યજ્ઞમાં આહુતિ આપતી વખતે ‘સ્વાહા’ બોલવાનો અર્થ શું ?

હિન્દુ ધર્મમાં કોઇપણ અનુષ્ઠાન અને શુભ કાર્યને હવન અથવા યજ્ઞ વગર અધુરુ માનવામાં આવે છે. પછી તે સત્યનારાયણની કથા હોય અથવા કોઇ નવીન કાર્યની શરૂઆત, હવન દરમિયાન જેટલી વાર આહુતિ નાખવામાં આવે છે એટલી વાર મંત્રના અંતમાં ‘સ્વાહા’ પણ બોલવામાં આવે છે. પરંતુ આપણને કયારેય એવો પ્રશ્ર્ન નથી થતો કે પ્રત્યેક મંત્રના અંતમાં બોલવામાં આવતો શબ્દ ‘સ્વાહા’નો અર્થ શું થાય છે. તો ચાલો આજે આપણે ‘સ્વાહા’શબ્દના અર્થ વિશે જાણવાની કોશિશ કરીએ.

‘સ્વાહા’ શબ્દનો અર્થ થાય છે કોઇ વસ્તુને યોગ્ય રીતે વડે અન્ય સુધી પહોચાડવું, સરળ ભાષામાં કહીએ તો જરુરી ભૌગિક પદાર્થને તેના પ્રિયજન સુધી પહોચાડવી, હવનમાં સ્વાહા શબ્દના ઉચ્ચારણનું વર્ણન શ્રીમદ્દ ભાગવત તથા શિવપુરાણમાં કરવામાં આવ્યું છે. કહેવાય છે કે કોઇપણ ધાર્મિક અનુષ્ઠાનમાં મંત્ર પાઠ કરતી વખતે સ્વાહા કહીને જ હવન સામગ્રી અર્ઘ્ય અથવા ભોગ લગાવવો જોઇએ.

 

‘સ્વાહા’ બોલવા પાછળનું કારણ

અગ્નિ દેવતાની પત્નીનું નામ સ્વાહા છે તેથી હવનમાં દરેક મંત્ર બાદ તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ખરેખર વાત એમ છે કે કોઇપણ યજ્ઞ અથવા હવન ત્યાં સુધી સફળ નથી માનવામાં આવતો, જયાં  સુધી હવનનો ભોગ દેવતા ગ્રહણ ન કરી લે, પરંતુ દેવતાઓ ભોગ ત્યારે ગ્રહણ કરી શકે છે.

જયાં સુધી તેને અગ્નિ દ્વારા સ્વાહાના માઘ્યમ દ્વારા અર્પણ ન કરવામાં આવે. પૌરાણિક કથાનુસાર સ્વાહા દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. તેમના વિવાહ અગ્નિદેવ સાથે કરવામાં આવ્યા હતા. અગ્નિદેવ પોતાની પત્ની સ્વાહાના માઘ્યમથી જ દરેક ચીજગ્રહણ કરે છે. એટલું જ નહીં પુરાણોમાં દર્શાવાયું છે કે હવન દ્વારા આહવાન કરવામાં આવેલ દેવતાને ભોગ પણ સ્વાહાના માઘ્યમથી જ પ્રાપ્ત થાય છે.

એ સિવાય ‘સ્વાહા’ને ભગવાન શ્રીકૃષ્ણએ વરદાન આપ્યું હતું કે, જો કોઇ મંત્ર-જાપ દરમિયાન સ્વાહાનું ઉચ્ચારણ નહી કરી તો તનું જત-તપ ફળદાયી નહી રહે, ધાર્મિક માન્યતાનુસાર યજ્ઞમાં હવન સામગ્રીની સાથે ખીર, પુરી અને નારિયેળ વગેરે ચડાવવામાં આવે છે. એવી માન્યતા છે કે હવનમાં આ ચીજોને અગ્નિદેવને સમર્પિત કરવાથી ભોગ દેવતાઓ સુધી પહોંચી જાય છે.