Abtak Media Google News

અબતક, અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારને એફિડેવિટ પર ખુલાસો કરવા કહ્યું કે પતિ, સાસરિયાઓ અને પુજારી વિરુદ્ધ લગ્ન પછી ધર્માંતરણના ગુનાહિત આરોપોને રદ કરવા સામે કેમ વાંધો ઉઠાવી રહી છે?  પીડિતાએ દાવો કર્યો હતો કે, એફઆઈઆર સાચી નથી તેણી વૈવાહિક જીવન ચાલુ રાખવા માંગે છે તો પણ રાજ્ય સરકાર શા માટે એફઆઈઆર રદ્દ થવા દેતી નથી. આ ગુજરાતનો પ્રથમ લવજેહાદનો કેસ છે.

મહિલાએ પોતાની મરજીથી આંતરધર્મ લગ્ન કર્યા હોય તો પણ લવજેહાદ ગણાય?

આ કેસ વડોદરાનો છે. ૧૫ જૂને ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટમાં સુધારો થયાના બે દિવસ બાદ પતિ સહિત સાત વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પતિ સહિત આ કેસના ચાર આરોપીઓ હજુ જેલના સળિયા પાછળ છે અને મહિલાએ હાઈકોર્ટને કહ્યું, હું મારા લગ્નજીવનથી સંતુષ્ટ છું અને લગ્ન જીવનને ચાલુ રાખવા માંગુ છું તો પછી સરકાર શા માટે મારા પતિ સહિત સાસરિયાને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.

બુધવારે સુનાવણી દરમિયાન મહિલાએ પોતાને ન્યાયમૂર્તિ આઇ જે વોરાની ખંડપીઠ સમક્ષ રજૂ કરી કહ્યું હતું લે, એફઆઇઆર રદ કરવાની માંગણી સાથે તેણે સ્વેચ્છાએ અરજી દાખલ કરી છે.  રાજ્ય સરકારે તેની માંગ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેના કારણે કોર્ટે પીડિતા અને સાત આરોપી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી માંગ સામે વાંધો ઉઠાવવા માટે સરકારને ૨૦ સપ્ટેમ્બર સુધીમાં સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

મહિલાએ પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે તેણી તેના વૈવાહિક વિખવાદને કારણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં કેટલીક નાની અને નજીવી બાબતોની જાણ કરવા ગઈ હતી. જેને તેણી માને છે કે, આઈપીસીની કલમ ૪૯૮ એ હેઠળ આવરી લેવામાં આવી શકે છે. જોકે, આ તબક્કે અમુક ધાર્મિક-રાજકીય જૂથોએ આ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને લવ જેહાદનો મુદ્દો લાવીને આ મુદ્દાને કોમી બનાવ્યો.  ઉપરાંત સામેલ પોલીસ અધિકારીઓની ઉતાવળને કારણે જે માહિતી ફરિયાદમાં આપવામાં આવી હતી તેને નેવે મૂકી જે બાબતની કોઈ ફરિયાદ અપાઈ ન હતી તે મુજબનો ગુન્હો દાખલ કરી દેવામાં આવ્યો છે તેવું પીડિતાએ કહ્યું હતું. હાલ આ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને ૨૦મી સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. જેમાં હાઇકોર્ટે લવજેહાદની વ્યાખ્યા અંગે ખુલાસો કરવો પડશે. હાઈકોર્ટે સરકારને પૂછ્યું છે કે, લવજેહાદ ખરેખર કેવી ઘટનાને ગણી શકાય. જો મહિલા તેની મરજીથી આંતરધર્મ લગ્ન કરે તો પણ લવજેહાદ ગણાય કે કેમ? તે અંગે પણ રાજ્ય સરકારે જવાબ રજૂ કરવો પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.