Abtak Media Google News
પાણી છેક વચ્છ રાજબેટ સુધી પહોંચતાં નર્મદાના લાખો ગેલન પાણીનો બેરોકટોક વ્યય

સમગ્ર ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જીલ્લાને અને એમાય સૂકાભઠ્ઠ ગણાંતા રણકાંઠા વિસ્તારને થયો હોવાની નર્મદા વિભાગ દ્વારા ગુલબાંગો ફૂંકવામાં આવે છે. ત્યારે રણમાં દર વર્ષે લાખો ગેલન નર્મદાનું પાણીનો બેરોકટોક વ્યય થાય છે.

આ વર્ષે હાલમાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં છેક 40 કિમીમાં નર્મદાનું પાણી ફરી વળતા તબાહીનું મંજર જોવા મળ્યું હતું. એક બાજુ અભયારણ્ય વિભાગ ઘૂડખરને નુકસાન થવાનું જણાવી મીઠું પકવતા અગરિયાઓ માટે જમીનની અંદર પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી આપતું નથી.

બીજી બાજુ રણમાં નર્મદાનું પાણી વેડફાતા હજારો અગરિયા પરિવારો પાયમાલ અગરિયાઓ માટે એકબાજુ કૂવોને બીજી બાજુ ખાઇ જેવો હાલ થવા પામ્યાંછે.આ દયનીય પરિસ્થિતિના લીધે અગરિયા સમુદાયને સામૂહિક હિજરત કરવાની નોબત આવી છે.રણમાં મીઠું પકવતા અગરિયાઓની વર્ષોની આ વિકટ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી કે તંત્ર કાંઈ જ ધ્યાન આપતું નથી.

આખા જીલ્લાની ખેતીને પૂરૂ પાડી શકે એટલું પાણી વેડફાય છે

આ અંગેની પ્રાપ્ત ચોંકાવનારી હકીકત મુજબ, આખા સુરેન્દ્રનગર જીલ્લાની ખેતીને આખું વર્ષ જેટલું પાણી જોઇએ એનાથી પણ વધારે નર્મદાનું પાણી દર વર્ષે રણમાં બેરોકટોક વેડફાઇ રહ્યું છે. આ અંગે તંત્રને અનેકો વખત કરાયેલી રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરે છે.

2017માં નર્મદાના નીરથી 136 અગરિયાને દોઢથી બે કરોડનું નુકસાન પહોંચ્યું હતું

2017માં રણમાં નર્મદાના નીર અગરિયાઓના પાટામાં ફરી વળતા કલેક્ટર દ્વારા એક કમિટી બનાવી રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાના નીરથી થયેલી નુકસાનીનો સરવે કરાયો હતો. જેમાં નર્મદાનું આ પાણી રણમાં 70 કિમી સુધી ફરી વળતા સરવેમાં અંદાજે 136 જેટલા અગરિયાઓને રૂ. દોઢથી પોણા બે કરોડનું નુકસાન થયું હતું. પરંતુ આજ દિન સુધી અગરિયાઓને રાતી પાઇ પણ સહાય મળી નથી, એ પણ ચોંકાવનારું સત્ય છે.

નર્મદાના નીરથી દેગામ સહિતના રણમાં દોઢસોથી વધુ પાટાઓ બનતા બંધ થયા

ખારાઘોડા રણમાં દેગામ, સવલાસ અને હિંમતપુરા તથા અંબિકા રણમાં દર વર્ષે નર્મદાનું ચિક્કાર પાણી આવતા દેગામ સહિતના રણમાં અગરિયાઓ દ્વારા પકવવામાં આવતા દોઢસોથી વધુ જેટલા મીઠાના પાટા છેલ્લા પાંચેક વર્ષથી બંધ થતાં એ અગરિયા પરિવારોને મજૂરી કામ અર્થે સામુહિક હિજરત કરવાની નોબત ઉભી થઇ હતી.  બચુભાઇ દેગામા, અગરિયા આગેવાન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.