Abtak Media Google News
  • દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક: ગુજરાતની લોકસભાની બેઠકો માટે નામ ફાઇનલ કરવામાં આવે તેવી સંભાવના

કેન્દ્રમાં સતત ત્રીજી વખત તોતીંગ બહુમત સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર રચાય તે માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આજે રાજધાની નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના અધ્યક્ષસ્થાને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાત સહિત આઠ રાજ્યોની લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે મનોમંથન કરવામાં આવશે. ગુજરાતમાં કોની ટિકિટ કંપાશે અને કોને લોટરી લાગશે તે સસ્પેન્સ પરથી આજે પડદો ઉંચકાય જશે. તેવું લાગી રહ્યું છે. રાજ્યની અનેક બેઠકો માટે આજ સાંજ સુધીમાં ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે.

ગત રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ગુજરાતનો પ્રવાસ પૂર્ણ થયા બાદ બીજા જ દિવસે રાજ્યની લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા 78 નિરિક્ષકોને મોકલી દરેક બેઠક પર સેન્સ લેવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ઇચ્છુકોને સાંભળવામાં આવ્યા હતા. એકમાત્ર ગાંધીનગર બેઠક પર અમિતભાઇ શાહનું સિંગલ નામ સેન્સમાં ગયુ હતું. બાકીની 25 બેઠકો પર ચૂંટણી લડવા માટે આશરે 450 દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. દરમિયાન ગત મંગળવારે સાંજથી મોડી રાત સુધી ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સરકારી નિવાસસ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં અલગ-અલગ 25 બેઠકો માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવામાં આવી હતી. ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા અને ડો.મનસુખ માંડવિયા ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી ખાતે દોડી ગયા હતા અને ભાજપની કોર કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. તમામ બેઠકો અંગે હાઇકમાન્ડ સમક્ષ ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકોના વર્તમાન સાંસદ

Screenshot 1 12

દરમિયાન આજે દિલ્હી ખાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. જેમાં ગુજરાત સહિત દેશના અલગ-અલગ આઠ રાજ્યોની લોકસભાની બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા માટે મંથન કરવામાં આવશે. આજે મોડી રાત સુધીમાં ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટે 100થી 120 બેઠકો માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતની ગાંધીનગર અને નવસારી ઉપરાંત એવી બેઠકો કે જ્યાં ઉમેદવારના નામો જાહેર કરાયા બાદ વિરોધ કે વિવાદ થવાની કોઇ સંભાવના નથી તેવી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

વર્ષ-2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ 182 બેઠકો પૈકી 156 બેઠકો જીતી સતત સાતમીવાર સત્તારૂઢ થયું હતું. 2014 અને 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. આ વખતે સતત ત્રીજી વખત 26 બેઠકો જીતવા સાથે હરિફોને કળ ન વળે તે રિતે તમામ બેઠકો 5 લાખથી પણ વધુ મત્તોની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક સેટ કરવામાં આવ્યો છે.

લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામત વિધેયક બિલ મોદી સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યુ હતું. આ બિલની અમલવાર ભલે આ વખતે લોકસભાની ચૂંટણીમાં થવાની નથી પરંતુ ભાજપ મહિલાઓ અને યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપશે તે નિશ્ર્ચીત છે.

સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પૈકી હાલ બે બેઠકો પર મહિલા સાંસદ છે. જે વધી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ પૈકી ઓછામાં ઓછી ત્રણ અને વધુમાં વધુ ચાર બેઠકો પર મહિલાઓને મેદાનમાં ઉતારી શકાય તેમ છે.

આજે રાત સુધીમાં ભાજપ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. જેમાં ગુજરાતની કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.