલાકે સરદારનગર ઉપાશ્રય ખાતે રાઈસી પ્રતિક્રમણ, સવારે 9.30 કલાકે વ્યાખ્યાન, પૂ.હિરાબાઈ મહાસતીજીનાં જીવન ઉપર મહિલા મંડળનાં બહેનો દ્વારા સંવાદ ત્યારબાદ બપોરે 11.30 કલાકે બૃહદ રાજકોટના આશરે 700 સાધર્મિક ભાવિકો તેમજ ઉપાશ્રયનાં કર્મચારીઓને માતુશ્રી કમળાબેન શામળદાસભાઈ મહેતા પરિવાર અ.સૌ. રુનાબેન નૌશીતભાઈ મીઠાણી પરિવાર  (પૂ.સ્મિતાબાઈ મ. નાં સંસારી પરિવારજનો) આદર્શ ગુરુભકત માતુશ્રી નીરૂબેન વિરેન્દ્રભાઈ સંઘવી પરિવાર  તરફથી રાશનકિટ વિતરણ તેમજ માતુશ્રી સુશીલાબેન અનોપચંદભાઈ મહેતા – બેંગલોર તથા શ્રીમતિ સરોજબેન મહેન્દ્રભાઈ મહેતા – બેંગલોર (પૂ.હિરાબાઈ મ., પૂ.નંદાબાઈ, પૂ.જ્યોતિબાઈ મ.નાં સંસારી બહેનો) તરફથી બ્લેન્કેટ વિતરણ કરવામાં આવનાર છે. ઉપરાંત રાજકોટની વિવિધ સંસ્થાઓ જેમ કે વિરાણી બહેરા મુંગા શાળા, મંદબુઘ્ધી બાળકોના આશ્રમ, શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ, વૃધ્ધાશ્રમ, કેન્સર હોસ્પિટલ, ટીબી હોસ્પિટલ, સિવીલ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, કરૂણા ફાઉન્ડેશન, રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરીત અર્હમ રોટી અભિયાન સહિત અનેકવિધ માનવસેવા, જૈન શાસનની કુળદેવી જીવદયા રૂપે મહાજન પાંજરાપોળ ઉપરાંત અન્ય અનેક ગૌશાળામાં અનુદાન અર્પણ કરવામાં આવશે, તદ્ઉપરાંત 1000 બાળકોને લાડવા-ગાંઠીયાનાં પેકેટ પણ વિતરણ કરવામાં આવનાર છે.

તા.15-1-2023ને રવિવારનાં રોજ ટાગોર રોડ ઉપર આવેલ વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ ડુંગર દરબારમાં ગોંડલ સંપ્રદાયનાં તીર્થ સ્વરૂપા, સુદીર્ધ દીક્ષા પર્યાયધારી વડેરા સાશનચંદ્રીકા ગુરુણી મૈયા બા.બ્ર.પૂ. હિરાબાઈ મહાસતીજીની 91મી જન્મ જયંતિ, 72મી દિક્ષા જયંતી અવસરે શુભેચ્છા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ સમારોહમાં ગોંડલ સંપ્રદાયના પૂ. ડુંગર દરબારનાં સાહિત્ય પ્રેમી પૂ.દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ, પૂ.ધીરજમુનિ મ.સા., ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા., ક્રાંતિકારી સંત પૂ.પારસમુનિ મ.સા., બોટાદ સંપ્રદાયનાં પૂ.જયેશમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા પૂ. ગુરુદેવો તથા બૃહદ રાજકોટમાં બિરાજીત વિશાળ સતિવૃંદની નિશ્રાનાં બૃહદ રાજકોટનાં વિવિધ સંઘોનાં પદાધિકારીશ્રીઓ, જૈન સમાજનાં શ્રેષ્ઠીઓ, આમંત્રીતો ઉપરાંત મસ્કત, મુંબઈ, કલકતા, ઈન્દોર, અમદાવાદ અને  સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી અનેક ભાવિકો પધારશે. શુભેચ્છા સમારોહ બાદ પધારેલ સૌ શ્રાવક-શ્રાવિકાઓ માટે ગૌતમ પ્રસાદનું આયોજન કરેલ છે. સમગ્ર મહોત્સવનાં દાતા તરીકે માતુશ્રી ગિરજાબેન જમનાદાસભાઈ દામાણી પરિવારએ લાભ લીધેલ છે. તો સર્વે ભાવિકોએ વધુમાં વધુ લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે.

