Abtak Media Google News

ડિજિટલ સેવાઓનો વ્યાપ વધ્યો પણ હજુ પણ ડેટા સંગ્રહમાં આપણે પાછળ, હવે રહી રહીને કંપનીઓમાં ડેટા સેન્ટરો ખોલવાની હોડ જામી

ભારતમાં ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. પરંતુ કમનસીબે ડેટા સંગ્રહ શક્તિમાં હજુ પણ આપણે પછાત છીએ. જો કે હવે રહી રહીને ડેટા સેન્ટરોની જરૂરિયાત સમજાતા કંપનીઓએ આ તરફ દોટ મૂકી છે.

ભારત એક ઉચ્ચ-વૃદ્ધિવાળું માર્કેટ છે. વિકાળ તરફ દેશની સતત આગેકૂચમાં ડિજિટલાઇઝેશનનો મહત્વપૂર્ણ ફાળો છે. ઝડપથી વધી રહેલા ડેટા વપરાશ, અર્થતંત્રના ડિજિટલાઇઝેશન, 5જીની શરૂઆત સહિતના કારણોસર ડેટા સેન્ટરની માંગમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. જો કે પહેલેથી જ દેશમાં ડેટા સેન્ટરોની અછત જોવા મળી રહી છે.

અત્યાર સુધી અનેક ડેટાનો વિદેશમાં સંગ્રહ થતો હતો. જો કે આવું કરવાથી ડેટા લીક સહિતના અનેક જોખમો રહેતા હતા. પણ હવે ભારત ડેટા સંગ્રહ શક્તિ વધારવા તરફ સતત આગળ વધી રહ્યું છે. અનેક કંપનીઓ પોતાના ડેટા સેન્ટરો ખોલવા માટે તત્પરતા દાખવી રહી છે. જો કે તેમ છતાં પણ ડેટા સંગ્રહ શક્તિની જરૂરિયાત એટલી રહેવાની છે કે ડેટા સેન્ટરો માટે સ્કોપ કાયમ રહેવાનો છે.

મુંબઈમાં 7 એકરની વિશાળ જગ્યામાં રૂ. 2500 કરોડના ખર્ચે બનશે ડેટા સેન્ટર

બ્લેકસ્ટોનની લ્યુમિના ક્લાઉડઈન્ફ્રા કંપની નવી મુંબઈ હાઈપરસ્કેલ ડેટા સેન્ટર સ્થાપવા રૂ. 2500 કરોડથી વધુનું રોકાણ કરશે.  ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને લુમિના ક્લાઉડઇન્ફ્રાના સહ-સ્થાપક અનિલ રેડ્ડીએ જણાવ્યું કે  ડેટા સેન્ટર પ્લેટફોર્મ નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં સ્થપાશે. ભારતમાં લ્યુમિના ક્લાઉડઈન્ફ્રાનું આ પ્રથમ ડેટા સેન્ટર રોકાણ હશે. 60 મેગાવોટથી વધુ નિર્ણાયક આઇટી લોડની ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર, 6.3-એકર જમીન પર બે તબક્કામાં સ્થાપવામાં આવશે.

બાંધકામનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે અને તે 2025 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ભારતની ડેટા સેન્ટર ઇકોસિસ્ટમ ડેટા પ્રસારના વલણો દ્વારા પ્રેરિત, મજબૂત અને સતત વૃદ્ધિ જોઈ રહી છે.  આગામી 1-2 વર્ષમાં ઉદ્યોગની ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની ધારણા છે, અને મુંબઈ દેશની કુલ ક્ષમતાના 52%નું નેતૃત્વ કરશે અને તેનો હિસ્સો રહેશે.

મુંબઈ અને ચેન્નઈ સહિતના મુખ્ય શહેરોમાં કેમ્પસના કદના ઝડપી વિકાસ સાથે, એકસાથે અનેક નવા બજારોની રચના સાથે, ડેટા સેન્ટર સેગમેન્ટમાં રોકાણોમાં તકો ખોલી રહ્યાં છે.બીજી તરફ ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી વૈશ્વિક કંપનીઓએ ભારતમાં તેમના હાઈપરસ્કેલ ડેટા સેન્ટરો સેટ કરવાનું શરૂ કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.