Abtak Media Google News

પોલીસે સમગ્ર તપાસ બંધ બારણે કરી મહિલા એએસઆઇના પરિવારજનો આવે તે પહેલાં મૃતદેહ પોસ્ટમોર્ટમમાં કેમ ખસેડાયો?

મૃતકના મોબાઇલના કોલ ડીટેઇલ પ્રમાણિક રીતે જાહેર કરવામાં આવે તો કેટલીક સ્ફોટક વિગતોનો પર્દાફાશ થાય

યુનિર્વસિટી પોલીસ મથકના મહિલા એએસઆઇની હત્યા અને કોન્સ્ટેબલની આત્મહત્યાના બનાવની પોલીસ દ્વારા ભેદી અને શંકાસ્પદ રીતે થયાનું સામે આવ્યું છે. મહિલા એએસઆઇના પિતાએ મૃતદેહ જેમની તેમ સ્થિતીમાં રાખવાનું ફોનમાં જણાવ્યું હોવા છતાં પોલીસે કેમ ઉતાવળ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી દીધા સહિતની કેટલીક બાબતોના કારણે સમગ્ર તપાસ ચોકકસ ઇશારે અને દબાણ નીચે થતી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

Advertisement

કાલાવડ રોડ પર આવેલા પંડિત દિનદયાલનગર આવાસ યોજનાના કવાર્ટરમાં યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા એએસઆઇ ખૂશ્બુબેન કાનાબાર અને પરિણીત કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ગોળી ધરબાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.

બનાવ સજોડે આત્મહત્યાનો છે?, હત્યા કર્યા બાદ આત્મહત્યાનો છે? કે બંનેની અન્ય કોઇ હત્યા કરી ફરાર થયું તે અંગેની ઉંડી તપાસ માટે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને એફએસએલની મદદ લીધી હતી.

દરમિયાન ઘટના સ્થળે એએસઆઇ ખૂશ્બુબેન કાનાબારના માથામાં ગોળી લાગવાના કારણે મોત થયું હતું અને કોન્સ્ટેબલને લમણે ગોળી લાગી આરપાર નીકળી હોવાથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પ્રથમ દ્રષ્ટ્રીએ જ એએસઆઇ ખૂશ્બુબેન કાનાબારની હત્યા તેના પરિણીત પ્રેમી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાએ કર્યા બાદ પોતે આત્મહત્યા કર્યાનું જણાતા પોલીસે સત્ય વિગતો છૂપાવવાના ઇરાદે અથવા મૃતકની આબરૂ બચાવવા પોલીસ દ્વારા સમગ્ર તપાસને રફેદફે કરવાના હીન પ્રયાસ શરૂ કરાયા હોવાનું જાણકારો કહી રહ્યા છે.

ઘટના સ્થળથી અખબારના પ્રતિનિધિઓને કલાકો સુધી દુર રાખવામાં આવ્યા હતા. અને એએફએલની તપાસ ચાલુ હોવાનું બહાનું આગળ ધરવામાં આવ્યું હતુ. એએસઆઇ ખૂશ્બુબેન કાનાબારના પિતા રાજેશભાઇને પોલીસ દ્વારા મોત અંગેની જાણ કરવામાં આવી ત્યારે જ તેઓએ મૃતદેહ હટાવવો નહી અને તે આત્મહત્યા ન કરે તેમ સ્પષ્ટ જણાવ્યું હોવા છતાં રાજેશભાઇ કાનાબાર રાજકોટ ઘટના સ્થળે પહોચે તે પહેલાં પોલીસે મહિલા એએસઆઇ ખૂશ્બુબેનનો મૃતદેહ કેમ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો તે અંગે પોલીસ દ્વારા ભેદી મૌન સેવવામાં આવી રહ્યું છે.

હત્યા અને આત્મહત્યાની ઘટના અંગે પોલીસે હજી સુધી માત્ર એડી નોંધ રાખી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને એફએસએલના અભિપ્રાય બાદ જ ગુનો નોંધવા તપાસ આગળ વધારી નથી પણ મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોચતો કરવાની પોલીસે ઉતાવળ કરી સમગ્ર તપાસને રફેદફે કરવાનો હીન પ્રયાસ કર્યાના આક્ષેપ થઇ રહ્યા છે.

એએસઆઇ ખૂશ્બુબેન કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના મોબાઇલના કોલ ડીટેઇનલની તપાસ થાય તો પણ કેટલીક સ્ફોટક વિગતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. ખૂશ્બુબેન કાનાબારના પિતા રાજેશભાઇ રાજકોટ આવતા ત્યારે તેમની સાથે રવિરાજસિંહ જાડેજા હોટલમાં જમવા જતા તેમજ ખૂશ્બુબેન કાનાબારને જામજોધપુર મુકવા અને તેડવા પણ કાર લઇને રવિરાજસિંહ જાડેજા જતા હોવાનું જાણકારો કહી કેટલીક બાબત શંકાસ્પદ હોવા છતાં તપાસનીશ પોલીસ પર દબાણ લાવી તપાસને બીજા પાટે ચડાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.