તીર્થ સ્વરૂપા, શાસનચંદ્રિકા ગુરુમૈયા પૂ. હીરાબાઇ મહાસતીજીની આછેરી ઝલક

આવા પૂ. ગુરુણીમૈયા હીરાબાઇ મ.સ., સાવજની ડણકથી ગાજતી સૌરાષ્ટ્રની ધન્ય ધરા પર અનેક મધુર સ્મૃતિઓની સાથે અનેક પૂ. સાધુ-સાધ્વીજીઓના, મહાપુરુષોના, કવિઓના, લેખકોના, શ્ાૂરવીરોના સર્જનથી ધબકતા રાજકોટની પુણ્યભૂમિ પર ધર્મનિષ્ઠ માતા ગીરજાબેન તથા સરલ સ્વભાવી પિતાશ્રી જમનદાસભાઇ દામાણીના પરિવારમાં પાંચ પુત્રોના લાડકવાયા બહેન તરીકે હીરાબહેને તા.14-1-1933 ના મકર સંક્રાંતિના પાવન દિને જન્મ ધરી માતા-પિતાને ધન્ય બનાવ્યા. ગૌરવવંતા દામાણી પરિવારની આન-બાન અને શાન બન્યા,  રાજકોટની બાઇસાહેબા સ્કૂલમાં અભ્યાસ કરતા હીરાબેન કવિયત્રી પૂ. ઝવેરબાઇ મ.સ. ના પરિચયમાં આવ્યા પૂ. ગુરુણીશ્રીના વિદ્વતાસભર પ્રવચનો, વૈરાગ્ય દેશનાથી રંગાઇ વૈરાગ્ય પ્રગટયો, અને આજથી 72 વર્ષ પહેલા તા.28-1-1951, રવિવારના રોજ રાજકોટ ખાતે સંયમી બન્યા. ગુરુ હૃદયમાં સ્થાન પામી પ્રખર જ્ઞાની બન્યા, ગુરુકૃપાના પ્રતાપે સમસ્ત ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, બંગાળ, બિહાર, ઓરિસ્સાનાં નાના ગામડા થી લઈ શહેરોમાં પાદ વિચરણ કરતા એક લાખ કિ.મી. નો વિહાર કરી જિનશાસનની ધ્વજાને લહેરાવી છે, તેઓશ્રીના વિદ્વતા સભર વ્યવહારથી અનેક ભવ્ય આત્માઓ સંયમી બન્યા તેઓશ્રીના બે લઘુ ભગીની બા.બ્ર.પૂ. નંદાબાઇ મ.સ. બા.બ્ર.પૂ. જયોતિબાઇ મ.સ., ઉપરાંત પૂ.હંસાબાઈ મ.સ., પૂ.રંજનબાઈ મ.સ., પૂ.જશુબાઈ મ.સ., પૂ.હસ્મીતાબાઈ મ.સ., પૂ.ઉષાબાઈ મ.સ., પૂ.ભારતીબાઈ મ.સ., પૂ.પલ્લવીબાઈ મ.સ., પૂ.સ્મિતાબાઈ મ.સ., પૂ.સોનલબાઈ મ.સ., પૂ.પ્રશન્નતાબાઈ મ.સ., પૂ.રૂપલબાઈ મ.સ., પૂ.રત્નજ્યોતજી મ.સ. શિષ્યાઓના ગુરુણીપદે બિરાજમાન પૂ.ગુરુણીશ્રીએ અત્યાર સુધી હજારો પ્રવચનો આપી સુધર્મા સ્વામીની પાટને શોભાવી સુમધુર કંઠે ગવાતા તેમના સ્તવનો સાંભળવા એ જીવનનો અનુપમ લહાવો બની જાય છે. તેઓશ્રી આવી જૈફ વયે પણ ચાતુર્માસ, ઓળી, શ્ોષકાળમાં હજુપણ સરસ શાસન પ્રભાવનાથી સંઘોની શાન વધારી રહ્યા છે. વર્તમાને શ્રી સરદાર નગર સંઘની સુવર્ણ જયંતી વર્ષે શ્રી ચાતુર્માસ આપી સંઘને ચાર ચાંદ લગાવ્યા છે. આવા પૂ. ગુરુણીશ્રીના દર્શન કરવા એ જીવનનું સૌભાગ્ય, તેઓશ્રીની વાણી સાંભળવી એ મહા ભાગ્ય છે. તેઓશ્રીની કૃપા મેળવવી એ સદ્ભાગ્ય છે. અને તેઓશ્રીના 91 મા જન્મોત્સવ તથા 72માં સંયમોત્સવમાં આવવું એ પરમ ઉત્તમ ભાગ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.